દિવાળી પર ખાનગી બસ સંચાલકો દ્વારા ઉઘાડી લૂંટ
અમદાવાદ : હીરા ઉદ્યોગમાં કામ કરતા અમદાવાદના રત્ન કલાકારોને તા.૨૫ ઓક્ટોબરથી ૨૫ દિવસનું દિવાળી વેકેશન આપવામાં આવ્યું છે. મોટા ભાગે રત્ન કલાકારો સૌરાષ્ટ્રમાંથી આવીને સુરતમાં કે, અમદાવાદમાં જઈને કામ કરતા હોય છે. દિવાળીના વેકેશનમાં તેઓ તેમના વતન સૌરાષ્ટ્ર જવાનું વધારે પસંદ કરતા હોય છે. ગોધરિયા લોકો પણ તહેવારને લઇ પોતાના વતનની વાટ પકડતા હોય છે ત્યારે હાલ તહેવારને લઇ મુસાફરો-પ્રવાસીઓનો ભારે ધસારો નોંધાયો છે.
જા કે, મુસાફરો અને પ્રવાસીઓના ધસારાનો ગેરલાભ લઇ ખાનગી બસ સંચાલકો અને કોમર્શીયલ વ્હીકલ્સવાળા લોકો પાસેથી ઉઘાડેછોગ લૂંટ ચલાવી રહ્યા છે અને ત્રણથી ચાર ગણાં ભાડા વસૂલી રહ્યા હોઇ મુસાફરો અને પ્રવાસીઓમાં ભારોભાર આક્રોશ જાવા મળ્યો હતો.
ખાસ કરીને મહિલાઓ અને વૃધ્ધજનોએ આ અંગે ગંભીર ફરિયાદ ઉઠાવી હતી અને સરકારી તંત્રને ખાનગી ટ્રાવેલ્સ, લક્ઝરી બસ સંચાલકો અને કોમર્શીયલ વ્હીકલ્સવાળાઓની આવી લૂંટ પર કાયદાનુસાર કાર્યવાહી કરવા ઉગ્ર માંગ કરી હતી.
દિવાળીના તહેવાર અને મુસાફરોના ભારે ધસારાને જાતાં ખાનગી બસ-કોમર્શીયલ વ્હીકલ્સવાળાઓએ અમદાવાદથી સૌરાષ્ટ્ર જતી બસોના ભાડામાં એક સાથે ત્રણથી ચાર ગણો વધારો કરી દીધો છે.
સામાન્ય દિવસોમાં જે ભાડું લેવામાં આવે છે, તેના કરતા ત્રણથી ચાર ગણુ વધારે ભાડું દિવાળીના વેકેશનના સમયમાં સૌરાષ્ટ્ર જતા લોકો પાસેથી વસુલવામાં આવી રહ્યું છે.
અમદાવાદમાં ખાનગી બસોના વધેલા ભાડાની વાત કરવામાં આવે તો અમદાવાદથી અમરોલી, બગસરા જવા માટે રૂ.૩૫૦થી ૭૫૦ સુધી, અમદાવાદથી સાવરકુંડલા જવા માટે રૂ.૩૫૦થી ૮૦૦, અમદાવાદથી ઉના જવા માટે રૂ.૪૦૦થી ૯૦૦, અમદાવાદથી જૂનાગઢ જવા માટે રૂ.૪૦૦થી ૧,૦૦૦ અને અમદાવાદથી મુંબઈ જવા માટે રૂ.૬૦૦થી ૧૪૦૦ રૂપિયા ભાડું વસુલવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત આગામી દિવસોમાં આ ભાડાઓમાં હજુ પણ ૧૦૦ રૂપિયાનો વધારો થયા તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદની જેમ સુરતમાં ખાનગી બસોમાં ભાડામાં બેથી ત્રણ ગણો વધારો થઇ રહ્યો છે. એક તરફ હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે અને બીજી તરફ ખાનગી બસોના સંચાલકો બસનું ભાડું બેથી ત્રણ ગણુ કરીને બેઠા હોવાના કારણે રત્નકલાકારોને પોતાના વતન જવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વૃધ્ધજનોને સૌથી વધુ હાલાકીનો ભોગ બનવુ પડી રહ્યું છે. જેને લઇ લોકોમાં ઉગ્ર આક્રોશની લાગણી ફેલાઇ ગઇ છે.