દિવાળી અને બેસતા વર્ષને લઇ રાજયના મંદિરોને શણગારાયા
અમદાવાદ : દિવાળી અને બેસતાવર્ષના તહેવારને લઇને રાજયભરના મંદિરો ખાસ કરીને તીર્થધામો અને યાત્રાધામોને ભવ્ય રીતે શણગારવામાં આવ્યા છે. ખાસ કરીને, દિવાળીના પર્વ અને નૂતન વર્ષને લઇ સુપ્રસિધ્ધ અંબાજી, ડાકોર રણછોડરાય, શામળાજી ખાતે શામળિયા દેવના મંદિર, દ્વારકાના દ્વારકાધીશ, સાળંગપુર કષ્ટભંજન દેવ, ગણપતિપુરાવાળા ગણપતિ મંદિર, સુપ્રસિધ્ધ અંબાજી, સોમનાથ મહાદેવ, ચોટીલા ચામુંડા માતાજી, પાવાગઢ ખાતે મહાકાળી મંદિર, બહુચરાજી સહિતના મંદિરોમાં તો, ઝળહળતી રોશની અને આકર્ષણોની જારદાર જમાવટ કરી મંદિરોને ભવ્યાતિભવ્ય રીતે શણગારવામાં આવ્યા છે
દિવાળી-નૂતન વર્ષને લઇ મંદિરોમાં દેવી-દેવતાઓના વિશેષ સાજ-શણગાર કરવામાં આવશે. દિવાળીના તહેવારો દરમ્યાન લાખો શ્રધ્ધાળુ આ યાત્રાધામોમાં દર્શનાર્થે ઉમટશે અને દિવાળી-નૂતન વર્ષ નિમિતે મંદિરોમાં અન્નકુટ-મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોની ઉજવણીનો લાભ લઇ ધન્યતા અનુભવશે. સુપ્રસિધ્ધ અંબાજી ખાતે મંદિર પરિસરને ભવ્ય અને આકર્ષક લાઇટો અને ઝળહળતી રોશનીઓથી શણગારવામાં આવ્યું છે.
જે માંઇભકતો અને લાખો દર્શનાર્થીઓમાં ભારે આકર્ષણ જમાવી રહ્યું છે. બેસતા વર્ષના દિવસે અંબાજી મંદિરમાં માતાજીની વિશેષ આરતી અને છપ્પન ભોગના અન્નકુટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. દિવાળીના પાવન અવસરે યાત્રાધામ શામળાજી મંદિરને ઝળહળતી લાઇટોની રોશનીથી શણગારાયું છે. ત્યારે લાઇટોની રોશનીનો મંદિરની બાંધણી શ્રી યંત્ર ઉપર બનાવાઈ હોઇ તે બહુ જ આકર્ષક અને નયનરમ્ય લાગે છે. તીર્થધામ બહુચરાજીમાં બહુચર માતાજીના મંદિરને રંગબેરંગી રોશની કરાઇ છે.
આ જ પ્રકારે સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકા, ડાકોર, સાળંગપુર, બહુચરાજી સહિતના મંદિરોમાં પણ ખૂબ જ સુંદર, આકર્ષક અને ઝળહળતી રોશનીઓ કરી મંદિરોને ભવ્યાતિભવ્ય રીતે શણગારવામાં આવ્યા છે. તો, નર્મદા નદીના તટે ૧૦૮ એકર વિસ્તારમાં નિર્માણ પામેલા નીલકંઠ ધામ પોઇચા ખાતે આગામી તા.૨૮ થી ૩૧ ઓક્ટોબર દરમ્યાન દિવાળી મહાપર્વનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પાંચ દિવસ દરમ્યાન અહીં અખંડ ધૂન, યજ્ઞ, ભાગવી પૂજન કરવામાં આવશે. જેમાં ૨૫ હજાર કિલો પુષ્પો, ૨૫ હજાર કિલો ફ્રૂટ, ૨૫ હજાર કિલો ડ્રાયફ્રૂટ, ૨૫ હજાર કિલો ધાન્ય મળી કુલ એક લાખ કિલો વિવિધ વસ્તુઓથી સ્વામિનારાયણ નીલકંઠ મહારાજનું પૂજન અને અભિષેક કરાશે. આ જ પ્રકારે વડનગર હાટકેશ્વર મંદિરમાં દિવાળીના પર્વને લઈ ભવ્ય રોશની કરવામાં આવી છે. આ ઉપરાંત મંદિરને અવનવી રંગોળીથી આકર્ષક રીતે સજાવાયુ છે.
સુરેન્દ્રનગરના દૂધરેજમાં સમગ્ર રબારી સમાજ માટે આસ્થાનું કેન્દ્ર એવુ વડવાળા મંદિર આવેલું છે. દિવાળી અને નૂતન વર્ષના તહેવારો નિમિતે વડવાળા ધામને રોશનીનો ઝગમગાટ કરાયો છે, જેને લઇ શ્રદ્ધાળુઓમાં ભારે આકર્ષણ જામ્યુ છે.