આજે ૧૪૫મી રથયાત્રાઃ ૧૮ ગજરાજ, ૧૦૧ ભારતીય સંસ્કૃતિની ઝાંખી દર્શાવતી ટ્રકો ભાગ લેશે
રથયાત્રા ૧૯ કિલોમીટર પરંપરાગત રૂટ પર ફરશે : વહેલી સવારે યોજાનાર મંગલા આરતીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખાસ હાજરી આપશે
અમદાવાદ, અમદાવાદમાં શુક્રવારે ભગવાન જગન્નાથજીની ૧૪૫મી રથયાત્રા યોજાશે. જેના આયોજનને લઇને શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. આ રથયાત્રા શહેરના પરંપરાગત રૂટ પર ૧૯ કિલોમીટર ફરશે. જેમાં ૩ રથ, ૧૮ ગજરાજ અને ૧૦૧ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા ટ્રકો આકર્ષણ જમાવશે.
વધુમાં ૩૦ અખાડા અને ૧૮ ભજન મંડળીઓ રથયાત્રામાં જાેડાઇ ધૂન-ભજનની રમઝટ બોલાવશે. એટલુ જ નહી ૩ બેન્ડવાજા સાથે ૨,૦૦૦થી વધુ સાધુ-સંતો યાત્રામાં જાેડાશે. વધુમાં રથયાત્રામાં ૩૫,૦૦૦ કિલો મગના પ્રસાદ સાથે ૫૦૦ કિલો જાંબુ, ૩૦૦ કિલો કેરીના પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવશે સાથે-સાથે ૪૦૦ કિલો કાકડી પણ વહેચવામાં આવશે. રથયાત્રાના જાજરમાન આયોજનના ભાગરૂપે સવારે ૪ વાગ્યે મંગળા આરતી યોજાશે.
વહેલી સવારે યોજાનાર મંગલા આરતીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખાસ હાજરી આપશે. સાથે મોટી સંખ્યામાં શહેરીજનો જાેડાશે. ભગવાન જગન્નાથજીની ૧૪૫ રથયાત્રા માટે દોઢ કરોડનો વીમો લેવામાં આવ્યો છે. બીજી તરફ હાલ કોરોનાના કેસોમાં ઉછાળો આવી રહ્યો હોવાથી રથયાત્રામાં માસ્ક સહિતના કોરોનાના નિયમોનું પાલન કરવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.
રથયાત્રાના જબરદસ્ત આયોજન સાથે ઝડબેસલાક બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. રથયાત્રા પર ડ્રોન કેમેરાના માધ્યમથી નજર રાખવામાં આવશે અને જવાનો સાથે બોડી ઓન કેમેરા પણ કાર્યરત કરાશે વધુમાં સાયબર પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર બાઝ નજર રાખવામાં આવી રહી છે.SS3KP