Western Times News

Gujarati News

બોરસદમાં આભ ફાટ્યું, ૧૧ ઇંચ વરસાદ ખાબક્યો

અમદાવાદ, હવામાન વિભાગની આગાહીને પગલે મેઘરાજા રાજ્ય પર હેત વરસાદી રહ્યા છે. શુક્રવારે સવારે છ વાગ્યે પુરા થતા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૧૧૮ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે ૧૧ ઇંચ વરસાદ આણંદના બોરસદમાં નોંધાયો છે.

સુરતના કામરેજમાં આઠ ઇંચ વરસાદ પડ્યો છે. સુરત શહેરમાં સાત ઇંચ વરસાદ પડ્યો છે. સુરતના ઉમરપાડામાં પણ સાત ઇંચ આસપાસ વરસાદ ખાબક્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના આઠ તાલુકામાં ચાર ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. ૨૭ તાલુકા એવા છે જ્યાં બે ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે.

એક ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો હોય તેવા તાલુકાની સંખ્યા ૫૩ છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૭ જિલ્લામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યારસુધી સિઝનનો ૯.૪૧ ટકા વરસાદ પડ્યો છે. હાલ એવા છ તાલુકા છે જેમાં બિલકુલ વરસાદ નોંધાયો નથી.

ઝોન પ્રમાણે વરસાદની વાત કરીએ તો કચ્છમાં અત્યારસુધી સરેરાશ ૧૮.૪૦ એમ.એમ., વરસાદ પડ્યો છે, જે સિઝનનો ૪.૦૩ ટકા છે. ઉત્તર ગુજરાતમાં સરેરાશ ૩૦.૨૪ એમ.એમ. વરસાદ પડ્યો છે, જે સિઝનનો કુલ ૪.૨૦ ટકા વરસાદ છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં સિઝનનો સરેરાશ ૬૮.૭૫ એમ.એમ. વરસાદ પડ્યો છે, જે સિઝનનો ૮.૫૩ ટકા વરસાદ છે.

બોરસદમાં ગુરૂવારે રાત્રે 10 થી સવારના 4 વાગ્યા સુધી 280 એમ એમ મુશળધાર વરસાદ થતા કૃષ્ણનગર સોસાયટી ,વન તળાવ વિસ્તાર, પુરુષોત્તમ નગર સોસાયટી , વહોરા સોસાયટી , ફતેપુરા વિસ્તાર ,રબારી સોસાયટી , એકલ નારા , મહાકાળી મંદિરથી હનુમાનજી મંદિર , કોલેજ રોડ,  તોરણ માતા રોડ પર પાણી ભરાયા હતા.

સૌરાષ્ટ્રમાં સરેરાશ ૭૪.૯૬ ટકા વરસાદ પડ્યો છે, જે સિઝનનો ૧૦.૬ ટકા છે. દક્ષિણ ગુજરાતમાં સરેરાશ ૧૭૩.૧૫ એમ.એમ. વરસાદ પડ્યો છે. અહીં સિઝનનો ૧૧.૭૩ ટકા વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે ગઈકાલે (૩૦ જૂન) રાજ્યમાં પાંચ દિવસ સુધી વરસાદને લઈને આગાહી કરી હતી.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ રહેશે. પાંચ દિવસ અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ એક સિસ્ટમ સક્રિય હોવાથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ સિસ્ટમ આગામી દિવસોમાં પણ બની રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પહેલી જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, નવસારીમાં ભારે વરસાદની આગાહી છે. વલસાડ, ડાંગ, તાપી, નર્મદામાં પણ વરસાદ રહેશે. સૌરાષ્ઠ આજે એટલે કે પહેલી જુલાઈથી વરસાદની એક્ટિવિટી વધી શકે છે. સૌરાષ્ટ્રમાં બીજી તારીખથી વરસાદનું જાેર વધશે. ત્રીજી જુલાઈ અને ચોથી જુલાઈના રોજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.