વડોદરાના ચોરપુરાની શાળા જ્યાં આચાર્ય છાત્રોને જમાડીને સાંજે ઘરે મોકલે છે
પ્રાથમિક શાળાના આચાર્ય આરીફખાન પઠાણે સાવલી તાલુકાના નાનકડા ગામમાં સાંજનું ભોજન પણ પીરસવાનો પ્રબંધ કર્યો
વડોદરા, ચાણક્યએ કહ્યું છે કે, શિક્ષક કભી સાધારણ નહિ હોતા, વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના નાનકડા ચોરપુરા ગામની સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય આરીફખાન પઠાણે એમના સાથી શિક્ષકોના સહયોગથી વિદ્યોતેજક અનેક નવા પ્રયોગો અમલમાં મુકીને શિક્ષકની અસાધારણતાનો દાખલો બેસાડયો છે એમણે ગામ લોકોમાં બાળકોને શિક્ષણ આપવું જ જાેઈએ એવોવિશ્વાસ દ્રઢ કર્યો છે.
રાજયની તમામ સરકારી શાળાઓમાં માફક આ શાળામાં પણ વિદ્યાર્થીઓ ને મધ્યાહન ભોજન યોજના હેઠળ બપોરનું ભોજન અને નાસ્તો આપવામાં આવે છે. જાેકે તેમણે સેવાભાવી સમન્વય ટ્રસ્ટના સહયોગથી બાળકોને સાંજનું ભોજન પણ શાળામાં પીરસવાનો પ્રબંધ કર્યો છે. રાજયની કદાચ આ એકમાત્ર પ્રાથમિક શાળા હશે કે જેના વિદ્યાર્થીઓ સાંજે શાળા છુટયા પછી ભોજન કરીને ઘેર જાય છે.
છેલ્લા દશેક વર્ષથી ગામલોકોની મદદથી કિચન ગાર્ડન એટલે કે શાળા શાકવાડી ઉછેરવામાં આવે છે. બિયારણનો પ્રબંધ આરીફભાઈ કરે છે જયારે ટ્રેકટર વડે જમીન ખેડી આપવાનું કામ ગામ લોકો કરે છે. વાડીમાંથી મળતાં લીલા શાકભાજી ભોજનમાં ઉમેરવામાં આવે છે જેને લીધે તેની પૌષ્ટિકતા વધે છે જે કુપોષણ નિવારવામાં પણ મદદરૂપ છે.
આ પ્રાથમિક શાળામાં વર્ષમાં એકવાર વાલીઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાય છે જેમાં વાલીઓ ગરબા, ગીતો, લોકનૃત્યો પ્રસ્તુત કરે છે. સને ર૦૦૧માં આરીફભાઈએ જયારે આ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી શરૂ કરી ત્યારે તેમને વસતી ગણતરીનું કામ પણ કરવું પડયું.
એમાં જાણવા મળ્યું કે, ગામમાં ફકત બે વિદ્યાર્થીઓ બચુભાઈ અને રાજુભાઈ દશમાં ધોરણ સુધી પહોંચ્યા છે તેમના નામ આજે પણ આરીફભાઈને યાદ છે. આ પરિસ્થિતિ સુધારવા તેમણે વાલીઓને સંતાનોના શિક્ષણ અંગે જાગતૃ કરવાનું ચાલું કર્યું હતું.