મહેમદાવાદમાં કોમી એખલાસના માહોલમાં રથયાત્રા યોજાઈ

રથયાત્રાને કેબિનેટ મંત્રી ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે પ્રસ્થાન કરાવ્યું
(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જિલ્લામાં મહેમદાવાદ તાલુકાના સિદ્ધિ વિનાયક મંદિર ખાતેથી રથયાત્રાને કેબિનેટ મંત્રી ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રીશ્રીએ રથને પ્રસ્થાન કરાવ્યો હતો. આ વેળાએ તેમની સાથે સાધુ, સંતો, મહંતો પણ જાેડાયા હતા.
મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે. હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કીના ભક્તોના નાદ વચ્ચે ભગવાન જગન્નાથ, ભ્રાતા બળદેવજી અને બહેન સુભદ્રાજી સાથે નગરની ૧૨ કિ.મી.ની પરંપરાગત નગરચર્યાએ મહેમદાવાદના સિદ્ધિવિનાયક મંદિરેથી નીકળ્યાં હતાં. શહેરનાં ભાવિકભક્તોમાં રથયાત્રા નીકળવાનો અનોખો ઉમંગ જાેવા મળ્યો હતો.
કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું કે , વર્ષમાં એકવાર ભગવાન સામેથી નગરજનોના ક્ષેમકુશળ પૂછવાં સામેથી લોકો વચ્ચે જાય છે . ભારતીય સંસ્કૃતિ એકમાત્ર એવી સંસ્કૃતિ છે જેમાં ભગવાનને પરિવારના સદસ્ય માને છે અને પોતાના ભાઇભાંડુ સાથે લોકોના સામેથી ખબરઅંતર પૂછવાં જાય છે . ભગવાન મામાના ઘરે જાય છે અને પોતાના ઘરે પરત ફરે છે .
આવું વિશ્વમાં માત્ર ભારતીય સંસ્કૃતિમાં જાેવા મળે છે . તેમણે વધુમાં કહ્યું કે , ભગવાન જગન્નાથની રથયાત્રા બે વર્ષના કોરોનાના કપરા સમય બાદ ધૂમધામથી નીકળી રહી છે ત્યારે ખેડા જિલ્લાના નગરજનોમાં અનેરો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે . મહેમદાવાદમાં સુશોભન અને શણગાર કરવામાં આવ્યો છે .
રથયાત્રાથી આપણી ધર્મભાવના દ્વારા અનોખી શ્રધ્ધાના દર્શન થાય છે . આ શ્રધ્ધાથી આપણી સુષુપ્ત ચેતનાઓ જાગૃત થાય છે . ભગવાન જગન્નાથજીની રથયાત્રા શહેરમાં નીકળવાની છે ત્યારે ભગવાન સૌને સુખ અને સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના મંત્રીએ કરી હતી. સિદ્ધિ વિનાયક મંદિર ખાતેથી રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
આ દરમ્યાન મોટી સંખ્યામાં ભાવિકો એકત્રિત થયાં હતાં અને ભગવાન જગન્નાથજીનાં દર્શનનો લાભ લીધો હતો. છેલ્લા ૩૬ વર્ષથી અષાઢી બીજના રોજ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે જ્યારે છેલ્લાં બે વર્ષ દરમ્યાન કોરોનાની વૈશ્વિક મહામારીને પગલે રથયાત્રા બંધ રાખવાની ફરજ પડી હતી,
પરંતુ આ વર્ષ કોવિડની મહામારીનો ખતરો ટળતા વર્ષો જૂની પરંપરા મુજબ શહેરમાં ભગવાન જગન્નાથજીની ૩૭ મી રથયાત્રા યોજાઇ રહી છે . રથયાત્રાનાં સમગ્ર આયોજન દરમ્યાન ખેડા જિલ્લા પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. ખેડા જિલ્લામાંથી પોલીસ જવાનોનો લોખંડી બંદોબસ્ત પૂરો પાડવામાં આવ્યો હતો.