Western Times News

Gujarati News

બોરસદમાં ઘરોમાં ફસાયેલા લોકોની મદદ માટે NDRFની એક ટુકડી વડોદરાથી આવી

મુખ્યમંત્રીએ બોરસદ તાલુકામાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતીની સંપૂર્ણ વિગતો મેળવી

આણંદ જિલ્લા કલેકટર સાથે ટેલિફોનીક વાતચીત કરી શ્રી ભૂપેન્દ્ર પટેલે બચાવ રાહતકાર્ય- માનવ અને પશુ મૃત્યુ સહાય-સ્થળાંતરિત થયેલા લોકોને ભોજન-આરોગ્ય સુરક્ષા વ્યવસ્થા-વીજ પુરવઠો-પાણી પુરવઠાની સ્થિતીનો જાયજો મેળવી જિલ્લા તંત્રને માર્ગદર્શન આપ્યું.

જરૂર જણાયે રાજ્ય સરકાર તરફથી NDRF અને SDRF સહિતની મદદ માટે કલેકટર સાથે પરામર્શ કર્યો

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં પાછલા ર૪ કલાકમાં થયેલા ૧ર ઇંચ જેટલા ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતીનો સંપૂર્ણ ચિતાર આણંદ જિલ્લા કલેકટર સાથે શનિવારે સવારે ટેલિફોનિક વાતચીત કરીને મેળવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ આણંદ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ખાસ કરીને અતિ ભારે વરસાદગ્રસ્ત સીસવા ગામની સ્થિતી, નીચાણવાળા વિસ્તારોના ગ્રામજનોનું સલામત સ્થળે સ્થળાંતર તેમજ જાન-માલ અને પશુઓની સલામતી અંગેની પણ વિગતો જાણી હતી.

આણંદ જિલ્લાના બોરસદમાં અનરાધાર વર્ષા થવાને પરિણામે જે ગામોમાં વીજ પુરવઠાને અસર પહોચી છે ત્યાં સત્વરે પુરવઠો પૂન: પ્રસ્થાપિત કરવાની કામગીરી તથા માર્ગો પર પડી ગયેલાં વૃક્ષો હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેની માહિતી મુખ્યમંત્રીશ્રીએ જિલ્લા કલેકટર શ્રી દક્ષિણી પાસેથી મેળવી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આણંદ જિલ્લામાં બોરસદ અને આસપાસના ગામોમાં વરસાદને કારણે પાણી ભરાવાની સ્થિતીમાં ઘરોમાં ફસાયેલા લોકોની મદદ માટે NDRFની એક ટુકડી વડોદરાથી આવી છે અને બચાવ રાહત કાર્યોમાં જોડાઇ છે તેની પણ વિસ્તૃત માહિતી મેળવી હતી.

તેમણે આ ભારે વરસાદથી બોરસદ તાલુકામાં એક માનવ મૃત્યુ તેમજ ૯૦ જેટલા પશુઓના મૃત્યુ થયા છે તેની જાણકારી જિલ્લા કલેકટર પાસેથી મેળવી હતી અને આ સંદર્ભમાં શ્રી ભૂપેન્દ્ર પટેલે નિયમાનુસારની મૃત્યુ સહાય ઝડપથી ચુકવાઇ જાય તે માટેની સુચનાઓ આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાઓ સાથોસાથ રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય તંત્રને પણ દવા છંટકાવ સહિતની આરોગ્યલક્ષી કામગીરી માટે તૈનાત રહેવા સુચનો કર્યા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કાચા-પાકા ઝૂંપડા, મકાનોને નુકશાન તથા વધુ હાનિના કિસ્સાઓમાં પ્રાથમિક સર્વે સત્વરે હાથ ધરવા અને કેશડોલ્સ ચુકવણી વગેરે માટે પણ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

જે ગ્રામજનો પોતાની ઘરવખરી અન્યત્ર સલામત સ્થળે લઇ જવા ઇચ્છતા હોય તેમને જિલ્લા વહિવટી તંત્ર તરફથી શ્રમિકો વાહન વગેરેનો પ્રબંધ કરી આપવા પણ જિલ્લા કલેકટરને મુખ્યમંત્રીશ્રીએ સૂચવ્યું હતું.

તેમણે જે લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે તેમને ભોજન વગેરેની વ્યવસ્થાનો પણ જાયજો મેળવ્યો હતો.

જિલ્લામાં જરૂરિયાત જણાયે રાજ્ય સરકારના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા વધુ NDRF, SDRF ટિમો મોકલવા સહિતની બધી જ મદદ માટે પણ જિલ્લા કલેકટર સાથે મુખ્યમંત્રીશ્રીએ પરામર્શ કર્યો હતો.

હવામાન વિભાગે આવનારા દિવસોમાં હજુ વધુ વરસાદ પડવાની આગાહી કરી છે તે સંદર્ભમાં પણ જિલ્લા પ્રશાસનને વધુ સતર્ક અને સજ્જ રહેવા મુખ્યમંત્રીશ્રીએ આ ટેલિફોનિક વાતચીતમાં માર્ગદર્શન આપ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.