ખંભીસર ખાતે ૧૦૮ તરુરોપણ મહાયજ્ઞ સંપન્ન થયો
જીપીવાયજી- મોડાસાના યુવાનો એ ૫૪ મો રવિવાર ખંભીસરમાં ૧૦૮ છોડ રોપી ઉજવ્યો.
(પ્રતિનિધિ)મોડાસા, પર્યાવરણ બચાવ અભિયાન અંતર્ગત ગાયત્રી પરિવાર યુથ ગૃપ, મોડાસા દ્વારા ચોપ્પન રવિવારથી અવિરત દર રવિવારે વૃક્ષારોપણ કાર્યક્રમ ચાલી રહેલ છે. “પ્રાણવાન સન્ડે” અને મારું ઘર મારું વૃક્ષ અભિયાનથી મોડાસા ક્ષેત્રમાં વૃક્ષારોપણ ઝુંબેશ સંદર્ભે જન જાગૃતિ વધતી જાય છે.
જીપીવાયજી- મોડાસા એ આ ૫૪ મા રવિવારે ખંભીસર ગામે ૧૦૮ રોપાઓનું વૃક્ષારોપણનું આયોજન કર્યું . મહંતશ્રી ગંગાનાથ વિધ્યાલય ,ખંભીસરના મેદાનમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો. ખંભીસરના ગ્રામજનો આ ૧૦૮ તરુરોપણ મહાયજ્ઞમાં આ રોપાઓના ઉછેર માટે સંકલ્પિત થવા જાેડાયા.
જીપીવાયજીના યુવાનોએ ઉપસ્થિત સૌને પર્યાવરણ બચાવવા ખૂબજ મહત્વની જાણકારી આપી. પવિત્ર મંત્રોચ્ચાર સાથે ભાવનાત્મક વાતાવરણમાં સૌએ તરુપુત્ર તરુમિત્રના ભાવસંબંધથી ઉછેર-જતનના સંકલ્પ સાથે ૭૦ લીમડા , ૨૪ આસોપાલવ, ૧૦ કણજી, ૨ ચંપા, ૨ બદામ સાથે કુલ ૧૦૮ છોડનું ઉપસ્થિત ગ્રામજનોના હસ્તે તરુરોપણ કરવામાં આવ્યું.
આ ૧૦૮ તરુરોપણ મહાયજ્ઞમાં ખંભીસર કેળવણી મંડળના પ્રમુખશ્રી રમણભાઈ પટેલ, કેળવણી મંડળના સભ્યઓ, સ્કુલના શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, ખંભીસર ગાયત્રી પરિવારના અગ્રણી કાન્તિભાઈ પટેલ, કામિનીબેન પટેલ સહિત ગામના યુવાનો તેમજ ગાયત્રી ચેતના કેન્દ્ર, મોડાસાના પ્રમુખ ધર્માભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર આયોજન સફળ બનાવવા જીપીવાયજી-મોડાસાના ભાર્ગવ પ્રજાપતિ, પ્રજ્ઞેશ કંસારા, જનક ઉપાધ્યાય, પરેશ ભટ્ટ, દેવાશિષ કંસારા, વિરેન્દ્ર સોની, કિરણ પટેલ, નિતિન સોની, નીલ જાેષી, ઝીલ પટેલ, પ્રકાશ સુથાર વિગેરે યુવાનોએ જહેમત ઉઠાવી હતી.