અસલાલીમાં હથિયારબદ્ધ ટોળાનો પરીવાર પર હુમલો : ત્રણ ઘાયલ
અમદાવાદ : અસલાલીમાં જુની અદાવતમાં ૧૫થી ૨૦ જણાનાં હથિયારબદ્ધ ટોળાએ એક પરીવાર ઊપર હુમલો કરતાં દિવાળીનો તહેવાર લોહીયાળ બન્યો હતો. ઘટના મોભી પુરૂષને મારવા આવેલાં ટોળાએ પુત્રીઓને પણ ટોળું ધસેડીને લઈ ગયું હતું. ધારીયા અને તલવાર જેવા હથિયારો વડે ઘા કરાતાં વ્યક્તિ ગંભીર હાલતમાં દવાખાનામાં તબીબોની દેખરેખ હેઠળ છે. આ ઘટના બાદ અસલાલી પોલીસે ધરપકડનો દોર શરૂ કર્યાે છે. કેટલાંક હુમલાખોર પકડાઈ ગયા તો કેટલાંક ભાગી છુટ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
અસલાલી બાકરોલ ગામનાં આશાપુરા ખાતે રહેતાં પ્રવિણભાઈ ક્રીશ્ચિયન મંગળવારે ઘરે હાજર હતા. એ વખતે તેમને પાડોશમાં જ રહેતાં મોટાભાઈ અલ્વિનભાઈનાં દિકરા એડીસન તથા નેલ્સન પોતાની જમીનમાં દિવાલ બનાવતાં તેમની સાથે ઝઘડો થયો હતો. જાતજાતામાં ઝઘડાએ ઊગ્ર સ્વરૂપ ધારણ કરતાં કાકા તથા ભત્રીજાઓ એકબીજા સાથે મારમારી ઊપર ઊતરી આવ્યા હતા.
બાદમાં નેલ્સન તથા એડીસન સહિત ૧૫થી ૨૦ લોકોનું ટોળું પ્રવિણભાઈનાં ઘરમાં ઘૂસી ગયું હતું. ધારીયા તલવારો જેવાં હિંસક હથિયારો સામે ઘરમાં ઘુસી આવેલાં ટોળાએ ચિચિયારીઓ કરતાં પરીવારનાં સભ્યો ગભરાઈ ગયા હતાં. દરમિયાન પ્રવિણનગર ઊપર ધારીયા વડે હુમલો કરાતાં તે ગંભીર રીતે ઘાયલ થયા હતાં.
પુત્રી સહિત અન્ય પરીવારજનો વચ્ચે પડતાં તેમની સાથએ પણ મારામારી કરવામાં આવી હતી. આ ઘટનામાં પ્રવિણભાઈ સહિત ત્રણ ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે પોલીસને જાણ થતાં જ તમામ હુમલાખોરોને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઉપરાંત શહેરનાં અન્ય વિસ્તારો જેમ કે ઈસનપુર, રીવરફ્રન્ટ વેસ્ટમાં પણ છુરાબાજીની છુટક ઘટનાઓ બની હતી.
ઈસનપુરમાં બંને પક્ષોએ સામસામે ફરીયાદ નોંધાવી છે. આ ઊપરાંત છારાનગરમાં ફટાકડા ફોડવા બાબતે બબાલ થતાં માઈકલ ગારંગે નામના માથાભારે શખ્સે શ્રીકાંત નામનાં યુવાનને માર મારતાં તેને લોહીલુહાણ હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.