પૂર્વ પ્રેમીએ અપહરણ કર્યા બાદ માર માર્યો હોવાનો યુવતીનો આક્ષેપ
અમદાવાદ, પૂર્વ પ્રેમી અને તેના બે મિત્રોએ ઉસ્માનપુરાની એક હોટેલમાંથી અપહરણ કર્યા બાદ તેના પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ લગાવતી ફરિયાદ રવિવારે વાડજ વિસ્તારમાં રહેતી ૨૯ વર્ષીય યુવતીએ વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પોલીસ સમક્ષ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, ઘટના રવિવારે સાંજે બની હતી. ફરિયાદી યુવતી પરિમલ ગાર્ડન પાસે આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે.
ફરિયાદમાં, તેણે જણાવ્યું હતું કે તેણે ૨૦૧૫માં કેતન બારોટ નામના વ્યક્તિ સાથે તેની એજ્યુકેશન કન્સલ્ટન્સી ફર્મમાં કામ કરવાનું શરૂ કર્યું હતું અને જાન્યુઆરી, ૨૦૨૨માં નોકરી છોડી દીધી હતી.
ફરિયાદમાં તેણે તેમ પણ કહ્યું હતું કે, તે કેતન બારોટ સાથે રિલેશનશિપમાં રહી હતી પરંતુ તે પરિણીત હોવાની જેવી જાણ થઈ કે તરત જ બ્રેકઅપ કરી દીધું હતું અને નોકરી છોડી દીધી હતી. ફરિયાદીએ પોલીસને કહ્યું હતું કે, બારોટ છેલ્લા ૧૦ દિવસથી તેને પરેશાન કરતો હતો અને તેની પાસે પરત ફરવા માટે દબાણ કરતો હતો.
રવિવારે સાંજે, જ્યારે તે નોકરી પરથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે કેતન બારોટના મિત્રો હાર્દિક જાેશી અને નવીન રાયે બારોટ તેને મળવા માગતો હોવાનું કહીને કથિત રીતે અટકાવી હતી. જ્યાં સુધી બારોટ કાર લઈને સ્થળ પર ન પહોંચ્યો ત્યાં સુધી તેમણે ઉસ્માનપુરા પાસેની એક હોટેલમાં તેને ગોંધી રાખી હતી.
તેના આદેશ પર, બંને મિત્રોએ યુવતીને કારમાં ધકેલી હતી. કાર વાડજ સર્કલ-સુભાષ બ્રિજ-સાબરમતી રુટ પરથી ચલાવવામાં આવી હતી અને ઝુંડાલ પાસેના એક સૂમસાન વિસ્તારમાં ઉભા રખાઈ હતી. બારોટે કારમાં તેને માર માર્યો હોવાનું અને જ્યારે તેણે પોલીસને કોલ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ફોન પણ તોડી નાખ્યો હોવાનું યુવતીએ ફરિયાદમાં કહ્યું હતું.
એક મિત્રએ તેને મારવાનું બંધ કરવાનું કહેતાં બારોટ કારમાંથી બહાર નીકળ્યો હતો, તેમ ફરિયાદીએ નિવેદન આપ્યું હતું. આ જ સમયે તકનો લાભ ઉઠાવીને, તે કારમાંથી ભાગવામાં સફળ રહી હતી અને રિક્ષા કરી હતી. તેણે બાદમાં પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે કેતન બારોટ અને તેના બે મિત્રો સામે અપહરણ અને ઈજા પહોંચાડવાનો ગુનો નોંધ્યો હતો.SS1MS