દેશમાં જૂનમાં પેટ્રોલ-ડિઝલની વપરાશમાં ૩૫.૨ ટકાનો વધારો થયો
જૂનમાં એલપીજીનું વેચાણ વધીને ૨૨.૬ લાખ ટન થયું
નવી દિલ્હી, દેશમાં જૂન મહિનામાં પેટ્રોલ અને ડીઝલનો વપરાશ નોંધપાત્ર વધ્યો છે. પેટ્રોલ કરતાં ડીઝલની માંગ વધી છે. ડીઝલની માંગ જૂનમાં વાર્ષિક ધોરણે ૩૫.૨ ટકા વધીને ૭૩.૮ લાખ ટન થઈ છે. જૂન ૨૦૨૨માં પેટ્રોલનું વેચાણ પણ વધીને ૨૮ લાખ ટન થયું જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં ૨૯ ટકા વધુ છે. પેટ્રોલનો વપરાશ જૂન, ૨૦૨૦ની સરખામણીમાં ૩૬.૭ ટકા અને જૂન, ૨૦૧૯ કરતાં ૧૬.૫ ટકા વધુ છે. તે જ સમયે, માસિક ધોરણે વેચાણમાં ૩.૧ ટકાનો વધારો થયો છે.
જૂનમાં એલપીજીનું વેચાણ સામાન્ય ૦.૨૩ ટકા વધીને ૨૨.૬ લાખ ટન થયું છે. તે જૂન, ૨૦૨૦ કરતાં ૯.૬ ટકા અને જૂન, ૨૦૧૯ કરતાં ૨૭.૯ ટકા વધારે છે. જૂન, ૨૦૨૧ની સરખામણીમાં એલપીજીનું વેચાણ ૬ ટકા વધારે છે. તેવી જ રીતે, જેટ ફ્યુઅલ (એટીએફ)ની માંગ પણ વાર્ષિક ધોરણે રેકોર્ડ ઉંચા ભાવ હોવા છતા લગભગ બમણી થઈને જૂન ૨૦૨૨માં ૫,૩૫,૯૦૦ ટન થઈ ગઈ.
જૂન ૨૦૨૧ની સરખામણીમાં જૂન ૨૦૨૨માં ૧૫૦.૧ ટકાનો વધારો થયો છે પરંતુ હજુ પણ જેટ ફ્યુઅલનું વેચાણ ૬,૧૫,૪૦૦ ટનના પ્રી-કોરોના સ્તર કરતા ઓછું છે. ઉલ્લેખનીય છે કે એપ્રિલમાં ચાર મહિનાના લાંબા સમયગાળા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ૧૦ રૂપિયાનો વધારો થવાને કારણે વપરાશમાં ઘટાડો થયો હતો.
બજારના નિષ્ણાતોના મતે ભારતમાં જૂનમાં પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં વધારો થયો છે કારણ કે આર્થિક ગતિવિધિઓ ઝડપી બની છે. ઉનાળાના વેકેશન દરમિયાન લોકોની મુસાફરી વધતા અને પાકની વાવણી શરૂ થઈ છે. આ સાથે દેશમાં કોરોના પ્રતિબંધો હટાવ્યા બાદ ઔદ્યોગિક પ્રવૃતિઓમાં થયેલા વધારાને કારણે ઈંધણની માંગ પણ વધી રહી છે.
ઔદ્યોગિક સૂત્રોએ ડીઝલની માંગમાં વધારાને કૃષિ અને ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં વધુ વપરાશ માટે જવાબદાર ગણાવ્યું છે. ડીઝલનો વપરાશ જૂન, ૨૦૧૯ કરતાં ૧૦.૫ ટકા અને જૂન, ૨૦૨૦માં ૩૩.૩ ટકા વધુ છે. એ જ રીતે ડીઝલનું વેચાણ આ વર્ષે મેના ૬૭ લાખ ટનની સરખામણીએ જૂનમાં ૧૧.૫ ટકા વધ્યું હતું.SS2KP