Western Times News

Gujarati News

વાસ્તુ નિષ્ણાત ચંદ્રશેખર ગુરૂજીની ધોળા દિવસે હત્યા

હુબલી , સરલ વાસ્તુ એક્સપર્ટ ચંદ્રશેખર ગુરુજી ઉર્ફે ચંદ્રશેખર અંગદીનું ધોળા દિવસે ચાકૂના ઘા ઝીંકીને મર્ડર કરી દેવાયું છે. કર્ણાટકના હુબલી-ધારવાડ રોડ પર એક પ્રાઈવેટ હોટેલમાં તેમની હત્યા કરાઈ હોવાનું સામે આવી રહ્યું છે. બપોરે ૧૨ વાગ્યે બનેલી આ ઘટનામાં બે વ્યક્તિની સંડોવણી હોવાનું જાણવા મળી રહ્યું છે.

પોલીસના જણાવ્યા અનુસાર, હત્યારા મૃતકના અનુયાયી હોવાનું કહીને હોટેલના રિસેપ્શન કાઉન્ટર પર આવ્યા હતા અને ચંદ્રશેખરની હત્યા કરીને ભાગી ગયા હતા. ચંદ્રશેખરની હોટેલના રિસેપ્શન પાસે જ ચાકૂના ઘા ઝીંકી હત્યા કરી દેવાઈ હતી. હત્યાને અંજામ આપીને ભાગી રહેલા હત્યારા સીસીટીવીમાં કેદ થયા છે.

આ ઘટનાની જાણ થતાં જ કર્ણાટક પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા. ચંદ્રશેખરના મૃત શરીરને પીએમ માટે કેઆઈએમએસ હોસ્પિટલ લઈ જવાયું છે. પોલીસે તેમના પરિવારજનોને પણ આ ઘટનાની માહિતી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા ચંદ્રશેખરને ત્યાં કામ કરતાં કર્મચારીઓએ મહિનાઓથી પોતાને પગાર ના મળ્યો હોવાના આક્ષેપ કરીને ધરણા પ્રદર્શન યોજ્યું હતું.

હાલ પોલીસ તેમની હત્યાની તપાસ તમામ પાસાને ધ્યાનમાં રાખીને કરી રહી છે. હત્યારાની ઓળખ કરવા માટે સીસીટીવી ફુટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે.મૂળ કર્ણાટકના ચંદ્રશેખર ગુરુજીએ દેશભરમાં સરલ વાસ્તુના નામે અનેક કાર્યક્રમ કર્યા હતા. તેમણે વાસ્તુ પર કેટલાક પુસ્તકો પણ લખ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, તેમણે બે હજારથી વધુ સેમિનાર કર્યા હતા તેમજ તેમને ૧૬ જેટલા નેશનલ અને ઈન્ટરનેશનલ એવોર્ડ પણ પ્રાપ્ત થયા હતા. તેમણે સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો તેમજ આર્કિટેક્ચરમાં તેઓ ડોક્ટરેટ થયા હતા.જે હોટેલમાં તેમનું મર્ડર થયું ત્યાં તેમાં તેઓ ૦૨ જૂલાઈના રોજ આવ્યા હતા, અને ૦૬ જૂલાઈએ તેઓ ચેકઆઉટ કરવાના હતા.

તેઓ રિસેપ્શન પાસે મૂકાયેલા સોફા પર બેઠા હતા ત્યારે જ બે લોકો તેમની પાસે આવ્યા હતા. હોટેલ સ્ટાફના જણાવ્યા અનુસાર, હત્યારા નીચે નમીને જાણે ચંદ્રશેખરના ચરણ સ્પર્શ કરતા હોય તેવો ડોળ કરી રહ્યા હતા અને ત્યારબાત તેમના પર ચાકૂ સાથે તૂટી પડ્યા હતા. ચંદ્રશેખર ગ્લોબલ વિઝનના ચેરમેન હતા તેમજ તેમણે સરળ જીવનના નામે ૨૦૧૬માં એક ટીવી ચેનલ પણ શરુ કરી હતી. તેમણે સીજી પરિવારના નામે ૨૦૦૨માં પ્રાઈવેટ લિમિટેડ કંપની પણ શરુ કરી હતી.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.