Western Times News

Gujarati News

મુખ્યમંત્રીએ અમદાવાદમાં કરાવ્યું વંદે ગુજરાત વિકાસ યાત્રાનું પ્રસ્થાન

File

અમદાવાદ, ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસ કાર્યોને પ્રજા સુધી પહોંચાડવાના આશય સાથે આજથી સમગ્ર રાજ્યમાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતેથી આ યાત્રાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો છે અને જીલ્લા કક્ષાએ મંત્રી મંડળના સભ્યો સહિત પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ યાત્રાનો શુભારંભ થયો છે.

૮૨ વંદે ગુજરાત વિકાસ રથ સાથે તા. ૫ થી ૧૯ જુલાઇ-૨૦૨૨ દરમિયાન યોજાનારી આ યાત્રા રાજ્યના ૩૩ જીલ્લાઓ, ૮ મહાનગર પાલિકાઓ અને તમામ ગામડા-વોર્ડમાં પરિભ્રમણ કરશે. જે અંતર્ગત રાજ્યભરમાં ૨૫૦૦ થી વધુ કાર્યક્રમો યોજાશે અને ૨૫ હજારથી વધુ નવા વિકાસ કાર્યોની ઘોષણા અને લોકાર્પણ કરાશે.

અમદાવાદમાં યાત્રાનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ કે, સ્વર્ણિમ ગુજરાતથી આર્ત્મનિભર ગુજરાત સુધીની યાત્રા આજથી શરૂ થઈ છે. ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે મહાત્મા ગાંધી અને સરદાર પટેલે આપણને સ્વરાજ અપાવ્યું હતું. સુરાજ માટે પીએમ મોદી અને અમિત શાહ અથાગ પ્રયાસ કરી રહ્યાં છે. નરેન્દ્ર મોદીએ રાજ્યમાં દરેક ક્ષેત્રમાં પાયાથી ઇમારત સુધીના કાર્યો કર્યાં છે.

મંત્રી વાઘાણીએ ઉમેર્યુ કે, ગુજરાત રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને દોરવણી હેઠળ ગુજરાતે વિકાસના અનેક શિખરો સર કરી વિકાસની નવી કેડી કંડારી છે. જેના ઉપર ગુજરાત રાજ્ય વધુને વધુ પ્રગતિનાં સોપાન સર કરીને વિકાસની અનેક સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે.

ગુજરાત રાજ્યમાં વિતેલા ૨૦ વર્ષમાં શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને સહકાર, પશુપાલન, સિંચાઈ, રસ્તા, વન અને પર્યાવરણ, પીવાનું પાણી, ૨૪ કલાક વીજળી, વાહન વ્યવહાર, પ્રવાસન, મહિલા અને બાળ કલ્યાણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં સર્વાંગી વિકાસ થયો છે. વિકાસનાં મીઠાં ફળ ગુજરાતના જન જન સુધી પહોંચ્યાં છે.

ગુજરાતમાં છેલ્લા ૨૦ વર્ષમાં થયેલ વિકાસની ઝાંખી કરાવવા તથા જનકલ્યાણના વિવિધ કાર્યક્રમોની જનજન સુધી જાણકારી પૂરી પાડવાના હેતુથી રાજ્યવ્યાપી વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારની અનેક જન કલ્યાણકારી યોજનાઓની જાણકારી રાજ્યના તમામ નાગરિકોને એક જ સ્થળેથી મળી રહે તે માટે વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

તે અંતર્ગત તા.૫-૭-૨૦૨૨ થી તા.૧૯.૭.૨૦૨૨ સુધીના ૧૫ દિવસ વંદે ગુજરાત વિકાસ યાત્રા રાજ્યભરમાં ૩૩ જિલ્લાઓ, ૮ મહાનગરો અને રાજ્યના તમામ ગામડાંઓ-વોર્ડને આવરી લેવાશે. આ વંદે ગુજરાત વિકાસ યાત્રા મહેસુલ, આરોગ્ય, કૃષિ, પશુપાલન, પંચાયત, પ્રવાસન, માહિતી, શિક્ષણ, સહકાર, મહિલા અને બાળ વિકાસ, પાણી પુરવઠો, આદિજાતિ, સામાજિક ન્યાય અધિકારીતા અને નાગરિક પુરવઠો સહિતના વિભાગો સહભાગી બન્યા છે.

આ વંદે ગુજરાત વિકાસ યાત્રાના માધ્યમથી અધતન ટેકનોલોજીથી સજ્જ રથના વિશાળ એલઈડી સ્ક્રીન ઉપર વીતેલા બે દાયકામાં વિવિધ ક્ષેત્રે હાંસલ થયેલ સિદ્ધિઓની અને વિકાસની હરણફાળના દર્શન કરાવતી રસપ્રદ ફિલ્મોનું નિદર્શન થશે.

આ ઉપરાંત વંદે ગુજરાત વિકાસ રથના આગમન પૂર્વે શાળા, પંચાયત ઘર, આંગણવાડી, દૂધ મંડળી, પશુ દવાખાના, પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રો, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જેવા જાહેર સ્થળો અને જાહેર માર્ગો પર સ્વચ્છતા અભિયાન, શાળાકક્ષાએ ચિત્ર અને નિબંધ સ્પર્ધા, આંગણવાડીકક્ષાએ વાનગી સ્પર્ધા, ગામમાં પ્રભાતફેરી, યોગ શિબિર અને વૃક્ષારોપણ જેવી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.

વંદે ગુજરાત વિકાસ યાત્રાના ભાગરૂપે મહાનુભાવોના હસ્તે રપ હજારથી વધુ વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ, જાહેરાત અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આયુષ્માન ભારત પી.એમ.જે.એ.વાય-મા યોજના અંતર્ગત કાર્ડનું અપગ્રેડેશન કરવામાં આવશે તથા પી.એમ.જે.એ.વાય. -મા યોજનાના કાર્ડ વિતરણ માટેનો કેમ્પ અને સાથે જ નિરામય ગુજરાત અંતર્ગત આરોગ્ય કેમ્પ પણ યોજાશે.

રાત્રિ રોકાણ દરમિયાન ડાયરો અને સંસ્કૃતિ કાર્યક્રમ યોજી ગ્રામજનોને યોજનાકીય માહિતીની સાથે સાથે મનોરંજન પણ પીરસવામાં આવશે. આ કાર્યક્રમોમાં સંસદસભ્યઓ, ધારાસભ્યઓ, પદાધિકારીઓ, જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખઓ, સરપંચઓ, આગેવાનો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહેશે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.