Western Times News

Gujarati News

અમદાવાદના રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ લેવલે રી-ડેવલપ કરાશે

અમદાવાદ, રેલ મંત્રાલય દ્વારા દેશભરમાં ૩૭૦ જેટલા રેલવે સ્ટેશનના રી ડેવલમેન્ટ માટેનો પ્રોજેકટ હાથ ધરાયો છે. જેમાં અમદાવાદમાં વર્લ્ડ ક્લાસનું રેલવે સ્ટેશન બનાવવા માટે ૩,૮૦૦ કરોડનો પ્રોજેકટ છે.

આ ઉપરાંત સુરત, વડોદરા, રાજકોટ અને સોમનાથ સહિત ગુજરાતના વિવિધ સ્ટેશનોને રી ડેવલમેન્ટ કરવાનું આયોજન હોવાનું કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું છે. એટલું જ નહીં, ભારતની સ્વદેશી અને ભારતમાં જ તૈયાર થયેલી ‘વંદે ભારત ટ્રેન’ વર્ઝન ૨ને આવતા મહિને શરૂ કરવામાં આવશે.

કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપતા જણાવ્યું કે, દેશમાં ૩૭૦ સ્ટેશનનુ રી ડેવલપમેન્ટનું આયોજન છે. આ પહેલા ગાંધીનગર, ભોપાલ અને બેંગ્લોરમાં રેલવે સ્ટેશનો રી ડેવલપમેન્ટ થઈ ચૂક્યાં છે. ૩૭૦ સ્ટેશનોમાંથી ૪૫ સ્ટેશન માટે ટેન્ડરિંગ પ્રક્રિયા થઈ ચૂકી છે.

ગુજરાતમાં અમદાવાદના રેલવે સ્ટેશનને વર્લ્ડ કલાસ સ્ટેશન બનાવવાનો ૩,૮૦૦ કરોડનો પ્રોજેકટ છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, સોમનાથ દેશના સૌથી મોટા શહેરોના સ્ટેશનોનું પુનઃ નિર્માણનો ટાર્ગેટ છે. રેલવેના અન્ય પ્રોજેકટની વાત કરવામાં આવે તો વંદે ભારત ટ્રેન ૨૦૧૭માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેનો પ્લાન કર્યો હતો, ૨૦૧૯માં બે ટ્રેન બનીને આવી છે.

બંને ટ્રેન અંદાજે ૧૪ લાખ કિલોમીટર સુધી ચાલી છે. આવનાર વર્ષમાં ૭૫ ટ્રેન બનાવવાની તૈયારી ચાલી રહી છે. વંદે ભારત ટ્રેને ખૂબ સારી નામના મેળવી છે ત્યારે અત્યાધુનિક ટેક્નોલોજી, સગવડ સાથે આવતા મહિને વર્ઝન ટુ શરૂ થશે. વંદે ભારત વર્ઝન ટુમાં ઝાટકા ઓછા લાગશે, કારણ કે તેમાં એરસ્પ્રિંગ લાગેલા છે. પહેલી વંદે ભારત ટ્રેનની સ્પીડ ૧૬૦kmph હતી, બીજીની મહત્તમ ઝડપ ૧૮૦kmph હશે.

ત્રીજી ટ્રેન બનશે તેની મહત્તમ ઝડપ ૨૨૦ kmphર હશે. મંત્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે, જે કામ અન્ય દેશોએ ૪૦ વર્ષમાં કર્યું, તે આપણે ૧૪-૧૫ વર્ષમાં કરી નાખીશું. ધીરે ધીરે વંદે વર્ઝન ૩, વર્ઝન ૪ પણ શરૂ કરવામાં આવશે.

દેશમાં ખૂણે ખૂણે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન લોન્ચ કરવામાં આવશે. આ ઉપરાંત વધુ એક મહત્વનો રેલવે પ્રોજેક્ટ કે જેમાં બે ટ્રેન સામસામે એક ટ્રેક પર આવતી હોય ત્યારે નજીક આવતા જ આપોઆપ બ્રેક વાગી જાય તેવા કવચ પ્રોજેક્ટનું દેશભરની ટ્રેક પર લગાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે. હાલ ત્રણ હજાર કિલોમીટર ટ્રેકમાં કવચનું ફિટિંગ થઈ ગયું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.