મહિજડા, જખવાડા, આંબારેલી, સચાણા, નાઝ અને કારિયાણા ગામે 11 લાખથી વધુ રૂપિયાના વિકાસલક્ષી કામોનું લોકાર્પણ
અમદાવાદ જિલ્લાના છ ગામોમાં વંદે વિકાસ યાત્રાનું ભાવભેર સ્વાગત-105થી વધુ ગ્રામજનોને વિવિધ યોજનાઓના લાભ અર્પણ કરાયા
20 વર્ષના વિશ્વાસ અને 20 વર્ષના વિકાસના મધ્યવર્તી વિચાર સાથે રાજ્યભરમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત તારીખ 6 જુલાઈના રોજ અમદાવાદ જિલ્લાના 6 ગામોમાં વંદે વિકાસ રથ પહોંચ્યા હતા.
જ્યાં ગ્રામજનોએ આ રથનું ભાવભીનુ સ્વાગત કર્યું હતું. ક્યાંક મહિલાઓએ કંકુ ચોખાથી રથનું પૂજન કર્યું તો ક્યાંક ચણિયાચોળીમાં સજ્જ બાળકીઓએ વંદે ગુજરાત વિકાસ રથને આવકાર્યો હતો. અમદાવાદના મહિજડા, જખવાડા, આંબારેલી, સચાણા, નાઝ અને કારિયાણા એમ 6 ગામોના કુલ 11 લાખ રૂપિયાના વિકાસલક્ષી કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ગામે ગામ લોકોએ રથને સ્વાગત-સામૈયું કરીને વધાવ્યો હતો. ગામોમાં ઉત્સવનો માહોલ છવાયો હતો. અમદાવાદ જીલ્લાના ૫૦થી વધારે ગામોમાં ફરેલી વિકાસયાત્રામાં ૩૫૦૦થી વધારે લોકો સહભાગી થયા હતા.
વિવિધ ગામોમાં મામલતદાર, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, ગામોના સરપંચ અને રાજકીય તથા સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા. પૂર્વ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના મહાનુભાવોના હસ્તે 110થી વધુ લાભાર્થીઓને વિવિધ યોજનાના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.