‘ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ’ ૨૫ લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે ઐતિહાસિક મેગા ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન

દેશની સૌથી મોટી ‘ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ’નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સાયન્સ સીટી ખાતેથી આવતીકાલે તા.૭મી જુલાઇના રોજ લોન્ચિંગ કરશે
શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત કેન્દ્ર અને રાજ્ય સરકારની વિકાસલક્ષી અને પ્રજાલક્ષી ગૌરવગાથા વિશેની ક્વિઝમાં ધો.૯ થી ૧૨ શાળા કક્ષાના, કોલેજો અને યુનિવર્સિટી કક્ષાએ અભ્યાસ કરતાં તમામ વિધ્યાર્થીઓ ઉપરાંત રાજ્યના અભ્યાસ ન કરતા હોય તેવા સામાન્ય નાગરીકો પણ ભાગ લઈ શકશે.
ક્વિઝમાં પદર અઠવાડિયે ૨૫૨ તાલુકા-નગરપાલિકા, ૧૭૦ વોર્ડના વિજેતા ઉમેદવારોને રૂ.૧.૬૦ કરોડના ઈનામો મળી કુલ ૧૫ અઠવાડિયાના આશરે રૂ. ૨૫ કરોડના ઈનામો તથા સ્ટડી ટૂર પ્રાપ્ત થશે.
રાજ્ય કક્ષાના વિજેતાઓને ત્રણ દિવસની ભારતના પ્રવાસી સ્થળો, યાત્રાધામો, ઉદ્યોગ ગૃહો અને ભારતની વિકાસગાથા દર્શાવતા સ્થળોની મુલાકાત કરાવાશે.
રાજ્ય કક્ષાની સ્પર્ધા ઓફલાઈન મોડમાં ક્વિઝ માસ્ટર સાથે શાનદાર અને ધમાકેદાર રીતે આયોજિત થશે. ‘ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ’માં અંદાજે ૨૫ લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઇ શકે તે મુજબનુ આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ કક્ષાએ, દ્વિતીય તબક્કામાં જિલ્લા-મહાનગરપાલિકા કક્ષાએ તેમજ ત્રીજા અને અંતિમ તબક્કામાં ઓફલાઈન ક્વિઝ રાજ્ય કક્ષાએ યોજાશે.
સાયન્સ સીટી ખાતે યોજાનાર ‘ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ’ લોન્ચિંગના કાર્યક્રમની શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ સમીક્ષા કરીને તૈયારીઓનું જાત નિરક્ષણ કર્યું
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આવતીકાલે 7 જુલાઈના રોજ અમદાવાદ સાયન્સ સીટી ખાતે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિકાસલક્ષી અને પ્રજાલક્ષી ગૌરવગાથા વિશેની ઐતિહાસિક મેગા કોમ્પિટિશન ‘ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ’નું લોન્ચિંગ થવાનું છે.
જેના ભાગરૂપે આજે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી, સહકાર અને ઉદ્યોગ મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર તેમજ મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાએ અમદાવાદ સાયન્સ સીટી ખાતે તૈયારીઓની સમીક્ષા કરીને જાત નિરીક્ષણ પણ કર્યું હતુ.
સહકાર અને ઉદ્યોગ મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર તેમજ મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા