કે.ડી. પરવાડિયા હોસ્પિટલ દ્વારા સદભાવના વૃદ્ધાશ્રમનાં કાર્યકર્તાની વિનામૂલ્યે સારવાર
હોસ્પિટલ દ્વારા સદભાવના વૃદ્ધાશ્રમનાં વડીલોને પણ નિઃશુલ્ક સારવાર આપવામાં આવશે.
જસદણનાં આટકોટમાં આવેલી કે.ડી. પરવાડિયા હોસ્પિટલનું નિર્માણ ડૉ. ભરતભાઇ બોઘરા અને સાથી ટીમનાં સથવારે દ્વારા 40 કરોડના ખર્ચે 200 બેડ અને 24 ઓપીડીથી માંડીને તમામ સર્જરી થઈ શકે તેવી આધુનિક વ્યવસ્થા સાથે કરવામાં આવ્યું છે. આ હોસ્પિટલનું લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું.
તેમજ ભવિષ્યમાં હોસ્પિટલની સાથે મેડિકલ કોલેજ પણ શરૂ કરવાનું આયોજન છે. આ મલ્ટીસ્પેશિયાલિટી ચેરિટી હોસ્પિટલ માટે રેડિયોલોજી, પેથોલોજી સહિતના ડિપાર્ટમેન્ટ માટે 14 કરોડથી વધુની કિંમતનાં મશીન વિદેશથી મંગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત બેડશીટથી લઈને વેન્ટિલેટર સહિતની ક્વોલિટી અને સુવિધાઓમાં જરા પણ ખામી રાખવામાં આવી નથી.
આ હોસ્પિટલમાં ફુલટાઈમ ડોક્ટર તરીકે ગાયનેક તથા આબ્સ., સર્જરી, ઓર્થોપેડિક, પીડિયાટ્રિક, મેડિસિન, રેડિયોલોજી, પેથોલોજી, ડેન્ટલ અને ફિઝિયોથેરપી કાર્યરત છે. જ્યારે વિઝિટિંગ સુપર સ્પેશિયાલિટી કન્સલ્ટન્ટ તરીકે નેફ્રોલોજી, કાર્ડિયોલોજી, ન્યુરોલોજી, ન્યુરો સર્જરી, રુમેટોલોજી,
યુરોલોજી, ગેસ્ટ્રો સર્જરી, ઓન્ક્રોલોજી, ગેસ્ટ્રોલોજી, ક્રિટિકલ કેર સહિતના વિભાગીય નિષ્ણાતો દરરોજ ત્રણ કલાક ઉપસ્થિત રહે છે. કુલ 300 જેટલા તબીબી તેમજ નર્સિંગ સ્ટાફની ટીમ દર્દીઓની સારવાર માટે ખડેપગે હોય છે. હોસ્પિટલમાં 6 ઓપરેશન થિયેટરની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.
આ હોસ્પિટલનો ચાર્જ અન્ય ખાનગી હોસ્પિટલોની સરખામણીએ ખૂબ જ ઓછો રાખવામાં આવ્યો છે, ક્રિટિકલ કેરમાં દાખલ દર્દી પાસેથી રોજનું રુ. 250, જનરલ વોર્ડના દર્દી પાસેથી રોજનું રુ. 150 ભાડું જ વસૂલ કરવામાં આવે છે. સૌથી ઉલ્લેખનીય અને નોંધપાત્ર બાબત એ છે કે, આ હોસ્પિટલમાં કોઈપણ જરૂરિયાતમંદ દર્દી પૈસાના અભાવે સારવાર માટે વંચિત ન જ રહે
તે પ્રકારની વિશેષ વ્યવસ્થા હોસ્પિટલના સ્વપ્નદ્રષ્ટા અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીનાં ઉપાધ્યક્ષ ડૉ. ભરતભાઇ બોઘરા દ્વારા કરવામાં આવી છે. આ આયોજન અંતર્ગત અત્યાર સુધીમાં ખૂબ ટૂંકાગાળામાં જ હજારો દર્દીઓને એકદમ રાહત દરે અને કોઈ કોઈને નિઃશુલ્ક પણ સારવાર પૂરી પાડવામાં આવી છે.
હાલમાં જ સદભાવના વૃદ્ધાશ્રમનાં કાર્યકર્તા મજૂરનું એક્સિડન્ટ થતાં 60 હજારનું ઓપરેશન હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત હોસ્પિટલ દ્વારા સદભાવના વૃદ્ધાશ્રમનાં દરેક વડીલોની સારવાર પણ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે
તેવી જાહેરાત હોસ્પિટલનાં મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. ભરતભાઈ બોઘરા દ્વારા કરવામાં આવી હતી. હોસ્પિટલની આ માનવતાવાદી સેવા બદલ સદભાવના વૃદ્ધાશ્રમ પરિવાર દ્વારા કે.ડી. પરવાડિયા હોસ્પિટલનાં ડૉ. ભરતભાઇ બોઘરા તેમજ સમગ્ર સંચાલન મંડળનો આભાર વ્યક્ત કરાયો હતો.