પંચમહાલ જિલ્લાના ગોધરા ત્રિમંદીર ખાતેથી વંદે ગુજરાત વિકાસ યાત્રાનો શુભારંભ
લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પાલક માતા-પિતા યોજના,વ્હાલી દિકરી યોજના, મફત વીજ જોડાણ, કુંવરબાઈનુ મામેરું, પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના સહિતના યોજનાકીય લાભો કરવામાં આવ્યા અર્પણ
૩૭ લાભાર્થીઓને વિવિધ યોજનાઓ અંતર્ગત ૪ લાખ ઉપરાંતના લાભોનું કરાયુ વિતરણ
આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત ગોધરા સ્થિત ત્રિમંદીર, ભામૈયા ખાતે ગોધરા ધારાસભ્યશ્રી સહિત વિવિધ મહાનુભાવો હસ્તક જિલ્લાના વિવિધ લાભાર્થીઓને લાભ આપી રથ યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતુ.
બાલીકાઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીત તથા દીપ પ્રાગટય અને પવિત્ર તુલસીના છોડ દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરીને કાર્યક્રમની શરુઆત કરાઈ હતી.આ પ્રસંગે ૨૦ વર્ષની વિકાસગાથા અંગે પ્રધાનમંત્રીશ્રીના વક્તવ્યની ટુંકી ફિલ્મ, વિકાસ યાત્રા અંગેની ફિલ્મ તથા જિલ્લાની સાફલ્યગાથા અંગેની ફિલ્મનું નિદર્શન કરાયું હતું.
આ પ્રસંગે ગોધરા ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજીએ પોતાના પ્રાસંગીક ઉદ્દ્બોધનમાં જણાવ્યું હતુ કે છેલ્લા વીસ વર્ષમા પંચમહાલ જિલ્લાની વિકાસરૂપી કાયાપલટ થઈ છે. પંચમહાલ જિલ્લામાં અગાઉ ઉનાળામાં ખેતી થઈ શકતી નહોતી ત્યારે સરકારશ્રીની વિવિધ કૃષીલક્ષી યોજનાઓ થકી આજે ખેડુતો પાક લેતા થયા છે.
ખેડુતોની સુખાકારી માટે કેનાલ દ્વારા પાણી પુરુ પાડીને તળાવો ભરવામાં આવ્યા છે.પ્રથમવાર જિલ્લાના ખેડુતોએ ઉનાળુ સિઝનમાં ૮ હજાર ટન બાજરી પકવી છે. આજે ૫૦૦ વર્ષ પછી પ્રધાનમંત્રીશ્રીના હસ્તક પાવાગઢ ખાતે ધજા રોહણ કરવામાં આવી છે જે ઘટના ઐતિહાસીક ગણી શકાય.
આજના આ પ્રસંગે કુલ ૩૭ લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓ થકી સહાયનું વિતરણ કરાયું હતુ. જેમા લાભાર્થીઓને સ્થળ પર જ આયુષ્યમાન કાર્ડ, પાલક માતા-પિતા યોજના,વ્હાલી દિકરી યોજના,બાજપાય બેંકેબલ યોજના, કુંવરબાઈનું મામેરુ યોજના, મફત વીજ જોડાણ, પી.એમ સ્વનિધી યોજના,
ઉજ્જવલા યોજના સહિતની યોજનાઓના લાભનું વિતરણ કરાયું હતું. આ સાથે ૧૦૦% વેક્સિનેશન કરાવનાર ગામોના સરપંચશ્રીઓનું પણ સ્વાગત કરાયું હતું. કુલ ૩૭ લાભાર્થીઓને રુપિયા ૪,૦૩,૭૯૭ ની સહાય ચુકવવમાં આવી હતી.
અત્રે નોધનીય છે કે ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલ વિકાસને જન જન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવનાર છે. ૧૫ દિવસ ચાલનારા આ કાર્યક્રમ હેઠળ ૧૯ જુલાઈ સુધી જિલ્લાના વિવિધ ગામોમાં વિકાસ રથ ચાલશે. વિકાસ રથ યાત્રાની સાથે વિવિધ સરકારના વિભાગો દ્વારા લોકોને લોકકલ્યાણકારી યોજનાઓ વિશે માહિતગાર કરીને એ યોજનાઓનો લાભ મેળવે તેવી નક્કર કામગીરી સાથે વંદે ગુજરાત વિકાસ યાત્રાની ઉજવણી શરુ થઈ છે.
આજના આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કુ.કામિનીબેન સોલંકી, જિલ્લા કલેકટરશ્રી સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્જુનસિંહ રાઠોડ, જિલ્લા અગ્રણીશ્રી અશ્વિનભાઈ પટેલ, જિલ્લા પંચાયત દંડકશ્રી, એપીએમસી ચેરમેનશ્રી,તાલુકા પંચાયતના સદસ્યગણો, સરપંચશ્રીઓ તથા વહીવટી તંત્ર અધીકારીગણો/મહાનુભાવો, લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નાગરીકો હાજર રહ્યા હતા.