વિરમગામ ખાતે દાતાઓ દ્વારા ટીબીના દર્દીઓને પોષણક્ષમ આહારની કીટ આપવામાં આવી
વિરમગામ તાલુકાના ટીબીના દર્દીઓ માટે પોષણક્ષમ આહારની કીટનું દાન કરવા અપીલ : તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ અથવા ૯૦૯૯૦૬૪૦૨૩નો સંપર્ક કરવો
વિરમગામ : રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં કુલ ૨૬૯ દર્દીઓને ટીબીના રોગની વિનામૂલ્યે સારવાર આપવામાં આવી રહી છે. ટીબીના દર્દીઓને સારવાર ઉપરાંત પોષણક્ષમ આહારની પણ આવશ્યક્તા રહેતી હોય છે
પરંતુ મોટાભાગના દર્દીઓ ટીબીના રોગના કારણે આર્થિક ઉપાર્જન કરી શકતા નથી અને આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે પુરતો પોષણક્ષમ આહાર લઈ શકતા નથી. ટીબીના દર્દીઓને દવા ઉપરાંત પોષણક્ષમ આહાર મળી રહે તેવા ઉમદાભાવથી વિરમગામ અર્બન હેલ્થ સેન્ટર ખાતે ટીબીના દર્દીઓને દાતાઓ દ્વારા પોષણક્ષમ આહારની કીટ આપવામાં આવી હતી.
વિરમગામના સ્નેહ ક્લિનીકના ડો.કિંજલબેન ગુપ્તા અને રેયાંશી મેડીકલના સુમિતભાઇ ગુપ્તા દ્વારા ૧૦ કીટ, લાઇફ સ્ટાઇલ કિરણા સ્ટોર્સના રાજુભાઇ ગોહિલ દ્વારા ૧૦ કીટ, સમર્થ ટ્યુશન ક્લાસીલના લલિતભાઇ ભટ્ટ દ્વારા ૫ કીટ, કાંતિલાલા ડી પંડ્યા દ્વારા ૫ કીટ, ગગજીભાઇ કુબેરભાઇ ડોડીયા દ્વારા ૧૦ કીટ, કિરીટસિંહ ગોહિલ દ્વારા ૨ કીટ સહિત કુલ ૪૨ પોષણક્ષમ આહાર (મગ, સોયાબીન, તુવર દાળ, તેલ, ચોખા, ગોળ, ચણા,
મલ્ટીગ્રેઈન આટા, પ્રોટીન પાઉડર)ની કીટ દાતાઓ દ્વારા ટીબીના દર્દીઓને આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લ્ખનિય છે કે, વિરમગામ તાલુકાના ટીબીના દર્દીઓ માટે આપની ક્ષમતા મુજબ ખાદ્યસામગ્રીની પોષણક્ષમ કીટનું દાન કરી શકો છો.
જો આપ ટીબીના દર્દીઓ માટે પોષણક્ષમ ખાદ્યસામગ્રીની કિટનું દાન કરવા માંગતા હોય તો વિરમગામ તાલુકાના ટીબી સુપરવાઇઝર પ્રકાશભાઈ પટેલ (મો.નંબર ૯૦૯૯૦૬૪૦૨૩)નો સંપર્ક કરી શકો છો અથવા તો વિરમગામના મહાત્મા ગાંધી સરકારી દવાખાના કેમ્પસમાં આવેલ તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામનો સંપર્ક કરી શકો છો. આપણા સૌના સહિયારા પ્રયત્નોથી “ટીબી હારશે, દેશ જીતશે” “ટીબી હારશે, વિરમગામ જીતશે”.