૨૮ ઓગસ્ટે ભારતના પાક. સામે મુકાબલાની સંભાવના
એશિયા કપ ૨૦૨૨ સિઝનનું સંપૂર્ણ શિડ્યુઅલ બહાર નથી પડાયું: સ્પર્ધાની બીજી મેચ કટ્ટર સ્પર્ધી વચ્ચે રમાશે
નવી દિલ્હી, ક્રિકેટના ચાહકો હંમેશા ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલાની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જાેતા હોય છે. ત્યારે હવે ક્રિકેટના ચાહકો માટે એક ખુશખબર છે. ખૂબ જલ્દી જ ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટીમ એકબીજા સામે બાથ ભીડવાની તૈયારીમાં છે. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થવાનો છે.
આ વખતનો એશિયા કપ શ્રીલંકામાં રમાવાનો છે. ટી-૨૦ ફોર્મેટમાં રમાનારી આ ટુર્નામેન્ટ આગામી ૨૭મી ઓગષ્ટથી શરૂ થવાની છે.
જાેકે હજુ સુધી એશિયા કપ ૨૦૨૨ સિઝનનું સંપૂર્ણ શિડ્યુઅલ બહાર નથી પાડવામાં આવ્યું. એશિયા કપના આરંભના બીજા જ દિવસે એટલે કે, ૨૮મી ઓગષ્ટના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો જામે તેવી શક્યતા છે. ૨૮મી ઓગષ્ટના રોજ રવિવાર છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ સહિતના બ્રોડકાસ્ટર્સ મેચમાં શક્ય તેટલી વધારે ટીઆરપી ઈચ્છે છે.
આ કારણે જ બંને દેશ વચ્ચેની મેચ માટે ૨૮મી ઓગષ્ટનો દિવસ નક્કી કરવામાં આવે તેવી શક્યતા છે.
ભારતે શ્રીલંકાના પ્રવાસ માટે તથા પાકિસ્તાન સામે રમવા માટે લીલી ઝંડી બતાવી દીધી છે જેથી શ્રીલંકાએ ટુર્નામેન્ટની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
આગામી ૨૧મી ઓગષ્ટથી ક્વોલિફાયર રાઉન્ડ રમાશે જ્યારે ૨૭મી ઓગષ્ટથી ૧૧મી સપ્ટેમ્બર દરમિયાન ટુર્નામેન્ટ મેચ રમાશે. રોહિત શર્મા ટીમ ઈન્ડિયાનું સુકાન સંભાળશે જ્યારે પાકિસ્તાનની કમાન બાબર આઝમના હાથમાં હશે. ટી-૨૦ વર્લ્ડકપ ૨૦૨૧માં ભારત-પાકિસ્તાન વચ્ચેના મુકાબલામાં પાકિસ્તાન ૧૦ વિકેટથી જીતી ગયું હતું.