ગુજરાતની કામધેનુ યુનિવર્સિટીને ફાળે “એક્સ્ટેન્શન લિડરશીપ એવોર્ડ”
દેશી ગાયના જતન-સંવર્ધન માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવા ખેડૂતોને આહ્વાન કરતા રાજ્યપાલશ્રી
નવી દિલ્હી ખાતે યોજાયેલી “ઇન્ડિયા એનિમલ હેલ્થ સમિટ-૨૦૨૨”માં રાજ્યપાલશ્રીના હસ્તે “ઇન્ડિયા એનિમલ હેલ્થ એવોર્ડ-૨૦૨૨” અર્પણ કરાયા
ગુજરાત રાજ્યને એનાયત થયો “બેસ્ટ સ્ટેટ ઇન એનિમલ હસ્બન્ડરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર” એવોર્ડ
· ગુજરાતના પ્રગતિશીલ ખેડૂત શ્રી રમેશભાઇ રૂપારેલિયાને ફાર્મર ઓફ ધ ઇયર એવોર્ડથી સન્માનિત કરાયા
· અમૂલ કેટલ ફીડ એન્ડ ફીડ સપ્લીમેન્ટ્સને બેસ્ટ કંપની ઇન એનિમલ ફીડ એવોર્ડ
ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે નવી દિલ્હી ખાતે યોજાયેલી “ઇન્ડિયા એનિમલ હેલ્થ સમિટ-૨૦૨૨”માં ઉપસ્થિત રહીને “ઇન્ડિયા એનિમલ હેલ્થ એવોર્ડ-૨૦૨૨”ના વિજેતાઓનું એવોર્ડ અર્પણ કરી સન્માન કર્યુ હતું. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ જણાવ્યુ હતું કે,
પશુઓમાં નસલ સુધારણા અને સ્વાસ્થ્ય રક્ષાથી જ પશુપાલન વ્યવસાય આત્મનિર્ભર બનશે. તેમણે જણાવ્યુ હતું કે, પશુપાલન પ્રવૃત્તિમાં ખર્ચ વધે અને ઉત્પાદન પૂરતું ન મળે ત્યારેપશુપાલકોને આર્થિક ફાયદો નહીં થાય. રાજ્યપાલશ્રીએ પશુઓની નસલ સુધારણા માટે ગુરુકુલ કુરુક્ષેત્રની ગૌશાળામાં
તેમણેકરેલાં સફળ પ્રયાસોને દોહરાવતા જણાવ્યુ હતુ કે પશુપાલન ખરા અર્થમાં ખેડૂતોની આર્થિક સમૃદ્ધિનું કારણ બને તે માટે પશુઓની નસલ સુધારણા ઉપરાંત કૃત્રિમ બીજદાન, પશુઓને પોષણયુક્ત આહાર આપવા અને પશુઓના આરોગ્યની રક્ષા ઉપર ધ્યાન આપવું પડશે.
ઇન્ડિયન ચેમ્બર ઓફ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર તેમજ એગ્રીકલ્ચર ટુડે ગ્રુપ દ્વારા નવી દિલ્હી ખાતે યોજાયેલી સૌ પ્રથમ ઇન્ડિયા એનિમલ હેલ્થ સમિટ-૨૦૨૨ અંતર્ગત રાજ્યપાલશ્રીના હસ્તે વિવિધ શ્રેણીઓ માટે ઇન્ડિયા એનિમલ હેલ્થ એવોર્ડ-૨૦૨૨ અર્પણ કરાયા હતા. આ એવોર્ડ સમારોહમાં ગુજરાત રાજ્ય અગ્રેસર રહ્યુ હતું.
જેમાં બેસ્ટ સ્ટેટ ઇન એનિમલ હસ્બન્ડરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવોર્ડ માટે ગુજરાત રાજ્યની પસંદગી કરવામાં આવી હતી. રાજ્યના પશુપાલન વિભાગના નિયામકશ્રી ડો. ફાલ્ગુની ઠાકરે રાજ્યપાલશ્રીના હસ્તે આ એવોર્ડ સ્વીકાર્યો હતો. જ્યારે રાજ્યની કામધેનુ યુનિવર્સિટીને એક્સ્ટેન્શન લિડરશીપ એવોર્ડ એનાયત કરાયો હતો. ગુજરાતના પ્રગતિશીલ ખેડૂત શ્રી રમેશભાઇ રૂપારેલિયાને ફાર્મર ઓફ ધ ઇયર એવોર્ડ એનાયત થયો હતો. જ્યારે બેસ્ટ કંપની ઇન એનિમલ ફીડ એવોર્ડ અમૂલ કેટલ ફીડ એન્ડ ફીડ સપ્લીમેન્ટને એનાયત થયો હતો. રાજયપાલશ્રીએ એવોર્ડ વિજેતાઓને આ પ્રસંગે શુભકામનાઓ પાઠવી હતી.
રાજ્યપાલશ્રીએ આ પ્રસંગે પશુઓની દેશી નસલના જનત-સંવર્ધન ઉપર ભાર મૂકતા જણાવ્યુ હતુ કે દેશી ગાયના જતન-સંવર્ધન માટે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે જરૂરી છે. તેમણે જણાવ્યુ હતું કે, દેશી ગાયના એક ગ્રામ છાણમાં ૩૦૦ કરોડ સૂક્ષ્મજીવો હોય છે જ્યારે ગૌ-મૂત્ર ખનીજોનો ભંડાર છે. દેશી ગાયના છાણ, ગૌ-મૂત્ર ની મદદથી પ્રાકૃતિક કૃષિમા તૈયાર થતાજીવામૃત અને ઘનજીવામૃતથી જમીનની ફળદ્રુપતામાં પ્રાકૃતિક રીતે વૃદ્ધિ થાય છે.પ્રાકૃતિક કૃષિથી જળ-જમીન અને પર્યાવરણની રક્ષા થાય છે, અને લોકોને સ્વાસ્થ્યપ્રદ આહાર મળે છે. તેમણે જણાવ્યુ હતુ કે, ગત ૧૬ ડિસેમ્બરે ગુજરાતના આણંદ ખાતે યોજાયેલી એગ્રી સમિટમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ખેડૂતો અને ખેતીની સમૃદ્ધિ માટે દેશભરના કિસાનોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહ્વાન કર્યુ હતું. જેના પરિણામ સ્વરૂપે દેશભરના ખેડૂતો આજે પ્રાકૃતિક કૃષિ સાથે જોડાઇ રહ્યા છે. રાજ્યપાલશ્રીએ ગુજરાતના પ્રાકૃતિક કૃષિ જન અભિયાન અંગે અને ડાંગ જિલ્લાને સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ સંપન્ન જિલ્લો જાહેર કરવામાં આવ્યાની વિગતો પણ આપી હતી. તેમણે ફેમિલી ડોક્ટરની જેમ ફેમિલી ફાર્મરના વિચારને સાકાર કરવા સૌને અનુરોધ કર્યો હતો.
આ સમારોહમાં કેન્દ્રના કાનૂન અને ન્યાય વિભાગના રાજ્યમંત્રી શ્રી ડો. એસ. પી. સિંગ બધેલે પશુપાલન પ્રવૃત્તિના ઉત્કર્ષ માટે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા જ્યારે ભારત સરકારના ડેરી અને પશુપાલન વિભાગના સચિવ શ્રી અતુલ ચતુર્વેદીએ નેશનલ ડિજીટલ લાઇવ સ્ટોક મિશન સહિત વિવિધ યોજનાઓ સંદર્ભે જાણકારી આપી હતી. ઇન્ડિયન ચેમ્બર ઓફ ફૂડ એન્ડ એગ્રીકલ્ચરના ચેરમેન ડો. એમ. જે. ખાને આભારદર્શન કર્યું હતું.