અલીબાબા એપ્લિકેશનમાંથી લેપટોપ લેવા જતાં ૬૨ હજાર ગુમાવ્યા
અમદાવાદ,સોલામાં રહેતા મેનેજરને અલીબાબા નામની એપ્લિકેશનમાંથી લેપટોપ લેવા જતાં ૬૨ હજાર રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. સોલાના નારાયણ બંગલોઝમાં રહેતા અને લેન ટેક ઈન્ફોકો નામની કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા જયેશ ત્રિવેદીએ ઠગાઈની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
થોડા દિવસ પહેલાં જયેશભાઈને લેપટોપ લેવાનું હતું. આથી તેઓ અલીબાબા નામની એપ્લિકેશન મારફતે સર્ચ કરીને લેપટોપ જાેતા હતા. તે દરમિયાન અલગ અલગ કંપનીનાં લેપટોપ જાેયાં હતાં. જયેશભાઈએ આશુસ કંપનીનું લેપટોપ લેવાનું નક્કી કર્યું હતું. આથી તેમણે મેસેજ દ્વારા વાતચીત કરી હતી.
ગઠિયાએ જયેશભાઈને કહ્યું કે લેપટોપ ખરીદવાનું નક્કી જ હોય તો તમારે એપ્લિકેશન સિવાય અન્ય ઓપ્શન મારફતે તે પૈસાની ચુકવણી કરવી પડશે. આમ કહેતાં જયેશભાીએ હા પાડી હતી. ગઠિયાએ જયેશભાઈને હોન્ગ લિયોન્ગ બેન્ક નામની બેન્કમાં ૮૦૦ ડોલર ઓનલાઈન ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું.
આથી જયેશભાઈએ ૬૨ હજાર રૂપિયા ગઠિયાના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા. ત્યારબાદ ગઠિયાએ કહ્યું કે તમારે કુલ ત્રણ લેપટોપ લેવાં પડશે અને તેના બીજા ૮૫૦ ડોલર આપવા પડશે, જેથી જયેશભાઈએ કહ્યું કે મારે એક લેપટોપની જરૂર છે તો મને એક જ લેપટોપ આપો. આથી ગઠિયાએ કહ્યું કે એક લેપટોપ નહીં મળે. જયેશભાઈને પોતાની સાથે ફ્રોડ થયો હોવાથી ફરિયાદ નોંધાવી હતી.