મહેસાણામાં સૌ પ્રથમ વાર સાયન્ટિફિક એકસ્પો પ્રદર્શનનું આયોજન
ગરવી ગુજરાત-2022 પ્રદર્શનમાં કૃષિ,વિજ્ઞાન સહિત સ્થાનિક ઉત્પાદનોને મહત્વ-સ્ટાર્ટઅપ દ્વારા યુવાનોને આત્મનિર્ભર બનાવાવની નેમ વ્યકત કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
મહેસાણા ખાતે 08 જુલાઇથી 10 જુલાઇ સુધી આયોજિત સાયન્ટિફિક એક્સપોના પ્રારંભ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમવાર આવા સાયન્ટિફિક એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મુખ્યમંત્રીશ્રીએ યુવાનો-ઉદ્યમીઓ માટે મહત્ત્વના એવા એક્સપોના આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા.
ગુજરાત વિકાસનું ગ્રોથ એન્જિન છે અને તેથી જ તાજેતરમાં જાહેર થયેલ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં અવલ્લ અને સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કીંગમાં સતત ત્રીજીવખત પ્રથમ આવ્યું છે તેમ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં આઝાદી કા અમૃત મહોત્સવ થકી રાષ્ટ્રને પાંચ મિલિયન ડોલર અર્થતંત્ર તરફ લઇ જવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે જે માટે વિજ્ઞાન,યુવાનો અને સ્ટાર્ટઅપનો વિશેષ ફાળો મહત્વનો છે ,જેને આ પ્રકારનાં પ્રદર્શનો બળ પૂરુપાડે છે
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ,દેશમાં પ્રખર નેતૃત્વને પગલે મજબૂત સ્ટાર્ટઅપ ઇકો સીસ્ટમનું નિર્માણ થયું છે. દેશ 72 હજારથી વધુ સ્ટાર્ટઅપ અને 100 થી વધુ યુનિકોર્ન સ્ટાર્ટઅપ સાથે વિશ્વમાં અગ્રેસર બન્યો છે.તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતે સ્ટાર્ટઅપ રેન્કીંગમાં સતત ત્રીજા વર્ષે સિદ્ધિ મેળવી છે. 2017 થી આજ સુધી 1156 પેટન્ટ અને કોપીરાઇટ તેમજ 2154 સ્ટુન્ડ સ્ટાર્ટઅપ સાથે ગુજરાતને આત્મનિર્ભર ભારતનું નેતૃત્વ લીધું છે
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ઉમેર્યું હતું કે, ઇનોવેશન રીસર્ચ અને એન્ટરપ્રેન્યોર માટે સ્ટુન્ડ સ્ટાર્ટઅપ પોલિસી 2.0 શરૂ કરાઇ છે. ગુજરાતે સ્ટાર્ટઅપ દ્વારા યુવાનોને આત્મનિર્ભર બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે તેમ જણાવી ડિઝીટલ ઇન્ડિયા વીકની મુલાકાત લેવા નાગિરિકોને મુખ્યમંત્રીશ્રીએ અપીલ કરી હતી.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું કે સ્ટાર્ટઅપ,ઇ-ગવર્નન્સ અને ઇલેક્ટ્રોનિક મેન્યુફેકચર ડિજિટલ ઇન્ડિયાના આયામો છે. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાત બેસ્ટ સ્ટેટ ફોર ઈવેસ્ટમેન્ટ છે કારણ કે અહીં નીતિઓની સાથે સાથે અમે સ્વાસ્થ્ય, શિક્ષણ અને સુરક્ષાનો ત્રિ સ્તરીય અભિગમ અપનાવ્યો છે. અહીં સારું હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચર છે
જેથી લોકોને સારી સ્વાસ્થ્ય, સેવાઓ મળી રહે છે. પ્રાથમિકથી લઈ ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ પણ મળી રહે છે. ત્રીજી અને સૌથી મહત્ત્વની બાબત છે સુરક્ષા. જો શાંતિ અને સુરક્ષા હોય તો જ સારી રીતે ઉદ્યોગ વેપાર વિકાસ થઇ શકે, અમારી સરકાર ત્રણેય સ્તંભોને વધુને વધુ મજબૂત કરવાની દિશામાં કામ કરી રહી છે.
08 જુલાઇથી 10 જુલાઇ સુધી શિવાલા સર્કલ,રાજવંશી ફાર્મ ખાતે યાજોયેલાં પ્રદર્શનમાં ડિફેન્સ રીસર્ચ,રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ,હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર,એગ્રિકલ્ચર અને ફ્રુડ પ્રોસેસિંગ,ડેરી એનિમલ હસબન્ડરી અને ફિશરીઝ,થીમ પેવેલિયનમાં સ્પેશિયલ ડિસ્પ્લે આત્મ નિર્ભર ભારત વિકલાંગ અને પછાત વર્ગ માટે સ્પેશિયલ સ્કીમ,ઇકો ફ્રેન્ડલી પ્રોડકટનું પ્રદર્શન,હેન્ડલુમ અને હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ,ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા વન ડિસ્ટ્રિક્ટ-વન પ્રોડકટ, લોકલ ફોર વોકલ સહિતના વિવિધ આર્કષક સ્ટોલ ઊભા કરવામાં આવેલ છે.
કેન્દ્રિય પશુપાલન મંત્રી પરસોત્તમભાઇ રૂપાલાએ જણાવ્યું હતું કે, ઔદ્યોગિક,શૈક્ષણિક અને રાજકીય ક્ષેત્રે મહેસાણા જિલ્લો મોખરાનું સ્થાન ધરાવે છે.તમામ વિશિષ્ટતા ધરાવતા મહેસાણા જિલ્લામાં સાયન્ટિફિક પ્રદર્શન યુવાનોને ઉત્સાહ અને પ્રેરણા આપશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, મહેસાણા શહેરમાં યોજાયેલાં આ પ્રદર્શનમાં પ્રાકૃતિક ખેતીથી માંડીને અત્યાધુનિક ઉત્પાદનો જોવા મળે છે.
કેન્દ્રિય મંત્રી પરસોત્તમભાઇ રૂપાલાએ વધુમાં જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પશુપાલકોનો વિકાસ થાય તે માટે દેશભરમાં રૂપિયા 13 હજાર કરોડના ખર્ચે પશુઓને રસી આપી ક્રાંતિ સર્જી છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નવી પેઢી, નવી ટેકનોલોજી સાથે પશુપાલન ક્ષેત્રના વ્યવસાયને અપનાવી રાજ્ય અને રાષ્ટ્ર નિર્માણમાં સહયોગ આપે તે જરૂરી છે.
સ્વાગત પ્રવચનમાં રાજ્યસભા સંસદ સભ્ય જુગલજી ઠાકોરે જણાવ્યું હતું કે,આ પ્રદર્શનથી ખેડૂતો,બાળકો અને યુવાનોને સીધો લાભ મળનાર છે.ઉત્તર ગુજરાતમાં પ્રથમ વાર આયોજિત આ પ્રદર્શનમાં સંરક્ષણ,સેવા,ખેતી,પશુપાલન,સ્થાનિક ઉત્પાદનો સાથે આત્મનિર્ભર ભારતના નિર્માણના વિવિધ સ્ટોલોનું આયોજન કરાયું છે.
આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ,સહકાર મંત્રી જગદીશભાઇ વિશ્વકર્મા,સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી પ્રદિપભાઇ પરમાર,સંસદ સભ્ય શ્રીમતી શારદાબહેન પટેલ,જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદભાઇ પરમાર,જિલ્લા કલેકટર ડૉ.ઓમ પ્રકાશ, જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી,
ધારાસભ્ય સર્વેશ્રી રમણભાઇ પટેલ,અજમલજી ઠાકોર,અગ્રણી જશુભાઇ પટેલ,મયંકભાઇ નાયક,નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા, ડિસ્ટ્રિક્ટ બેન્કના ચેરમેન વિનોદભાઇ પટેલ,અગ્રણીઓ,અધિકારીઓ,પદાધિકારીઓ અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.