મતદાર યાદીમાં સ્વૈચ્છિક રીતે આધાર નંબર લિંક કરી શકાશેે
અમદાવાદ, આ વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને ચૂંટણી પંચે કેટલીક પૂર્વ તૈયારીઓ શરૂ કરી દીધી છે. મતદાર યાદીમાં ઘણીવાર ભૂલો સામે આવતી હોય છે, પરંતુ આમ ન થાય તે માટે પંચ ખૂબ જલ્દી એક કેમ્પેઈન હાથ ધરવાનું છે, જેમાં વર્તમાન મતદારો પોતાના આધાર નંબરને મતદાર યાદીમાં સ્વૈચ્છિક રીતે લિંક કરી શકશે.
નોંધાયેલા મતદારો અથવા નવા નોંધાયેલા મતદારો પોતાનો આધાર નંબર ઉમેરી શકે તે માટે કલમ ૨૩માં સુધારો કરવામાં આવ્યો છે. મતદાર નોંધણીના નિયમ પ્રમાણે, ૧૯૮૦ કલમ ૨૬ (બી) મુજબ દરેક વ્યક્તિ, કે જેનું મતદાર યાદીમાં નામ છે, તે કલમ ૨૩ (૫)ની જાેગવાઈ પ્રમાણે નવું દાખલ થયેલું ફોર્મ ૦૬ (બી) ભરી પોતાના મતદાર ઓળખપત્ર સાથે આધાર નંબર લિંક કરાવી શકશે. મતદાર ઓળખપત્ર સાથે આધાર નંબર લિંક કરાવવો ફરજિયાત નથી. નંબર લિંક કરાવવા અંગેનો ર્નિણય મતદાર સ્વૈચ્છિક રીતે લેશે તેમ ચૂંટણી પંચે જણાવ્યું છે.
આ સિવાય લિંક ન કરાવનાર કોઈ પણ મતદારનું નામ મતદાર યાદીમાંથી કાઢી નહીં નાખવામાં આવે તેમ સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. હાલમાં જ, અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં મતદાર નોંધણી અધિકારીઓ, નાયબ ચૂંટણી અધિકારીઓ અને સિસ્ટમ સુપરવાઈઝરની તાલીમ અંગે એડિશનલ ચીફ ઈલેક્ટોરલ ઓફિસર આર.કે. પટેલ દ્વારા નોંધાયેલા મતદારોના આધાર નંબર લિંક કરવા માટે નવા દાખલ કરવામાં આવેલા ફોર્મ ૬ (બી) અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ૧૭ જૂન, ૨૦૨૨ના જાહેરનામામાં દર્શાવ્યા મુજબ આગામી પહેલી એપ્રિલ, ૨૦૨૩ સુધી મતદાર તરીકે નોંધાયેલી દરેક વ્યક્તિ પોતાના આધાર નંબરની જાણ કરી શકશે.
આ માટેનું કેમ્પેઈન ઓગસ્ટ, ૨૦૨૨થી શરૂ કરવામાં આવશે. જેમનું નામ મતદારયાદીમાં છે, તેવા મતદારોએ આધાર નંબરને લિંક કરાવવા માટે ફોર્મ ૦૬ (બી) ભરવાનું રહેશે, જે ચૂંટણી પંચની વેબસાઈટ www.eci.gov.in પરથી મળશે. ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર પર ઓટીપી આવશે. જાે કોઈ કારણોસર ફોર્મ સબમિટ ન થાય તો મતદાર જરૂરી દસ્તાવેજાે સાથે ફોર્મ જમા કરાવી શકશે. આ સિવાય મતદાર નોંધણી અધિકારી અને બુથ લેવલ ઓફિસર પાસેથી ફોર્મ મેળવી આધાર નંબર લિંક કરાવી શકશે.