વોકલ ફોર લોકલ’ના નાદને બુલંદ કરી રહ્યા છે, આ મહેશભાઈ
અમદાવાદમાં લોકલ વસ્તુઓનું આકર્ષણ ઊભું કરતાં મહેશભાઈ પાટડિયા
હસ્ત કળામાં માહેર એવા મહેશભાઈ ધાતુમાંથી અવનવી વસ્તુઓ બનાવે છે અને આ વસ્તુઓને ૨૦ રૂપિયાથી લઈને 200 રૂપિયા જેટલા ભાવમાં વેચીને પોતાની આજીવિકા ચલાવે છે
વંદે ગુજરાત સખી મેળામાં મનમોહક વસ્તુઓ ખરીદવાની તક તો મળે જ છે, સાથે સાથે એવી વ્યક્તિઓનો પરિચય પણ થાય છે, જેઓ પોતાની કલા-કારીગરીથી ગુજરાતના વારસાનો વૈભવ જાળવી રાખવા માટે પ્રયાસરત હોય. આવા જ એક વ્યક્તિ એટલે મહેશભાઈ પાટડિયા. 63 વર્ષની ઉંમર ધરાવતા મહેશભાઈ છેલ્લાં ૪૦ વર્ષથી સોનીકામ કરે છે.
દાગીના ઉપરાંત અવનવાં વાસણો બનાવવામાં પણ તેઓ માહેર છે. મહેશભાઈ મુંબઈથી તાંબુ, પિત્તળ જેવી વિવિધ ધાતુઓ સહિતનો કાચો માલ લાવીને તેમાંથી વાસણો, ઘરેણાં જેવી વસ્તુઓ બનાવે છે.
મહેશભાઈ પોતાની અદભુત કારીગરીથી હાર, બુટ્ટી, બ્રેસલેટ, મંગળસૂત્ર જેવાં ઘરેણાં તેમજ અવનવાં વાસણો ઘડે છે. તેમનાં વાસણો રસોઈકામમાં તો ઉપયોગમાં લઈ શકાય એવા હોય છે, એ ઉપરાંત ઘરના સુશોભનમાં પણ ખપમાં લઈ શકાય, એવાં મનમોહક હોય છે.
જુલાઈ મહિનામાં અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા સખી મેળામાં મહેશભાઈના ચહેરાનું તેજ આકર્ષક હતું. સોનીકામ તેમનું પેશન હોઈ તેઓ ખૂબ જ લગનથી પોતાનું આ કામ કરે છે. મહેશભાઇના પત્ની સ્મિતાબહેન પણ શકિત મેળાના કાર્યક્રમોમાં ભાગ લઈને આગવું પ્રદર્શન કરે છે.
છેલ્લાં ૧૨ વર્ષથી પતિ-પત્નીની આ જોડી સરકારી મેળાઓમાં સહભાગી બની રહી છે. જાતમહેનત જિંદાબાદ, એ મહેશભાઈનો મૂળમંત્ર છે અને એ જ તેમના વ્યક્તિત્વની આગવી ઓળખ છે. ભાવનગર અને અમદાવાદને તેમણે પોતાની કર્મભૂમિ બનાવી છે. અવારનવાર બંને જગ્યાઓએ તેઓ પોતાની વસ્તુ લઈને વેચાણ કરવાં જતા હોય છે. પોતાના ઘરમાં જ ઊભા કરેલા સેટઅપમાં તેઓ આ બધી વસ્તુઓ બનાવે છે.
વોકલ ફોર લોકલ’ના નારાને બુલંદ કરનારા મહેશભાઈ પાટડિયા પોતાની બનાવેલી વસ્તુઓને ૨૦ રૂપિયાથી લઈને 200 રૂપિયા જેટલા ભાવમાં વેચે છે
અને પોતાની આજીવિકા ચલાવે છે. હસ્ત કળામાં માહેર એવા મહેશભાઈ વાસણો પર અવનવી કારીગરી કરી શકે છે. આ વાસણો તેઓ મહેનત પ્રમાણે લાગતી મજૂરીના ભાવથી વેચે છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરતા મહેશભાઈ જાતે જ ઉત્પાદન તેમજ જાતે જ તે વસ્તુઓનું વેચાણ કરે છે. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા સખી મેળા જેવા આયોજનો મહેશભાઈ જેવાં અનેક લોકોને પોતાની કળા તથા કારીગરીનું પ્રદર્શન તેમજ વેચાણ કરવાની તક આપે છે.
ગુજરાત સરકાર તેમજ ભારત સરકારના સહયોગથી આવા નાના કારીગરો અને વેપારીઓ પણ આત્મનિર્ભર ભારતને આગળ ધપાવવામાં પોતાનું આગવું યોગદાન આપતા રહે છે.