જાગો ફાઉન્ડેશન દ્વારા ‘સ્પિરિટ ઓફ વુમન કોન્ફરન્સ’નું આયોજન
અમદાવાદ,: જૈન અરાઇઝ ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન – જાગો ફાઉન્ડેશન દ્વારા આજે ‘સ્પિરિટ ઓફ વુમન કોન્ફરન્સ’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સનો ઉદ્દેશ્ય જૈન સમાજની તમામ બહેનોને સારી હોસ્પિટલ સુવિધાઓ,
સારી કોલેજમાં શિક્ષણ, સમાજના જૈન પ્રતિષ્ઠિત વ્યક્તિઓની કંપનીઓમાં રોજગાર મળે તે માટે જરૂરી આયોજન કરવાનો તથા સ્ત્રીઓ આત્મનિર્ભર બનવા અને વ્યવસાય કરતી સ્ત્રીઓને બિઝનેસ પ્રમોશન માટે મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો.
ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ મુખ્ય અતિથિ તથા ગુજરાત સરકારના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં.
જૈન અરાઇઝ ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન (જાગો)ના સ્થાપક ઉસ્મિતા એ. શાહના માર્ગદર્શન હેઠળ ફાઉન્ડેશન છેલ્લાં સાત વર્ષથી સ્ત્રીઓ માટે અને સ્ત્રીઓ વડે ચાલતી સંસ્થાની કામગીરીને નવી ઉંચાઇએ લઇ જવા માટે સતત પ્રયત્નશીલ છે અને આ અંતર્ગત સમયાંતરે વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરાય છે.
કોન્ફરન્સના આયોજન વિશે વાત કરતાં ઉસ્મિતા શાહે જણાવ્યું હતું કે, “જાગો ફાઉન્ડેશન દ્વારા વિશેષ કરીને મહિલાઓના સશક્તિકરણ માટે કોન્ફરન્સનું આયોજન કરતાં હું અને અમારી સમગ્ર ટીમ ખૂબજ ઉત્સાહિત છીએ.
અમારી સંસ્થા ઘણાં વર્ષોથી મહિલાઓના સામાજિક અને આર્થિક ઉત્કર્ષ માટે સક્રિયપણે કામ કરે છે અને આ કોન્ફરન્સના માધ્યમથી વિવિધ ક્ષેત્રોમાં અગ્રેસર મહિલાઓને તેમના કૌશલ્ય પ્રદર્શિત કરવામાં તથા નેટવર્કિંગની તકો વિકસાવવામાં જરૂરી સહયોગ મળી રહેશે તેવો મને વિશ્વાસ છે. આગામી સમયમાં પણ સંસ્થા દ્વારા વિવિધ વિષયો અને થીમ આધારિત કાર્યક્રમો યોજવામાં આવશે.”
આ કોન્ફરન્સમાં જાગોની સર્વે બહેનો તથા જૈન સમાજની દરેક ફીરકાની એટલેકે શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી, તેરાપંથી અને સમગ્ર જૈન સમાજની બહેનોને એક પ્લેટફોર્મ ઉપર ભેગા કરીને સર્વેના વિકાસ માટે એક સાર્થક પગલું ભરાયું છે.
આજે યોજાયેલા કાર્યક્રમમાં દરેક સંઘની બહેનોના ગ્રૂપ દ્વારા થીમ મૂજબ બેનર પ્રેઝન્ટેશન, ચારેય ફીરકાની બહેનો સાથે ફેલોશીપ, દિવ્યવાણી, સાંસ્કૃતિક કાર્યક્રમ, લકી ડ્રો, સંસ્થા દ્વારા નવી પ્રવૃત્તિઓનું લોંચિંગ તથા જાગોનું ન્યુઝ પેપર વગેરે જેવી પ્રવૃત્તિઓ સામેલ કરાઇ હતી. સંસ્થાની વિવિધ કામગીરીઓ
અંતર્ગત 100 કુપોષિત બાળકોને દત્તક લેવા, જીવદયામાં ચબુતરા બનાવવા, રોજગારમાં મદદ કરવી, કોફી ટેબલ બુક, મેડિકલ સુવિધા માટે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આર્થિક સહાય જેવાં પ્રોજેક્ટ્સ ઉપર કામ કરવામાં આવી રહ્યું છે.
આ કાર્યક્રમમાં એપિક હોસ્પિટલના ડાયરેક્ટર અને સામાજિક કાર્યકર્તા ડો. કલ્પનાબેન જૈન, શ્રી નવકાર સારવાર કેન્દ્રના ટ્રસ્ટી નીતાબેન કોઠારી, સમતા હોસ્પિટલના ડો. નરેન્દ્રભાઇ શાહ તથા કોન્ફેડેરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીના પ્રેસિડેન્ટ મહેન્દ્ર શાહ સહિતના મહાનુભાવોએની પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહી હતી.