દેશનું ફોરેક્સ રિઝર્વ બે મહિનાના સૌથી નીચા સ્તરે

વિદેશી રોકાણકારોની વેચવાલી અને રૂપિયાના મૂલ્યમાં ઘસારાને કારણે ભારતના ફોરેક્સ રિઝર્વ પર દબાણ વધ્યું
મુંબઇ, ભારતના ફોરેક્સ રિઝર્વમાં સતત ચોથા સપ્તાહે ઘટાડો નોંધાયો છે. ૧ જુલાઇ ૨૦૨૨ના રોજ સમાપ્ત થયેલા સપ્તાહના અંતે દેશનું ફોરેક્સ રિઝર્વ ૫ અબજ ડોલર ઘટીને ૫૮૮.૩૧ અબજ ડોલર થયું છે, જે બે મહિનાનું સૌથી નીચુ સ્તર છે. છેલ્લે ૩૦ એપ્રિલે ભારતનું વિદેશી હૂંડિયામણ આ સ્તરે નોંધાયુ હતુ. વિદેશી રોકાણકારોની વેચવાલી અને રૂપિયાના મૂલ્યમાં એકધારા ઘસારાને કારણે ભારતના ફોરેક્સ રિઝર્વ પણ દબાણ સતત વધી રહ્યુ છે.
રિઝર્વ બેન્કના આંકડા મુજબ ફોરેક્સ રિઝર્વમાં મોટો હિસ્સો ધરાવતા ફોરેન કરન્સી એસેટ (એફસીએ) અને ગોલ્ડ રિઝર્વમાં ઘટાડો થયો છે. રિઝર્વ બેંકે કહ્યું કે સમીક્ષાધીન સપ્તાહમાં ભારતનું એફસીએ ૪.૪૭ અબજ ડોલર ઘટીને ૫૨૪.૭૪ અબજ ડોલર થયું છે. ગોલ્ડ રિઝર્વનું મૂલ્ય પણ ૫૦.૪ કરોડ ડોલર ઘટીને ૪૦.૪૨ અબજ ડોલર થયું છે.
સમીક્ષાધીન સપ્તાહમાં ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસે રહેલ દેશના સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ ૭.૭ કરોડ ડોલર ઘટને ૧૮.૧૩ અબજ ડોલર થયા છે. તો આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ પાસે રહેલ દેશની રિઝર્વ પોઝિશન પણ ૪.૪ કરોડ ડોલર વધીને ૫.૦૧ અબજ ડોલર થઇ છે.