કનૈયાલાલ-ઉમેશની હત્યાના વિરોધમાં દિલ્હીમાં માર્ચ યોજાઈ

કાલી પોસ્ટર વિવાદ-કનૈયાલાલ-ઉમેશ હત્યાનો ભારે વિરોધ-યાત્રા મંડી હાઉસથી જંતર મંતર સુધી પહોંચી, પોલીસ પ્રશાસને આ વિરોધ પ્રદર્શનને શરતી મંજૂરી આપી હતી
નવી દિલ્હી, વિશ્વ હિંદુ પરિષદ સહિતના અન્ય સંગઠનોએ કાલી પોસ્ટર વિવાદ ઉપરાંત રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયાલાલ તથા અમરાવતીમાં ઉમેશની હત્યાના વિરોધમાં આજે દિલ્હીમાં માર્ચ યોજી હતી.
આ યાત્રા મંડી હાઉસથી બારાખંભા રોડ થઈને જંતર મંતર સુધી પહોંચી હતી. પોલીસ પ્રશાસને આ વિરોધ પ્રદર્શનને શરતી મંજૂરી આપી હતી. હિંદુવાદી સંગઠનોએ શનિવાર સવારથી જ દિલ્હીના રસ્તાઓ પર માર્ચ યોજી હતી. તેમણે કાલી માતાના અપમાનનો આરોપ લગાવીને વિરોધ નોંધાવ્યો હતો.
બીજી તરફ ફિલ્મમેકર લીના પણ સતત વિવાદિત ટિ્વટ કરી રહી છે. તાજેતરની ટિ્વટમાં તેણે પોતાની કાલીને હિંદુત્વને ધ્વસ્ત કરનારા ગણાવ્યા હતા. વિશ્વ હિંદુ પરિષદના કાર્યકારિણી અધ્યક્ષ આલોક કુમારે જણાવ્યું કે, નૂપુર શર્માએ કશું ખોટું નથી કહ્યું, અમે સાંભળ્યું છે. આ દેશ બંધારણથી ચાલશે, શરિયાથી નહીં ચાલે. સુપ્રીમ કોર્ટે મર્યાદા ઓળંગી છે.’
હિંદુ સંગઠનોના કાર્યકરો ‘સંકલ્પ માર્ચ’માં તિરંગો લહેરાવી રહ્યા હતા અને ‘જય શ્રી રામ’ના નારા સાથે આગળ વધી રહ્યા હતા. ભાજપના નેતા તજિંદર પાલ સિંહ બગ્ગા અને કપિલ મિશ્રા પણ આ માર્ચમાં સામેલ થયા છે. સંકલ્પ માર્ચના પગલે મધ્ય દિલ્હીના અનેક રસ્તાઓને કામચલાઉરૂપે બંધ કરી દેવામાં આવ્યા હતા.