અમદાવાદની જામા મસ્જિદમાં બકરી ઈદની નમાઝ અદા કરાઈ
અમદાવાદ, દેશભરમાં આજે ઈદ અલ અઝા એટલે કે બકરી ઈદનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. સવારથી જ અમદાવાદની મસ્જિદોમાં બકરી ઈદ માટે મુસ્લિમ બીરાદરો ભેગા થયા હતા. અમદાવાદની સુપ્રસિદ્ધ જામા મસ્જિદમાં સવારે નમાજ અદા કરવામાં આવી હતી. નમાઝ બાદ મુસ્લિમ બીરાદરોએ એક બીજાને મુબારક બાદ આપી હતી.
દેશભરમાં બકરી ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે. દિલ્હી ખાતે આવેલી જામા મસ્જિદમાં લોકોએ શનિવાર સવારની નમાજ અદા કરી હતી. દિલ્હીની જામા મસ્જિદમાં સવારે 6:05 કલાકે નમાજ અદા કરવામાં આવી હતી. કોરોના સંકટના કારણે જામા મસ્જિદમાં નમાજ અદા કરવા આવેલા લોકોએ વારંવાર મસ્જિદ પ્રશાસનને અંતર જાળવીને નમાજ અદા કરવાની વિનંતી કરી હતી.
નવી દિલ્હીની જામા મસ્જિદ ખાતે તૈનાત પોલીસ કર્મચારીઓએ થર્મલ સ્ક્રીનિંગ બાદ લોકોને મસ્જિદમાં પ્રવેશ આપ્યો હતો. કેટલાક લોકોએ મસ્જિદની સીડીઓ પર બેસીને પણ નમાજ અદા કરી હતી.
ઉલ્લેખનીય છે કે ઈદ ઉલ ફિત્ર બાદ ઈદ અલ અઝા એટલે કે બકરી ઈદ મુસ્લિમોનો બીજો સૌથી મોટો પર્વ છે. આ બંને પર્વ વખતે ઈદગાહ જઈને અથવા તો મસ્જિદોમાં વિશેષ નમાજ અદા કરવામાં આવે છે. ઈદ ઉલ ફિત્ર પર શીર ખુરમા બનાવવાનો રિવાજ છે જ્યારે ઈદ અલ અઝા પર બકરા કે બીજા જાનવરોની કુરબાની આપવામાં આવે છે.