Western Times News

Gujarati News

વિશ્વમાં રાજનેતાઓ, વડાપ્રધાનોની હત્યાઓથી ઈતિહાસ રક્તરંજીત

History is bloodied by the assassinations of politicians and prime ministers in the world

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, ઈંદિરા ગાંધી, રાજીવ ગાંધીથી લઈને શિન્ઝો આંબેની હત્યા સુધી વૈશ્વિકકક્ષાએ લાંબી યાદી

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આંબેની શુક્રવારે ચૂંટણી પ્રચારની સભામાં એક યુવાને તેમના શરીરમાં બે ગોળી ધરબી દઈને હત્યા કરી નાંખતા સમગ્ર વિશ્વ સ્તબ્ધ થઈ ગયું છે. ભારત સાથે રાજદ્વારી સંબંધ મજબૂત કરવામાં શિન્ઝો આંબે એ મહત્વની ભૂમિકા અદા કરી હતી. તેમની હત્યા થતા ભારતે એક સારો મિત્ર ગુમાવ્યો છે.

ભારતમાં પણ ઘેરાશોકની લાગણી ફેલાઈ છે. જાપાન સાથે ભારતના ગાઢ વ્યાપારીક, ઔદ્યોગિક, સાંસ્કૃતિક તથા રાજકીય સંબંધો છે. શિન્ઝો આંબેએ સત્તાની ધૂરા સંભાળ્યા પછી તે સંબંધોને ચોક્કસ દિશા મળી હતી.

બીજી તરફ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઘટનાને વખોડી કાઢી છે. નરેન્દ્ર મોદી – શિન્ઝો આંબે સારા મિત્રો હતા તેથી જ વડાપ્રધાને પોતે સારા મિત્ર ગુમાવ્યાનું દુઃખ વ્યકત કર્યુ છે. ભારતે શિન્ઝો આંબેના માનમાં એક દિવસ માટે રાષ્ટ્રીય શોક જાહેર કર્યો હતો.

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આંબેની હત્યાથી વિશ્વના અનેક દેશો સ્તબ્ધ થઈ ગયા છે. પરંતુ આ પ્રથમ રાજકીય હત્યા નથી. ઈતિહાસ પર દ્રષ્ટિ નાંખીએ તો અનેક દેશોમાં રાજકીય હત્યાઓ થઈ હોવાનું ધ્યાન પર આવશે. ભારત, પાકિસ્તાન, નેપાળ, ફ્રાંસ, ઈંગ્લેન્ડ, શ્રીલંકા, જર્મની, સ્પેન, ઈટલી, ગ્રીસ, દક્ષિણ આફ્રિકા, રશિયા, યુક્રેન,

મેક્સિકો, વિયેતનામ, બાંગ્લાદેશ લેટિન અમેરિકાના સહિતના અનેક દેશોના નેતાઓ, વડાપ્રધાનો, પ્રમુખોની હત્યા થઈ છે કેટલીક હત્યાઓએ ઈતિહાસ પલ્ટી નાંખ્યો છે તો માનવતા- કરૂણા તથા અહિંસાના સંદેશને વિશ્વભરમાં ફેલાવનાર અનેક ફરિશ્તા સમાન મહાનુભાવોની હત્યા થઈ છે,

ભારતના રાષ્ટ્રપિતા તથા વિશ્વભરમાં જેમને લોકો અહિંસાના પૂજારી તરીકે માન સન્માન આપે છે તે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની હત્યા નથુરામ ગોડસે એ કરી હતી તો ઈંદિરા ગાંધી- રાજીવ ગાંધીની હત્યા માટે આતંકવાદ નિમિત્ત બન્યો હતો ભારતના પડોશી મિત્ર દેશ નેપાળમાં આખા રાજવી પરિવારની સામુહિક હત્યા થઈ હતી

આ હત્યા કરનાર પણ રાજવી પરિવારનો પાટવી કુંવર દીપેન્દ્ર હતો ૧ ઓગષ્ટ ર૦૦૧ના રોજ પારિવારિક પાર્ટી હતી તેમાં દીપેન્દ્રએ અંધાધૂધ ગોળીબાર કરીને તેના પિતા માતા, બે સગી બહેન, એક સગાભાઈ સહિત રાજવી પરિવારના ૯ સભ્યોની હત્યા કરીને પોતે લમણામાં ગોળી મારી હતી. નેપાળમાં એ અગાઉ ત્રણ મોટા માથાઓની હત્યા થઈ હતી.

તો ભારતના એક અન્ય પડોશી દેશ પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન લિયાકત અલીખાન એક સભાને સંબોધી રહયા હતા ત્યારે તેમની છાતીમાં ગોળી મારવામાં આવી હતી જયારે બેનેઝીર ભુટ્ટો રેલી કરી રહયા હતા ત્યારે તેમની ગાડીમાં થયેલા વિસ્ફોટને કારણે તેમના દેહના ક્રુરચા ઉડી ગયા હતા.

તો ભારતના અન્ય એક મિત્ર દેશ શ્રીલંકા જયારે સિલોને હતુ ત્યારે ર૬ સપ્ટેમ્બર ૧૯પ૯ના રોજ તત્કાલિન વડાપ્રધાન સોલીમન બંદરનાયકેની હત્યા થઈ હતી તેઓ પોતાના નિવાસ્થાને લોકોને મળી રહયા હતા ત્યારે તેમની છાતીમાં ગોળીઓ ધરબી દેવાઈ હતી જયારે ૧ મે ૧૯૯૩ના રોજ શ્રીલંકાના પ્રમુખ રાણાસિંઘે પ્રેમદાસાની એલ.ટી.ટી.ઈ.ના સ્યુસાઈડ બોંબરે હત્યા કરી હતી.

જયારે ટચૂકડા પડોશી દેશ ભૂતાનના વડાપ્રધાન જીગમેયાલદેન દોરાજી ૬ એપ્રિલ ૧૯૬૪ના રોજ ગેસ્ટ હાઉસની ગેલેરીમાં બેઠા હતા ત્યારે તેમને ઠાર મારવામાં આવ્યા હતા બાંગ્લાદેશમાં શેખ મુજબુર રહેમાનના પરિવારની સામુહિક કતલ કરાઈ હતી લશ્કરે બળવો કરીને ૧પ જૂન ૧૯૭પના રોજ મુજબુર રહેમાન સહિત પરિવારના અન્ય સભ્યોને મારી નાંખ્યા હતા

તેમના પુત્રી હસીના એ સમયે જર્મની ગયા હોવાથી બચી ગયા હતા જે અત્યારે બાંગ્લાદેશના વડાપ્રધાન છે મુજબુર રહેમાનની હત્યાના ગણતરીના મહિના પછી ૩ નવેમ્બર, ૧૯૭પના દિવસે વડાપ્રધાન મોહમ્મદ મનસુર અલીને પણ મારી નાંખવામાં આવ્યા હતા

તો બર્માને બ્રિટીશ ગુલામીમાંથી મુક્તકરાવનાર આઝાદી સંગ્રામના હીરો આંગ સાંગને મ્યાનમારના લોકોએ ‘ફાધર ઓફ નેશન’નું બિરૂદ આપ્યુ હતુ એ મહાન સ્વાતંત્ર્ય સેનાનીની ૧૭ જુલાઈ ૧૯૪૭ના રોજ તેમના જ ચાર સાથીદારોએ દગો કરી હત્યા કરી હતી. બાદમાં આંગસાંગના ગાંધી વિચારધારાથી પ્રભાવિત પુત્રી આંગસાનસુકીને પણ મ્યાનમારમાં લશ્કરી શાસકોએ જેલમાં પુરી દીધા હતા.

ગરીબ અશ્વેત સદીઓથી શોષિત આફ્રિકન લોકોના ઉત્થાન માટે પોતાનુ જીવન ખર્ચી નાખનાર આફ્રિકાના લોકોના સદાકાળ મહાનાયક કોંગોના પ્રમુખ પેટ્રિક લુમુબ્બાની ૧૯૬૧માં હત્યા કરવામાં આવી હતી. ઈઝરાયેલ, પેલેસ્ટાઈન વચ્ચે સમાધાન માટે પ્રયાસ કરનાર ઈઝરાયેલના વડાપ્રધાન પીત્ઝાક રેબિનની ૧૯૯પમાં એક યુવાને હત્યા કરી હતી

માનવ ઈતિહાસમાં કલંકસમી ગુલામી પ્રથા નાબુદ કરનાર મહાન નેતા અમેરિકાના પૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકન ૧૪ એપ્રિલ ૧૯૬પના રોજ વોશિંગ્ટનના એક થિયેટરમાં નાટક નિહાળી રહયા હતા ત્યારે માથામાં ગોળી મારી તેમની હત્યા કરવામાં આવી હતી.

તો ગાંધીજીના આદર્શોને વરેલા અને “આઈ હેવ અ ડ્રીમ” નામના પ્રખ્યાત ભાષણને કારણે અમર થઈ ગયેલા સમાન માનવ ધિકારોના પુરસ્કર્તા માર્ટિન લ્યુથર કિંગ (જુનિયર)ની ૪ એપ્રિલ ૧૯૬૮ના રોજ હત્યા કરવામાં આવી હતી. અમેરિકાના પ્રમુખ જાેન કેનેડી ટેકસાસના ડલાસમાં ખુલ્લી કારમાં જઈ રહયા હતા ત્યારે રર નવેમ્બર ૧૯૬૩ના રોજ એક ઈમારતમાંથી ગોળીઓ વરસાવીને તેમની હત્યા કરવામાં આવી હતી અમેરિકાના રપમા પ્રમુખ વિલિયમ મેકકિન્લે અને ર૦મા પ્રમુખ જેમ્સ ગારફિલ્ડ પણ હત્યારાઓની ગોળીનો ભોગ બન્યા હતા.

ખાડી અને મધ્ય-પૂર્વના મુસ્લિમ આરબ રાષ્ટ્રોનો ઈતિહાસ પણ અનેક રાજનેતાઓની હત્યાઓથી ભરેલો પડયો છે સાઉદી અરેબિયાના કિંગ ફૈઝલ (પ્રથમ)ની ર૪ માર્ચ ૧૯૭પના રોજ હત્યા થઈ હતી તો કિંગ અબ્દુલ અઝીઝને પણ ર૪ માર્ચ ૧૯૭પના રોજ તેમના મહેલમાં એક કાર્યક્રમમાં તેમના પિતરાઈએ ગોળી મારી હતી

અફઘાનિસ્તાનમાં ૧૯૧૯માં વડાપ્રધાન હબીબુલ્લાખાન, ૧૯૯૩મા વડાપ્રધાન મોહમ્મદ નાદિરશાહ, અને ૧૯૭૮માં પ્રમુખ મોહમ્મદ દાઉદમાનને ઠાર મારવામાં આવ્યા હતા નોબલ પ્રાઈસથી સન્માનિત ઈજીપ્તના પ્રમુખ અનવર સદાત ૧૯૮૧માં કૈરોમાં વિકટરી પરેડ નિહાળી રહયા હતા

ત્યારે એક સૈનિકે ગોળીબાર કરીને તેમની હત્યા કરી હતી જાેર્ડનમાં કિંગ અબ્દુલ્લાની ર૦ જુલાઈ ૧૯પ૧માં થયેલી હત્યાએ આરબ વિશ્વને ઝંઝોડી નાંખ્યુ હતું ઈરાકના કિંગ ફૈઝલની ૧૪ જુલાઈ ૧૯પ૦ના રોજ હત્યા થઈ હતી તેના બીજા જ દિવસે વડાપ્રધાન નૂરી અલ સઈદને પતાવી દેવાયા હતા. ૧૯૬૩માં વડાપ્રધાન અબ્દુલ અલકરીમ કાસીમનુ પણ ખૂન થયુ હતું સિરિયાના બે વડાપ્રધાન હુસૈની અલ ઝાઈદ અને હિનાબી પણ હત્યાનો ભોગ બન્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.