નર્મદા જિલ્લામાં જનજીવન પુનઃ થાળે પાડવા જિલ્લા પ્રભારી મંત્રીએ “ટીમ નર્મદા” ને પુરુ પાડ્યું માર્ગદર્શન

(માહિતી) રાજપીપલા, ગુજરાતના માર્ગ અને મકાન વિભાગ તેમજ નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીએ આજે રાજપીપલા કલેક્ટરાયલ ખાતે જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થતિને અનુલક્ષીને જિલ્લાના વરિષ્ઠ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, અને
તમામ તાલુકાના લાયઝન અધિકારીશ્રીઓ તથા જુદા-જુદા વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓ સાથે તાકીદની બેઠક યોજીને જિલ્લા પ્રસાશન દ્વારા થયેલી કામગીરી અને રાહત બચાવ માટે લેવાયેલાં વિવિધ પગલાંઓની વિસ્તૃત જાણકારી મેળવી તેની સમીક્ષા કરી હતી.
અને જિલ્લામાં વિજ વિક્ષેપ અને માર્ગ દુરસ્તીના કામો સત્વરે હાથ ધરી શક્ય તેટલી ઝડપથી જરૂરી સેવાઓ ઉપલબ્ધ થાય તે જાેવાની મંત્રીશ્રીએ ખાસ સૂચના સાથે ટીમ નર્મદાને જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.
સંસદસભ્યશ્રી મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, રાજપીપલા નગરપાલિકાના પ્રમુખશ્રી કુલદિપસિંહ ગોહિલ, જિલ્લાના અગ્રણી તથા નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેનશ્રી ઘનશ્યામભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ,
બંને પ્રાંત અધિકારીશ્રીઓ, તાલુકાના લાયઝન અધિકારીશ્રીઓ, માર્ગ મકાન, ડીજીવીસીએલ, પાણી પુરવઠા, શિક્ષણ, આરોગ્ય, કૃષિ-સિંચાઈ વગેરે જેવા વિભાગીય અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત સમીક્ષા બેઠકને સંબોધતા જિલ્લા
પ્રભારીમંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીએ જિલ્લામાં તાત્કાલિક યુદ્ધના ધોરણે અસરગ્રસ્તોની ઘરવખરી, મકાન નુકશાની સર્વે વગેરે જેવી કામગીરી હાથ ધરીને સમયસર કેશડોલ્સ સહિતની જરૂરી સહાયની ચૂકવણી થાય તે જાેવાની જરૂરિયાત પર તેમણે ખાસ ભાર મૂક્યો હતો.
જિલ્લામાં ખેતીમાં નુકસાની અંગેની તાત્કાલિક સર્વે કરીને તેનો અહેવાલ રજૂ કરવાની સૂચના પણ જિલ્લા ખેતીવાડી વિભાગને આપતાં આ દિશામાં સર્વે ટીમોના ગઠન અને તેની કામગીરીથી મંત્રીશ્રીને વાકેફ કર્યા હતા.
બેઠકમાં ચર્ચા દરમિયાન જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં કરજણ ડેમમાંથી પાણીનો જથ્થો છોડવાની પરિસ્થિતિ ઉભી થાય ત્યારે ઓછામાં ઓછા ૨૪ કલાક પહેલા તેની જાણકારીથી લોકોને સાવધ કરાય તેવી કાર્યપદ્ધતિ વિકસાવવાની કામગીરી હાથ ધરાશે.
તદ્ઉપરાંત શહેર અને જિલ્લામાં વરસાદના પાણી ઓસર્યા બાદ આરોગ્ય વિભાગ તરફથી તુરંત જ લોકોના આરોગ્ય અને જનસુખાકારી માટે પાણીના ક્લોરિનેશન, ક્લોરિન ટેબ્લેટનું વિતરણ, જંતુનાશક દવા-પાઉડરનો
છંટકાવ વગેરે જેવી કામગીરી પણ હાથ ધરવા સૂચના અપાઈ હતી. મંત્રીશ્રીએ માર્ગ અને મકાન વિભાગ તેમજ ડીજીવીસીએલ વિભાગના અધિકારીશ્રીઓને વરસાદી પાણી ઓસરવાની સાથે ઉઘાડ નીકળે કે તુરંત જ યુદ્ધના ધોરણે જરૂરી કાર્યવાહી હાથ ધરીને વાહન વ્યવહાર અને લોકોની અવરજવર અને વિજ પુરવઠો પુનઃસ્થાપન કરીને જનજીવન પુનઃઝડપથી રાબેતા મુજબનું બને તે દિશામાં પુરતી કાળજી રાખવા સૂચના આપી હતી.
આ બેઠકમાં સાંસદશ્રી મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, જિલ્લાના અગ્રણીશ્રી ઘનશ્યામભાઈ પટેલ વેગેરેએ પણ જિલ્લાનું જનજીવન ઝડપથી રાબેતા મુજબ બને તે અંગેના જરૂરી રચનાત્મક સૂચનો કર્યા હતા.
બેઠકના પ્રારંભે જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહે જિલ્લામાં ભારે વરસાદને લીધે સર્જાયેલી પરિસ્થિતિ સંદર્ભે જિલ્લાના વિવિધ ડેમો, પાછલા વર્ષોના વરસાદની આંકડાકીય વિગતો અને જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિની રૂપરેખા સાથે જિલ્લા પ્રસાશન દ્વારા રાહત બચાવની કામગીરીમાં ૨૫ જેટલી વ્યક્તિઓના કરાયેલા રેસ્ક્યુ સહિતની જિલ્લાના લાયઝન અધિકારીશ્રીઓ ઉપરાંત વિવિધ રેસ્ક્યુ ટીમ અને સર્વે ટીમ દ્વારા થઈ રહેલી કામગીરીની આંકડાકીય રૂપરેખા સાથે મંત્રીશ્રીને વાકેફ કર્યા હતાં.
ઉક્ત બેઠક બાદ માધ્યમો સાથેના સંવાદમાં જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગઈકાલે જે અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે તે વિસ્તારમાં પ્રભારી મંત્રીશ્રીઓને તાકીદે મોકલવામાં આવ્યા છે. નર્મદા જિલ્લાના દેડીયાપાડા-સાગબારા તાલુકામાં સૌથી વધારે છે વરસાદ થયો છે. ગરુડેશ્વર તાલુકાનો પણ તેમાં સમાવેશ થાય છે.