વરસાદને કારણે અમદાવાદ જિલ્લામાં 3 મૃત્યુ નોંધાયા
ભારે વરસાદને કારણે 143 વૃક્ષો ધરાશાયી, જેમાંથી અમદાવાદ શહેરના 139
12 જુલાઈ, 2022ના રોજ સવારે છ વાગ્યા સુધીમાં અમદાવાદ જિલ્લામાં કુલ 1848 મી.મી. વરસાદ પડ્યો છે, જે સીઝનનો 26.98 ટકા છે. અમદાવાદ જિલ્લામાં સૌથી વધારે વરસાદ અમદાવાદ શહેરમાં 10મી જુલાઈના રોજ પડ્યો હતો. અમદાવાદ શહેરમાં 365 મી.મી. વરસાદ નોંધાયો છે, જ્યારે સૌથી ઓછો વરસાદ દેત્રોજમાં 61 મી.મી. નોંધાયો છે.
જિલ્લા વહીવટી તંત્રની ડિઝાસ્ટર શાખાના આંકડા અનુસાર વરસાદને કારણે અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધીમાં ત્રણ માનવ મૃત્યુના બનાવ બન્યા છે. ઘાટલોડિયા, ધંધુકા અને દસ્ક્રોઈ તાલુકામાં મૃત્યુના કિસ્સા નોંધાયા છે. જિલ્લામાં વરસાદને કારણે માત્ર એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ છે. અત્યાર સુધીમાં સાત પશુઓના મૃત્યુ થયા છે, જેમાં બે બાવળામાં, બે દેત્રોજમાં, બે ધોળકામાં અને એક ઘાટલોડિયામાં નોંધાયા છે.
અત્યાર સુધીમાં કુલ 57 અંશતઃ કાચા મકાનને નુકસાન પહોંચ્યાનું જાણવા મળે છે, જેમાં વિરમગામ તાલુકાના 43, સાણંદ તાલુકામાં 13, ધોળકા તાલુકામાં 1, એમ કુલ 57 મકાનોને નુકસાન પહોંચ્યું છે.
આ ઉપરાંત વિરમગામ તાલુકામાં 45 અને મણિનગરમાં 1 એમ કુલ 46 અંશતઃ પાકા મકાનને નુકસાન પહોંચ્યું છે. ધોળકા તાલુકાના એક સરકારી મકાનને અંશતઃ નુકસાન થયાનું નોંધાયું છે. જિલ્લા પંચાયત દ્વારા સરવેની કામગીરી હાલમાં ચાલી રહી છે.
આ ઉપરાંત વરસાદને કારણે જિલ્લામાં અત્યાર સુધીમાં 143 ઝાડ પડી ગયા છે, જે પૈકી 139 અમદાવાદ શહેરમાં અને 4 અમદાવાદ ગ્રામ્યમાં વૃક્ષો પડ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને જોતાં કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો છે, જેનો સંપર્ક નંબર છે – 07927560511. દરેક તાલુકામાં પણ કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો છે તથા તેના સંપર્ક નંબરો જારી કરવામાં આવ્યા છે.
કલેક્ટરશ્રીએ તમામ તાલુકાના અધિકારીઓની વિડિયો કોન્ફરન્સ યોજી હતી તથા ઝીરો કેઝ્યુલ્ટી પોલીસી અપનાવવા માટે જરૂરી તમામ પગલાં ભરવા માટે તાકીદ કરી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વરસાદને કારણે ઓછામાં ઓછું નુકસાન થાય, એ માટે તાકીદના પગલાં લેવા માટે ઉચ્ચ સ્તરેથી આદેશો આપવામાં આવ્યા છે.