કોરોના રસીનો બુસ્ટર ડોઝ 18 થી 59 વર્ષના લોકોને મફત મળશે
15મી જુલાઈથી 75 દિવસ સુધી આ અભિયાન ચલાવવામાં આવશે.
નવી દિલ્હી, દેશમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે સરકારે 18થી59 વર્ષની આયુ ધરાવતા લોકોને ત્રીજો પ્રીકોશન ડોઝ મફત આપવાનો નિર્ણય લીધો છે અને આગામી 15મી જુલાઈથી ખાસ અભિયાન શરુ કરવામા આવશે જે પંચોતેર દિવસ સુધી ચાલશે.
કેન્દ્ર સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે આઝાદીના 75માં વર્ષની ઉજવણીના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કેન્દ્ર સરકારે કોરોના રસીના પ્રીકોશન ડોઝ 18થી59 સુધીના વર્ષના લોકોને પણ મફત આપવાનું નકકી કર્યુ છે. 15મી જુલાઈથી 75 દિવસ સુધી આ અભિયાન ચલાવવામાં આવશે.
દેશમાં 18થી59 વર્ષના 77 કરોડ લોકોને પ્રીકોશન ડોઝ આપવાનો થાય છે તેમાંથી અત્યાર સુધીમાં માત્ર એક ટકા લોકોએ પણ આ પ્રીકોશન ડોઝ લીધો નથી.
એક સીનીયર અધિકારીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી 60 વર્ષથી ઉમરના લોકોને મફત કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવતો હતો. 16 કરોડમાંથી અંદાજીત 26 ટકા લોકોએ આ ત્રીજો ડોઝ મેળવ્યો છે.
કેન્દ્ર સરકારે તાજેતરમાં જ બીજા અને ત્રીજા ડોઝ વચ્ચેના સમયગાળામાં ઘટાડો કર્યો હતો. અગાઉ બીજો ડોઝ લીધા પછીના નવ મહીને ત્રીજો પ્રીકોશન ડોઝ લેવાનો નિયમ હતો. તાજેતરમાં તે અંતર ઘટાડીને છ મહિનાનું કરવામાં આવ્યું છે.
અર્થાત કોરોના રસીનો બીજો ડોઝ લીધા બાદ છ મહિના પછી ત્રીજો ડોઝ લઈ શકાય છે. કેન્દ્ર સરકાર તમામ આરોગ્ય કેન્દ્રો પરથી 75 દિવસ સુધી પ્રીકોશન ડોઝ આપવાનું અભિયાન ચલાવશે.