શ્રીલંકાના રાષ્ટ્રપતિ માલદીવથી સિંગાપોર જશે
કોલંબો, શ્રીલંકામાં ચાલી રહેલી આર્થિક કટોકટી વચ્ચે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે માલદીવથી સિંગાપુર જવાની ફિરાકમાં છે. બુધવારે રાત્રે માલદીવના વેલના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ભારે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.
ગોટાબાયા બુધવારે શ્રીલંકાથી માલદીવ પહોંચ્યા હતા. છેલ્લા ઘણા દિવસોથી શ્રીલંકામાં તેમના વિરુદ્ધ પ્રદર્શન થઈ રહ્યા હતા અને લોકો તેમના રાજીનામાની માંગ કરી રહ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર રાજપક્ષે સિંગાપોર પહોંચ્યા બાદ પોતાનુ રાજીનામું શ્રીલંકાના સ્પીકરને મોકલી શકે છે. આ દરમિયાન એવા અહેવાલો પણ સામે આવી રહ્યા છે કે વેલના ઈન્ટરનેશનલ એરપોર્ટના વીઆઈપી ટર્મિનલમાં રાજપક્ષેની રાહ જાેઈ રહેલા પત્રકારોને સુરક્ષાકર્મીઓએ હટાવી દીધા છે.
અહેવાલ મુજબ રાષ્ટ્રપતિએ માલદીવ સરકારને સિંગાપોરને ખાનગી વિમાન ઉપલબ્ધ કરાવવાની અપીલ કરી છે. તમને જણાવી દઈએ કે શ્રીલંકામાં વિરોધ પ્રદર્શન ખૂબ જ ઉગ્ર બની ગયુ છે. ગોટાબાયા રાજપક્ષે બુધવારે દેશ છોડીને ભાગી ગયા હતા. જેના પગલે દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ રાજપક્ષે બુધવારે દેશ છોડીને માલદીવ ભાગી ગયા હતા. જ્યાંથી તેમણે વડા પ્રધાન વિક્રમસિંઘેને કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કર્યા હતા.
સ્પીકર મહિન્દા યાપા અબેયવારદેનાએ જણાવ્યુ હતુ કે રાષ્ટ્રપતિ રાજપક્ષેએ તેમને ટેલિફોન પર જાણ કરી હતી કે તેઓ વચન મુજબ રાજીનામુ આપશે. તેમણે કહ્યુ કે નવા પ્રમુખ માટે ૨૦ જુલાઈએ મતદાન થશે. તમને જણાવી દઈએ કે હાલમાં શ્રીલંકા અભૂતપૂર્વ આર્થિક સંકટનો સામનો કરી રહ્યુ છે. દેશમાં લાખો લોકો ખોરાક, દવા, ઇંધણ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓની અછતનો સામનો કરી રહ્યા છે. વડા પ્રધાન વિક્રમસિંઘેએ ગયા અઠવાડિયે કહ્યુ હતુ કે શ્રીલંકા હવે દેવાળિયો દેશ છે.HS1MS