મુંબઇ જતાં વાહનોને એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફિક પોલીસ દ્વારા કરાયા સાવચેત
ટોલ પ્લાઝા ઉપર તહેનાત કરાયેલી પોલીસ દ્વારા ચાલકોને સમજાવી રસ્તો બંધ હોવાની માહિતી અપાઇ
વડોદરા, દક્ષિણ ગુજરાતમાં પડેલા અતિભારે વરસાદને કારણે બંધ કરાયેલા ચીખલી – વલસાદ હાઇ વેને બંધ કરવામાં આવતા તે તરફ જતાં વાહનોને સાવચેત કરવા માટે વડોદરા નજીક દુમાડ ચોકડી એક્સપ્રેસ હાઇ વે ટોલ પ્લાઝા ઉપર પોલીસ દ્વારા ચાલકોને માહિતગાર કરી અન્ય માર્ગ લેવા સમજાવવામાં આવી રહ્યા છે.
નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજ વહેલી સવારે જારી રહેલા તાકીદના સંદેશાને ધ્યાને વડોદરા કલેક્ટર શ્રી અતુલ ગોર દ્વારા પોલીસ તંત્રને જાણ કરવામાં આવી હતી. જેના પગલે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા મુંબઇ જતાં વાહનોને સમજૂત કરવા માટે તુરંત વ્યવસ્થા કરવામાં આવી હતી.
વડોદરા શહેર પોલીસના યાતાયાત નાયબ પોલીસ કમિશનર સુશ્રી જુલી કોઠિયાએ જણાવ્યું કે, એક્સપ્રેસ હાઇવે ઉપર દુમાડ ચોકડી આગળના ટોલ પ્લાઝા અને આણંદ તરફથી આવતા વાહનો માટે વાંસદ ટોલ પ્લાઝા પાસે એક પોલીસ ઇન્સ્પેક્ટર સાથે અન્ય સાત પોલીસ જવાનોને એક ઇન્ટરસેપ્ટર તથા વાહનો અને એનાઉન્સ સિસ્ટમ સાથે તહેનાત કરી દેવામાં આવ્યા છે. ત્યાં સતત એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે.
આ પોલીસકર્મીઓ સવારથી સતત વાહન ચાલકોને મુંબઇ તરફનો પ્રવાસ ટાળવા સમજવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત સુરત જતાં વાહનો વરસાદના માહોલમાં તકેદારી સાથે ડ્રાઇવિંગ કરવાની સૂચના આપી રવાના કરવામાં આવી રહ્યા છે. જ્યારે, અગત્યના કામે મુંબઇ સુધી જવા નીકળેલા પ્રવાસીઓને સુરત સુધી જવા દેવામાં આવે છે.
આ ઉપરાંત પોલીસ તંત્ર દ્વારા જાંબુઆ બ્રિજ પાસે ચોકી ઉભી કરી દેવામાં આવી છે. મધ્યપ્રદેશ, ગોધરા તરફથી વાહનોને ત્યાં સમજૂત કરવામાં આવી રહ્યા છે.
આજ વરસાદના કારણે ચીખલી-વલસાડ (અમદાવાદ-મુંબઇ હાઇવે) પર પાણી ભરાયેલ હોવાથી રસ્તો અવરજવર માટે બંધ થયેલ હોઇ, નાગરિકોને પોતાનો પ્રવાસ ટાળવા નમ્ર અપીલ છે. વડોદરાથી મુંબઇ તરફ જતા વાહનો હાલ પોતાની અનુકૂળતાએ હોલ્ટ કરી રસ્તો ખુલવાની પ્રતીક્ષા કરે તે ઇચ્છનીય છે.