ગૌણ ખનિજોની હરાજીથી સરકારને રોયલ્ટી તથા પ્રિમિયમ પેટે ૨,૧૦૪ કરોડની આવકની સંભાવના
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/07/khanij-1024x682.jpg)
રાજ્ય સરકારની વધુ એક સિદ્ધિઃ “રાષ્ટ્રીય ખનિજ વિકાસ પુરસ્કાર”અંતર્ગત સમગ્ર દેશમાં ગુજરાત કેટેગરી-૩ હેઠળ ગૌણ ખનિજોની ઇ-હરાજીમાં પ્રથમ ક્રમે : પ્રવકતા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી
વર્ષ ૨૦૧૯-૨૦, ૨૦૨૦-૨૧ દરમિયાન ગૌણ ખનીજોના કુલ ૧૫૩૩ બ્લોક પૈકી ૯૭૫ બ્લોકમાં સફળતાપૂર્વક જાહેર હરાજી પૂર્ણ
પ્રવકતા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારની વધુ એક સિદ્ધિની માહિતી આપતાં કહ્યું હતું કે,ખાણ અને ખનિજ વિભાગની નવી દિલ્હીમાં યોજાયેલી છઠ્ઠી રાષ્ટ્રીય કોન્ક્લેવમાં“રાષ્ટ્રીય ખનિજ વિકાસ પુરસ્કાર”અંતર્ગત સમગ્ર દેશમાં ગુજરાતને કેટેગરી-૩ હેઠળ ગૌણ ખનિજોની ઇ-હરાજીમાં પ્રથમ ક્રમ અપાયો છે.
આ સિદ્ધિ બદલ કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે રૂ. ૩ કરોડનો પુરસ્કાર રાજ્ય સરકાર વતી રાજ્ય કક્ષાના ઉદ્યોગ મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ સ્વીકાર્યો હતો. આ પુરસ્કાર હેઠળ દરેક કેટેગરીમાં ત્રણ પુરસ્કાર આપવામાં આવે છે.
જેમાં પુરસ્કારની રકમ પેટે પ્રથમ ક્રમે રૂ. ૩ કરોડ, બીજા ક્રમે રૂ. ૨ કરોડ અને ત્રીજા ક્રમે રૂ. ૧ કરોડની રકમ તથા પારિતોષિક આપવામાં આવે છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૫માં કુદરતી સંપંત્તિ-ખનિજોની ફાળવણી યોગ્ય, પારદર્શક, ભેદભાવરહિત અને સ્પર્ધાત્મક રીતે થાય તથા મહેસૂલી આવક વધે તે હેતુસર દેશમાં ખનિજોની ફાળવણી માટે ઇ-હરાજી પદ્ધતિ લાગુ કરવામાં આવી છે.
જેના ભાગરૂપે ખાણકામના કાયદા “ધ માઇન્સ એન્ડ મિનરલ્સ (ડેવલોપમેન્ટ એન્ડ રેગ્યુલેશન) એક્ટ, ૧૯૫૭” તથા તેના અંતર્ગત નિયમોમાં સુધારો કરાયો છે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા પણ ગુજરાતમાં કેન્દ્રની અનુરૂપ ઇ-હરાજી પદ્ધતિ અપનાવી વર્ષ ૨૦૧૭થી ગૌણ ખનિજો માટે પણ ઇ-હરાજી પદ્ધતિ અમલમાં મૂકી છે.
મંત્રીશ્રીએ આ અંગે વિગતો આપતાં કહ્યું હતુ કે, વર્ષ ૨૦૧૯-૨૦, ૨૦૨૦-૨૧ દરમિયાન ગૌણ ખનીજોના કુલ ૧૫૩૩ બ્લોક જાહેર હરાજીથી ફાળવવા માટે મૂકવામાં આવ્યાં હતાં. તે પૈકી ૯૭૫ બ્લોકમાં સફળતાપૂર્વક જાહેર હરાજી પૂર્ણ થઈ છે. આ હરાજીથી રાજ્ય સરકારને રોયલ્ટી તથા પ્રિમિયમ પેટે અંદાજે રૂ. ૨,૧૦૪ કરોડની જંગી આવક થશે.