૭૫ દિવસમાં અમદાવાદ જિલ્લાના ૧૧ લાખથી વધુ લોકોને પ્રિકોશન ડોઝનો લાભ આપવાનો નિર્ધાર
અમદાવાદ જિલ્લાના સનથાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી જિલ્લાના ૧૮ થી ૫૯ ની વયજૂથના લાભાર્થીઓ માટે ૭૫ દિવસ વિનામૂલ્યે પ્રિકોશન ડોઝનો શુભારંભ
કોવિડ વેક્સિન મહોત્સવ અંતર્ગત અમદાવાદ જિલ્લાના સનાથલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી આજરોજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલભાઇ ધામેલીયાએ ૧૮ થી ૫૯ ની વયજૂથના લાભાર્થીઓ માટે ૭૫ દિવસ વિનામૂલ્યે પ્રિકોશન ડોઝનો શુભારંભ કરાવ્યો છે.
અત્રેઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ અતંર્ગત ૧૫ મી જૂલાઇ થી ૭૫ દિવસ સુધી ૧૮ થી ૫૯ ની વયજૂથના નાગરિકોને વિનામૂલ્યે પ્રિકોશન ડોઝ આપવાનો જનહિતલક્ષી નિર્ણય હાથ ધરવામાં આવ્યો છે.જે અંતર્ગત રાજ્યના ૩.૩૦ કરોડ લાભાર્થીઓને પ્રિકોશન ડોઝ આપવાનો નિર્ધાર છે.
જેના ભાગસ્વરૂપે અમદાવાદ જિલ્લાના સનાથલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી સમગ્ર જિલ્લામાં આ ઝુંબેશનો પ્રારંભ કરાવીને નાગરિકોને કોરોના સામેના અભેધ સુરક્ષા કવચ ઉપલબ્ધ કરાવવાના ભગીરથ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.
૭૫ દિવસની આ ઝુંબેશમાં અમદાવાદ જિલ્લાના 11 લાખથી વધુ લાભાર્થીઓને પ્રિકોશન ડોઝના નિ:શુલ્ક લાભથી લાભાન્વિત કરવામાં આવશે.
જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્રો, શહેરી આરોગ્ય કેન્દ્ર, પેટા આરોગ્ય કેન્દ્ર અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે આયોજનબધ્ધ રીતે આ કામગીરી હાથ ધરવામાં આવશે.