Western Times News

Gujarati News

નવસારી જિલ્લામાં કપરી પરિસ્થિતિમાં ફસાયેલા ૮૧૧ નાગરિકોને રેસ્ક્યૂ કરાયા

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૪૦,૮૯૭ નાગરિકોનું સ્થળાંતર કરાયુ : કુલ ૨૫,૯૮૫ અસરગ્રસ્ત નાગરિકો સ્વગૃહે પરત

રાજ્યમાં જરૂર પડે ત્યારે એરલિફ્ટિંગ માટે અમદાવાદ, વડોદરા, દમણ, નાસિક, અને મુંબઈમાં હેલિકોપ્ટર સ્ટેન્ડ બાય રખાયા

ડાંગ અને વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ

 એસડીઆરએફની કુલ ૨૬ પ્લાટુન અને ૧ ટીમ જ્યારે એનડીઆરએફની કુલ ૧૯ ટીમો તહેનાત

અસરગ્રસ્ત ૫,૫૭૪ ગામોમાં વીજપુરવઠો ખોરવાયો હતો જેમાંથી ૯૯ ટકા ગામોમાં વીજ પૂરવઠો પૂર્વવત કરાયો

મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આજે રાજ્યમાં પડી રહેલા વરસાદની પરિસ્થિતિ અંગે સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે,

છેલ્લાં ૨૪ કલાકમાં અતિભારે વરસાદને પરિણામે માત્ર નવસારીજિલ્લાના વિવિધ ગામોમાંથી૮૧૧ લોકોને રેસ્કયૂ કરી તમામના જીવ બચાવી લેવાયા છે. તા. ૭ જુલાઈથી આજ સુધી રાજ્યમાં કુલ ૧,૨૫૪ લોકોને રેસ્કયૂ કરાયા છે.

મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, રાજ્યના વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં કુલ ૪૦,૮૯૭ નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું છે જે પૈકી કુલ ૨૫,૯૮૫ નાગરિકો સ્વગૃહે પરત ફર્યાં છે

જ્યારે ૧૪,૯૧૨ નાગરિકો વિવિધ આશ્રયસ્થાનોમાં આશરો લઈ રહ્યાં છે, જેમને ભોજન સહિત પૂરતી વ્યવસ્થા વહીવટીતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે.

મંત્રીશ્રીએ કહ્યું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અસરગ્રસ્ત જિલ્લાઓમાં વરસાદ બંધ થઈ ગયો છે તે તમામ જિલ્લાઓમા સરવે સહિતની કામગીરી સત્વરે કરવા વહીવટી તંત્રને સૂચના આપી છે.

મંત્રી શ્રી ત્રિવેદીએ કહ્યું કે, રાજ્યમાં હવે ડાંગ અને વલસાડ એમ બેજિલ્લામાં રેડ એલર્ટછે. રાજ્યના અસરગ્રસ્ત જિલ્લાઓમાં ૧૯ એનડીઆરએફની ટીમ તહેનાત કરાઇ છે જ્યારે ૧ ટીમ રિઝર્વ રખાઇ છે. તેમજ ૨૭ એસડીઆરએફની પ્લાટુન ડિપ્લોય કરવામાં આવી છે, જ્યારે એસડીઆરએફની ૧ પ્લાટુન અને એક ટીમ રિઝર્વ રાખવામાં આવી છે.

આ ઉપરાંત અગમચેતીના ભાગરૂપે ઓડિશાથી એનડીઆરએફ અને એસડીઆરએફની વધુ પાંચ ટીમો મંગાવવામાં આવી છે. તેમજ અમદાવાદ, વડોદરા, દમણ, નાસિક, અને મુંબઈ એમ પાંચ જગ્યાએ એરલિફ્ટિંગ માટે હેલિકોપ્ટર-ચોપર પણ સ્ટેન્ડ બાય રખાયા છે.

મંત્રી શ્રી ત્રિવેદીએ ઉમેર્યું કે, રાજ્યમાં તા.૭ જુલાઇથી અત્યાર સુધીમાં ૫૪ માનવ મૃત્યુ નોંધાયા છે. જેમાં સૌથી વધુ મૃત્યુ વીજળી પડવાથી થયા છે. ૧૮ હજારથી વધુ ગામો પૈકી અસરગ્રસ્ત ૫,૫૭૪ ગામોમાં વીજપુરવઠો ખોરવાયો હતો જેમાથી ૯૯ ટકા ગામોમાં વીજ વ્યવસ્થા પૂર્વવત કરાયો છે.

તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં થયેલા વરસાદના કારણે ૨૪ સ્ટેટ હાઈવે, ૫૨૨ પંચાયતના માર્ગો સુરક્ષાની દ્રષ્ટિકોણથી વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે,

જ્યારે નવસારી, ડાંગ અને કચ્છમાંથી પસાર થતા નેશનલ હાઈવે બંધ કરાયા છે તે ખુબ જ ઝડપથી પૂર્વવત થઈ જશે.

મંત્રી શ્રી ત્રિવેદીએ રાજ્યના નાગરિકોને અપીલ કરતાં કહ્યું છે કે, રસ્તા પરથી વહેતા પાણીના વહેણને ઓળંગવાનો પ્રયાસ કરી બિનજરૂરી જોખમ ખેડવું નહીં. સમગ્ર વહીવટી તંત્ર દ્વારા વિશેષ કાળજી લેવામાં આવી રહી છે ત્યારે નાગરિકો પણ સંપૂર્ણ કાળજી રાખે તે ઇચ્છનીય છે.

રાજ્યના વહીવટી તંત્રની પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે ત્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં નાગરિકોને સવિશેષ કાળજી રાખવા પણ મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.