પાલતુ કૂતરાએ માલિકનો જીવ લેતા પિટબુલ પાળવા ૪૧ દેશોમાં પ્રતિબંધ
દેશમાં ચકચાર -આ કુતરા ક્યારે ગુસ્સે થશે તે નક્કી નથી હોતું, જે ઘરમાં નાના બાળકો હોય ત્યાં તો આ કુતરા પાળવા ખતરનાક
નવી દિલ્હી, લખનૌમાં ૮૦ વર્ષની મહિલાનુ તેના જ પાળેલા કુતરા પિટબુલ ટેરિયરે હુમલો કરીને મોત નીપજાવ્યુ હોવાની ઘટનાએ દેશમાં ચકચાર મચાવી છે.
જાેકે પિટબુલ ટેરિયર પ્રજાતિના ડોગ દ્વારા માલિક પર હુમલો કરવાની આ પહેલી ઘટના નથી. આ પ્રજાતિના કુતરા ભારે ખૂંખાર હોય છે અને તેઓ પોતાના માલિક પર હુમલો કરવા માટે કુખ્યાત છે. જેના પગલે દુનિયાના ૪૧ દેશોએ આ પ્રજાતિના કુતરા પાળવા પર પ્રતિબંધ મુકેલો છે.
કુતરા પાળવાના ભારે શોખીન અમેરિકન લોકોમાંથી પણ ઘણા પિટબુલ ટેરિયર પ્રજાતિના કુતરાને પસંદ કરતા નથી. કારણકે આ કુતરા ક્યારે ગુસ્સે થશે તે નક્કી નથી હોતુ. જે ઘરમાં નાના બાળકો હોય ત્યાં તો આ કુતરા પાળવા વધારે ખતરનાક બની શકે છે.
અમેરિકામાં જે કુતરાઓને શેલ્ટર હોમમાં રાખવામાં આવે છે તેમાં ૨૦ ટકા જેટલા પિટબુલ જ હોય છે. કારણકે ઘણા માલિકો આ કુતરાને છોડી દેતા હોય છે.
અમેરિકામાં પાળેલા કુતરામાં પિટબુલની ટકાવારી છ ટકા જ છે પણ તે બીજી પ્રજાતિઓના કુતરા કરતા માણસો પર હુમલો કરવામાં અવ્વલ છે. અમેરિકામાં અને કેનેડામાં ૨૦૦૯ થી ૨૦૧૮ દરમિયાન પિટબુલ પ્રજાતિના કુતરાઓએ ૩૫૬૯ લોકોને હુમલો કરીને મારી નાંખ્યા છે અથવા તો ગંભીર રીતે ઘાયલ કર્યા છે. આમાંથી કેટલાક તો અપંગ પણ થઈ ગયા છે.
અમેરિકામાં કુતરા કરડવાની ઘટનાઓમાં ૮૦ ટકા મામલા પિટબુલ ટેરિયર સાથે જાેડાયેલા હોય છે. ઉપરાંત પિટબુલના હુમલો કરવાના કારણે સર્જરીની જરુર પડી હોય તેવા કિસ્સા અન્ય કુતરાઓના કરડવાના કિસ્સા કરતા પાંચ ગણા વધારે છે.
અમેરિકામાં ૨૦૧૬ થી ૨૦૧૯ દરમિયાન પિટબુલના હુમલાના કારણે ૧૧૦ અમેરિકન લોકોએ જીવ ગુમાવ્યા છે. આ પૈકી ૫૭ તો તેના માલિક જ હતા.
૨૦૨૧માં ૩૭ અમેરિકન્સ પિટબુલના હાથે માર્યા ગયા હતા. આ પૈકી ૨૧ તો પિટબુલના માલિક હતા અથવા પરિવારના સભ્ય હતા. ઉલ્લેખનીય છે કે, લખનૌમાં મંગળવારે બંગાલી ટોલા વિસ્તારમાં રહેતા ૮૦ વર્ષના મહિલા સુશીલા ત્રિપાઠી પર તેમના જ પાળેલા ડોગ પિટબુલ ટેરિયરે હુમલો કરી દીધો હતો. જેમાં તેમનુ મોત થયુ હતુ. એ પછી આ કુતરાને પાંજરા પાછળ ધકેલી દેવાયો છે.