ડાંગ જિલ્લામા DGVCL ના કર્મચારીઓનુ રાઉન્ડ ધ ક્લોક ચાલતુ વીજ પ્રવાહ પૂર્વવત કરવાનુ અભિયાન
(ડાંગ માહિતી બ્યુરો): આહવા: ડાંગ જિલ્લામા ગત દિવસોમા ખાબકેલા મુશળધાર વરસાદને કારણે, ઠેર ઠેર વીજ લાઈનોનુ ભંગાણ થવા પામ્યુ હતુ. જેના રિસ્ટોરેશન માટે DGVCL ના કર્મચારીઓએ રાઉન્ડ ધ ક્લોક વીજ પ્રવાહ પૂર્વવત કરવાનું અભિયાન હાથ ધર્યું છે.
ડાંગ કલેકટર શ્રી ભાવિન પંડ્યાના માર્ગદર્શન હેઠળ ડાંગના આહવા, વઘઇ, સાપુતારા સબ ડિવિઝનના કર્મચારીઓએ, મુશળધાર વરસાદમા પણ, દુર્ગમ જંગલ વિસ્તારોમા ડુંગરો ઉપર ચડી, અને ખીણોમા ઉતરી, છુટા છવાયા ગામો અને પરાઓમા વીજ પ્રવાહ સતત મળતો રહે તેવા પ્રયાસો આદર્યા છે.
નાયબ ઈજનેર શ્રી વી.ડી.પટેલના જણાવ્યા અનુસાર ડાંગના આ વરસાદે, DGVCL ને અંદાજીત ₹૨૨લાખઉપરાંતનુનુકશાનપહોંચાડ્યુછે.વરસાદને કારણે ડાંગ જિલ્લામા અત્યાર સુધી ૫૫ થી વધુ વીજપોલ તૂટી જવા પામ્યા છે. તો ૧૨ કિલોમીટર જેટલા વીજ વાયરો પણ તૂટી ગયા છે. જ્યારે ૧૧ જેટલા ટ્રાન્સફોર્મરો પણ ફેઈલ થઈ જવા પામ્યા છે, તેમ શ્રી પટેલે વધુમા જણાવ્યુ હતુ.
આ સ્થિતિ વચ્ચે પ્રજાજનોને કોઈ વધુ અગવડનો સામનો ન કરવો પડે તે માટે રાજય સરકારની સૂચના મુજબ, અને કલેકટર શ્રી ભાવિન પંડ્યાના માર્ગદર્શન હેઠળ વીજ કર્મચારીઓ રાતદિવસ એક કરીને, વીજ લાઈનોના મરામતની કામગીરીમા જોતરાયા છે
ઉલ્લેખનીય છે કે, ડાંગ કલેકટર શ્રી ભાવિન પંડ્યા તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિપીન ગર્ગ પણ તેમને સીધી મળતી જાણકારી કે ફરિયાદ બાબતે, ખૂબ જ સંવેદનશીલ અભિગમ સાથે વીજ વિભાગના કર્મચારીઓને દોરવણી આપી, સર્જાયેલી સમસ્યામાંથી માર્ગ કાઢી રહ્યા છે.