રાષ્ટ્રપતિ પદ માટે NDAના ઉમેદવાર દ્રોપદી મુર્મુ સમર્થન મેળવવા ગુજરાતમાં
• દ્રોપદી મુર્મુ માત્ર આદિવાસી સમુદાય જ નહીં તમામ ભારતીયોના આદર્શ-નારીશક્તિનું આગવું પ્રતીક
• રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રોપદી મુર્મુની પસંદગી થતા દેશના વંચિત વર્ગો, અનુસૂચિત જનજાતિઓ સહિત કરોડો નાગરિકોની આશા-અકાંક્ષાઓ પૂરી થવા જઈ રહી છે
• વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકતાંત્રિક મૂલ્યોની આગવી પરંપરા ઉભી કરી
રાષ્ટ્રપતિ પદ માટે એન.ડી.એ.ના ઉમેદવાર દ્રોપદી મુર્મુ ગુજરાતના વિધાયકો, સાંસદોનું સમર્થન માંગવા ગાંધીનગર આવ્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ, નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપા અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ તેમજ રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ, ધારાસભ્યો સાથે આ સંદર્ભમાં તેમણે બેઠક યોજી હતી.
દ્રૌપદી મુર્મુએ દેશની આઝાદીના મૂળિયા સિંચનારા રાષ્ટ્રપિતા ગાંધીજી તથા દેશની એકતા અખંડિતતાના શિલ્પી લોહપુરૂષ સરદાર સાહેબ સહિત સ્વાતંત્ર સંગ્રામમાં યોગદાન આપનારા ગુર્જર ધરાના સપુતો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દ્રોપદી મુર્મુને ગુજરાતના સૌ ભાજપા વિધાયકોનું સમર્થન અવશ્ય મળશે જ તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. દ્રોપદી મુર્મુજીને ગુજરાતની ગાંધીજી, સરદાર સાહેબ, નરેન્દ્ર મોદી જેવા વિરલ વ્યક્તિત્વની ભૂમિ પર આવકાર્યા હતા.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ક્હ્યું કે, રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રોપદી મુર્મુ માત્ર આદિવાસી સમુદાય જ નહીં તમામ ભારતીયોના આદર્શ છે. સામાન્ય શિક્ષકથી ધારાસભ્ય, મંત્રી અને રાજ્યપાલ સુધીની સફળ સેવાયાત્રા કરનારા દ્રોપદી મુર્મુ નારીશક્તિનું આગવું પ્રતીક છે.
બહોળો અનુભવ, ઊંડી વહીવટી સમજ અને અત્યંત કરુણાભાવી વ્યક્તિત્વ ધરાવતા દ્રૌપદી મુર્મુજીના રૂપમાં દેશની જનતાને સર્વોચ્ચ પદે એક સંવેદનશીલ સ્વજન મળી રહેશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
નેશનલ ડેમોક્રેટિક એલાયન્સના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રોપદી મુર્મુને આવકારતા મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રોપદી મુર્મુની પસંદગી થતા દેશના વંચિત વર્ગો, અનુસૂચિત જનજાતિઓ સહિત કરોડો નાગરિકોની આશા-અકાંક્ષાઓ પૂરી થવા જઈ રહી છે. ભારતની લોકશાહીની એ સુંદરતા છે કે બંધારણે સૂચવેલા સમાનતા અને સમરસતાના આદર્શોનું સુપેરે પાલન થાય છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી પરિવારવાદ નહીં પણ રાષ્ટ્રવાદની વિચારધારાને વરેલી પાર્ટી છે. રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રોપદી મુર્મુજીની પસંદગી કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકતાંત્રિક મૂલ્યોની આગવી પરંપરા ઉભી કરી છે.
અંત્યોદયથી સર્વોદયનો રાહ અપનાવી આદિવાસી, જનજાતિ સમુદાયને વિકાસની મુખ્ય ધારામાં સામેલ કરવાનું કામ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ કરી દેખાડ્યું છે.
રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો બાદ ભારતને પ્રથમ મહિલા આદિજાતિ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજીના રૂપમાં મળશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
દ્રૌપદી મુર્મુએ પોતાના વ્યક્તવ્યમાં કહ્યું કે, આ પ્રદેશે દેશને શ્રી નરેન્દ્રભાઈ મોદી જેવા કર્મઠ તેમજ યશસ્વી પ્રધાનમંત્રી તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ જેવા કાર્યક્ષમ નેતાઓ આપ્યા છે જેમના નેતૃત્વમાં ભારત દરેક નવી સફળતા હાંસલ કરીને વિશ્વના એક મહત્વપૂર્ણ રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યું છે તે ગર્વની વાત છે.
ગુજરાતની સંસ્કૃતિ અને કલા વિશે દ્રૌપદી મુર્મુજીએ જણાવતા તેમણે કહ્યું હતુ કે, પાટણના પટોળા, સાડી, દાંડિયા-ગરબા, તરણેતરનો મેળો, દ્વારકાનો જન્માષ્ટમીનો મેળો, ક્વાંટનો આદિવાસી મેળો, અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો, રોગાન અને પિઠોરાના ચિત્રકામથી ગુજરાતનું નામ માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ વિખ્યાત છે.
આદિકવી તરીકે જાણીતા નરસિંહ મહેતાનું ભજન વૈષ્ણવજન તો તેને રે કહીએ આજે પણ ભારતના જનમાનસના રોમ-રોમને પુલકિત કરી દે છે. મારું સૌભાગ્ય છે કે લોખંડી પુરૂષ સરદાર પટેલની સ્મૃતિમાં નિર્મિત વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટીના દર્શન કરી અપાર આનંદ થયો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
ગુજરાતના વાણિજ્યિક ઈતિહાસને યાદ કરતા તેમણે કહ્યું હતુ કે, ઈસ.પૂર્વેથી જ સિંધુ ખીણની સભ્યતાનું મુખ્ય કેન્દ્ર રહેલું ગુજરાત વેપાર અને વાણિજ્ય ક્ષેત્રે મેસોપોટેમિયા, કુવૈત, તુર્કી વગેરે પશ્ચિમિ દેશો સાથે સદીઓથી જોડાયેલું રહ્યું છે. મહેનતુ અને પરિશ્રમી લોકો ગુજરાતને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વાણિજ્ય અને વેપાર ક્ષેત્રે દેશનું અગ્રેસર રાજ્ય બનાવવાની સાથે સાથે ન્યુ ઈન્ડિયાના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેની તેમણે પ્રશંસા કરી હતી.
પૂજ્ય બાપુનું “સ્વચ્છ ભારત મિશન”નું વિઝન અને સરદાર પટેલનું “ગામો અને શહેરોના સર્વસમાવેશક વિકાસ”નું વિઝન ભારતના આ રાજ્યમાં સંપૂર્ણ રીતે પ્રતિબિંબિત થાય છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
રાષ્ટ્રપતિ જેવા સર્વૌચ્ચ બંધારણિય હોદ્દા માટે ઉમેદાવરી કરવા અંગે તેમણે ગૌરવભેર જણાવ્યું કે, ભારતમાં લોકશાહીની પરંપરાઓનું પાલન કરવાનું એક અનોખું ઉદાહરણ સ્થાપિત થઈ રહ્યું છે. દેશના સફળ વડાપ્રધાનના નેતૃત્વમાં આજે ભારત દરેક ક્ષેત્રમાં વિકાસના નવા અધ્યાયો ઉમેરી રહ્યું છે. વિશ્વમાં ભારતનું સ્થાન ખૂબ જ મહત્વપૂર્ણ બનવાની સાથે સાથે સમગ્ર વિશ્વનો આપણા દેશ પ્રત્યેનો અભિગમ પણ બદલાયો છે, તેનો તેમણે વિશેષ ઉલ્લેખ કર્યો હતો.
તેમણે આહ્વાન કર્યું કે, આપણે દેશની આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. આ અમૃતકાળમાં આપણા વડાપ્રધાને આગામી ૨૫ વર્ષમાં દેશમાં થનારી વિકાસ યોજનાઓની વિસ્તૃત રૂપરેખા રજૂ કરતાં તમામ દેશવાસીઓ પાસેથી સકારાત્મક યોગદાન અને સમર્થનની અપેક્ષા રાખી છે. આપણે બધા એક થઈએ અને ભારતને સૌથી ગૌરવશાળી અને સમૃદ્ધ દેશ બનાવવા માટે સમર્પિત ભાવના સાથે કામ કરીએ, તેવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી.
દ્રૌપદી મુર્મુજીએ તમામને અપીલ કરી કે, તેમણે તેમનું જીવન આદિવાસી સમુદાય, મહિલાઓ અને સમાજના છેલ્લા છેવાડાના લોકોના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ઉત્થાન માટે સમર્પિત કર્યું છે. તેઓ ૧૮મી જુલાઈ, ૨૦૨૨ ના રોજ યોજાનાર ભારતના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં એન.ડી.એ.ના ઉમેદવાર તરીકે સૌ વિધાયકોને તેમના મૂલ્યવાન સમર્થનની વિનંતી કરવા આવ્યા છે. ભારતની આઝાદીના અમૃત પર્વના અમૃતકાળના અવસરે લોકશાહીના હિતમાં મહિલા શક્તિને સમર્થન આપીને ભારતીય ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરવાનું ગૌરવ મેળવવા તેમણે અપીલ કરી હતી.