આમોદના બિસ્માર માર્ગને કારણે ટ્રાફિકજામમાં અનેક વાહનો કલાકો સુધી ફસાયા

માર્ગ ઉપર ઊંડા ખાડાઓ નોતરી શકે છે અકસ્માત ઃ માર્ગ અને મકાન વિભાગ પણ મોટી હોનારતની રાહ જાેઈ બેઠું હોઈ એમ લાગી રહ્યું છે
(પ્રતિનિધી) ભરૂચ, અમોદના ખાડા માથાનો દુખાવો સમાન બની રહ્યા હોય એમ રોજ બરોજ વાહન ચાલકો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે.આમોદ ચોકડીથી લઈ જુના બસ ડેપો સુધીનો માર્ગ તો એટલી હદે ખરાબ છે કે ડ્રાઈવરને એ સમજવું મુશ્કેલ પડી જાય કે કયો ખાડો કાપવો અને કયા ખાડામાં જવું?
કારણ કે જયાં જુઓ ત્યાં ૨ થી ૩ ફૂટના ઊંડા ખાડાઓએ આખા રોડ ઉપર સામ્રાજ્ય જમાવ્યું છે.જેને કારણે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. વાહનોની લાંબી કતારો નજરે પડી હતી.કલાકો સુધી ટ્રાફિકજામ રહેતા અનેક વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
વર્ષ ૨૦૧૭-૧૮ માં ૧૩.૪૦ જેટલી માતબર રકમના ખર્ચે આ માર્ગનું નિર્માણ સુરતની એજન્સીએ કર્યું હતું.પરંતુ અધિકારીઓના મેણાપીપળામાં આ કોન્ટ્રાક્ટરના બિલો પણ પાસ કરી દેવામાં આવ્યા છે.જાેકે આ માર્ગ ખુલ્લો મુકાયો ત્યારથીજ વિવાદમાં આવ્યો છે. ચોમેરથી ભ્રષ્ટાચારનું બૂમો ઉઠી રહી છે.
તેમ છતાં અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી. ખાડાઓની વાત એમના માટે નવી નથી ખાડાઓનું સામ્રાજ્ય દર ચોમાસે રીન્યુ થાય છે.જેમાં અનેક વાહન ચાલકો ભોગ બને છે.ભૂતકાળમાં અહીંયા સેકંડો અકસ્માત સર્જાઈ ચુક્યા છે પરંતુ ચલતા હૈ તો ચલને દો ની નીતિ સાકાર થઈ રહી છે.
ભરૂચ જિલ્લાની તમામ ઔદ્યોગિક વસાહતોના જાેડતો માર્ગ હોવાથી અહીંથી રોજના સેંકડો મોટા વાહનો પસાર થાય છે.જેથી ઓછી ગુણવત્તા અને તકલાદી માર્ગ ડામર ઉખડી જવાથી ઉબડખાબડ બની જાય છે.જેની સૌથી વધુ મુશ્કેલી સ્થાનિક નાના વાહન ચાલકોને ભોગવવી પડે છે.
આમોદ નજીકના આ હાઈવે પર દર ચોમાસામાં ખાડાઓનું પુનરાવર્તન જાેવા મળે છે.માર્ગ અને મકાન વિભાગ હોય કે સ્થાનિક વહીવટી તંત્ર આજદિન સુધી કોઈ ઠોસ પગલાં કે નિરાકરણ લાવવામાં સફળ રહ્યું નથી. નવા રસ્તાઓ અને બ્રિજ માર્ગોના લોકાર્પણમાં રાજ્યના માર્ગ અને મકાન વિભાગના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી સતત વ્યસ્ત રહેતા હોય છે.
પરંતુ વર્ષો જુના અને અતિવ્યસ્ત રહેલા માર્ગ નેશનલ હાઈવે નંબર ૬૪ ની હાલત અને ગંભીરતા તરફ ડોકિયું કાઢવાનો સમય નથી.અતિબિસ્માર અને ખડાઓથી પીડિત માર્ગથી વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે.આ રસ્તાને નવનિર્મિત કરવામાં આવે અને કાયમી સમસ્યાનું નિવારણ લાવવામાં આવે તેવી માંગ કરી છે.