ગાંધીનગરમા સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ માટેની મેગા ઇવેન્ટ યોજાઈ

(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) આજરોજ ગાંધીનગર મહાનગરપાલિકા અને બાયો ફિક્સ પ્રાઇવેટ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે સેક્ટર ૨૨ રંગમંચ ખાતે ફીટ્સ ઓન સ્ટ્રીટ અ ગ્રીન કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ગાંધીનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જસવંતભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ધવલ પટેલ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેયુર જેઠવા તેમજ સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલર ઉપસ્થિત રહ્યા હતા.
ફીટસ ઓન સ્ટ્રીટ ગાંધીનગર શહેરમાં સ્વચ્છતા અને સસ્ટેનેબલ લાઇફ સ્ટાઇલ અંગે જનજાગૃતિ માટેની અત્યાર સુધીની સૌથી મોટી ઇવેન્ટ બનેલ છે જેમાં ૫૦૦૦થી વધુ નાગરિકોએ ભાગ લીધો હતો. આ ઇવેન્ટનો ઉદ્દેશ્ય learn, play and enjoyના માધ્યમથી સસ્ટેનેબલ લાઇફ સ્ટાઇલને અપનાવવા માટે જાગૃતિ લાવવાનો હતો.
આ ઇવેન્ટમાં નુક્કડ નાટક અને રમતગમતના માધ્યમથી કચરાના સેગ્રીગેશન તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશને ટાળવા અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સ્ટાર્ટઅપ્સ અને સોશિયલ એન્ટરપ્રાઇઝીસને આ ઇવેન્ટ દ્વારા પોતાના ઉત્પાદનો અને સેવાઓ લોકો સુધી પહોંચાડવા માટે મંચ પૂરું પાડવામાં આવ્યું હતું.
જેમાં બાયોફિક્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વેસ્ટ કમ્પોસ્ટિંગ મશીન, મીની બાયોગેસ મશીન, બાયો ફર્ટિલાઇઝર અને બાયોએન્જાઈનનું નિદર્શન કરવામાં આવ્યું. રીકો સોલ્યુશન દ્વારા પ્લાસ્ટિક વેસ્ટમાંથી બનાવેલ વિવિધ ઉપયોગી ઉત્પાદનો જેવા કે કુંડા,ઘડિયાળ,બેંચ વગેરે પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. બાયો પોટ સંસ્થા દ્વારા ગાયના છાણ તથા સુકાયેલા ઘાસમાંથી એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી કુંડાઓ તૈયાર કરવામાં આવ્યા હતા.
જેનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગ્રીન ટેન્સ સંસ્થા દ્વારા વાંસમાંથી બનાવેલ ટુથ બ્રશ, ઇયર બર્ડ, કોમ્બ વગેરે ઉત્પાદનો દ્વારા પ્લાસ્ટિકનો વિકલ્પ પૂરો પાડવામાં આવ્યો.
ઉપરાંત ફાઉન્ડેશન દ્વારા પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ઘટાડવાના હેતુથી જુના વાડજ ની રેગ પિકર્સ બહેનોના સહયોગથી કપડાની થેલીઓ બનાવી આ મહિલાઓને આજીવિકા પૂરી પાડી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.
સેનેટરી પેડ્સ દ્વારા પર્યાવરણને થતા નુકસાનને અટકાવવા માટે યુનિપેડ્સ દ્વારા સ્થાનિક મહિલાઓના સહયોગથી ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા કપડાના સેનેટરી પેડ્સ બનાવવામાં આવ્યા હતા. જેનું આ ઇવેન્ટમાં પ્રદર્શન કરવામાં આવ્યું.