કેરળમાં ભારે વરસાદ, કેટલાક ડેમમાં પાણીનું જોખમી સ્તર
કોચ્ચી, કેરળના ઘણા ભાગોમાં અવિરત વરસાદને કારણે, મુલ્લાપેરિયાર સહિત ઘણા ડેમમાં પાણીનું સ્તર વધી રહયું છે અને કેટલાક ડેમમાં પાણીનું સ્તર ખતરાના નિશાન પર પહોંચી ગયું છે. કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેનટ ઓથોરિટી દ્વારા ઉપલબ્ધ માહિતી અનુસાર, છ ડેમમાં પાણીનું સ્તર રેડ એલર્ટ લેવલ પર પહોંચી ગયું છે અને તેમાંથી ચાર ડેમ ઇડુક્કીમાં છે અને એક ડેમમાં પાણીનું સ્તર ‘ઓરેન્જ એલર્ટ’ના લેવલ પર પહોંચી ગયું છે.
સવારે ૧૧ વાગ્યા સુધીમાં જે ડેમમાં પાણીનું સ્તર ખતરના નિશાન પર પહોંચી ગયું છે તેમાં ઇડુકકીમાં પોનમુડી, કાલરકુટ્ટી, ઇરાટ્ટયાર અને લોઅર પેરિયાર, કોઝકોડમાં કુટ્ટિયાડી અને પથાનમથિટ્ટા જિલ્લામાં મૂઝિયારનો સમાવેશ થાય છે.
દરમિયાન, ઇડુક્કી જિલ્લાના કંટ્રોલ રૂમના એક અધિકારીએ જણાવ્યું કે છેલ્લા કેટલાક કલાકોથી વિસ્તારમાં ઓછા વરસાદને કારણે બપોરે ૧૨ વાગ્યા સુધી મુલ્લાપેરિયાર ડેમમાં પાણીનું સ્તર ૧૩૫.૭ ફૂટ રહયું હતું અને કોઇ ચેતવણી જારી કરવામાં આવી નથી.
ઇડુક્કી ડેમમાં પાણીનું સ્તર થોડું વધ્યું છે, પરંતુ વરસાદ ઓછો થયો હોવાથી ચિંતા કરવાની કોઇ વાત નથી, એમ અધિકારી જણાવ્યું હતું. ભારતીય હવામાન વિભાગે રાજયના ૧૪માંથી નવ જિલ્લાઓમાં ‘યલો એલર્ટ’જારી કર્યુ છે.
મુખ્ય પ્રધાન પિનરાઇ વિજયને શનિવારે હવામાનની આગાહી કરનારાઓને ટાંકીને જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ પડશે અને પહાડીઓમાં રહેતા લોકોને સાવચેત રહેવા ચેતવણી આપી છે.
રાજયમાં ભારે વરસાદને કારણે જયાં પાણીનું સ્તર વધ્યું છે ત્યાં સત્તાવાળાઓએ વિવિધ નદીઓના કિનારે રહેતા લોકોને સાવધાન કર્યા હતા. જયારે, કેરળના વિવિધ ભાગોમાં ભારે વરસાદના અહેવાલો છે.
કેટલાક વિસ્તારોમાં ભારે પૂરના અહેવાલ છે અને લોકોને બચાવ શિબિરોમાં લઇ જવામાં આવી રહયા છે. રાજયના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન અને ભારે વરસાદને કારણે કેટલાક મકાનોને આંશિક નુકસાન થયું છે.HS1MS