AMCના પે એન્ડ પાર્કમાં ભાડાં દર્શાવતાં કોઈ બોર્ડ લોકોની નજરે પડતાં જ નથી
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો એસ્ટેટ વિભાગને એન્ટ્રી અને એક્ઝિટનાં- એમ બે સ્થળે બોર્ડ લગાવવાનો આદેશ
અમદાવાદ, શહેરમાં એએમટીએસ અને બીઆરટીએસ જેવી જાહેર પરિવહન સેવા દેશનાં અન્ય મહાનગરો જેવી અસરકારક નથી. મેટ્રો રેલ પણ હજુ પા-પા પગલી ભરે છે. આ સંજાેગોમાં વધુને વધુ લોકો ઘર-ઓફિસ જવા માટે પોતાની અંગત માલિકીનાં વાહન વસાવી રહ્યા છે.
પરિણામે અમદાવાદમાં ટ્રાફિક જામની સમસ્યા સતત વકરતી જાય છે. આ સમસ્યાનાં નિરાકરણ માટે તંત્ર વિવિધ બ્રિજ પ્રોજેક્ટ હાથ ધરે છે. ઉપરાંત મ્યુનિ.માલિકીના પ્લોટ તેમજ મલ્ટિલેવલ બિલ્ડિંગમાં વાહનોનાં પાર્કિંગની સુવિધા ઊભી કરાય છે. કેટલાક બ્રિજની નીચે તેમજ અમુક જગ્યાએ રોડ પાર્કિંગની સુવિધા પણ વાહનચાલકો મેળવી રહ્યા છે,
પરંતુ આમાં ખાટલે મોટી ખોડ એ છે કે અનેક પે એન્ડ પાર્કની જગ્યાએ ભાડાં દર્શાવતાં બોર્ડ લોકોની નજરે જલદીથી પડતાં નથી. કેટલાક કોન્ટ્રાક્ટરોની બદમાશીના કારણે વાહનચાલકોને તેમનાં પાર્કિંગનો ચાર્જ ચૂકવવાની ખબર પડતી નથી. પરિણામે તેઓને ધોળે દહાડે લૂંટવામાં આવે છે.
શહેરના વાહનચાલકોને તેમનાં વાહનના પ્રકાર મુજબનું ભાડું ચુકવવું પડે છે. જાેકે સીજી રોડ જેવા શહેરના રાજમાર્ગ પર વાહનચાલકોએ દર કલાક મુજબનું ભાડું ચૂકવવું પડે છે, જ્યારે બ્રિજ નીચેનાં પાર્કિંગમાં દર બે કલાક પ્રમાણે ભાડું લેવાય છે. સીજી રોડ પર ટુ-વ્હીલર પાસેથી દર કલાકના રૂ.પાંચ લેવાય છે, જ્યારે ફોર વ્હીલરચાલકો પાસેથી પ્રતિ કલાકના રૂ.૨૦ લેવાઈ રહ્યા છે.
જ્યારે બ્રિજ નીચેનાં પાર્કિંગના દરની વિગત જાેતાં પહેલાં બે કલાક માટે સાઈકલનો એક રૂપિયો, ટુ-વ્હીલરના રૂા.પાંચ અને ફોર વ્હીલરના રૂ.૧૫ લેવાય છે. બીજી તરફ મ્યુનિ. માલિકીના કેટલાક પ્લોટમાં પાર્કિંગ ચાર્જેબલ છે તો કેટલાકમાં મફત પાર્ક કરી શકાય છે. અલબત્ત, મ્યુનિ.પ્લોટમાં પાર્કિંગ માટેનાં ટન્ડરને કોન્ટ્રાક્ટરો તરફથી ધાર્યાે પ્રતિસાદ મળતો નથી.
મોટાભાગના અમદાવાદીઓ તેમનાં વાહનને રોડ પર પાર્કિંગ કરવા ટેવાયેલા હોઈ તેઓ મ્યુનિ.માલિકીના પ્લોટના પે એન્ડ પાર્ક ગણો કે મલ્ટિલેવલ બિલ્ડિંગના પાર્કિંગની અવગણના કરે છે. મ્યુનિ.સત્તાધીશો ટ્રાફિક પોલીસ સાથેનાં સંકલનથી લોકોનાં રોડ પરનાં વાહનને ટોઈંગ કરીને તે વ્યવસ્થિત રીતે મ્યુનિ.પે એન્ડ પાર્કમાં પાર્કિંગ માટે જાય તે માટે પ્રયાસ પણ કરે છે.
જાેકે મ્યુનિ.પે એન્ડ પાર્કમાં પણ વાહનચાલકોને છેતરનારા કોન્ટ્રાક્ટરો બેઠા હોય છે. તેઓ વાહનચાલકો પાસેથી દોઢ ગણું કે બે ગણું ભાડું વસૂલવા માટે નિયત ધારાધોરણ મુજબનું ભાડું દર્શાવતાં બોર્ડને છુપાવતા હોય છે. ખરેખર તો જે તે પે એન્ડ પાર્કના પ્રવેશદ્વાર અને બહાર નીકળવાના માર્ગ પર આવાં બોર્ડ મૂકવાં ફરજિયાત છે
તેમ છતાં કેટલાક કોન્ટ્રાક્ટર તે રીતે ભાડાં દર્શાવતાં બોર્ડ મૂકતાં નથી. અમુકનાં બોર્ડ તો એટલા ઝીણા અક્ષરમાં ચીતરેલાં હોય છે કે સિનિયર સિટીઝન્સ તે વાંચી શકતા નથી. કેટલાંક પે એન્ડ પાર્કમાં તો રીતસરનું ઢૂંઢતે રહ જાઓગે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે.
આ બાબત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટના ધ્યાનમાં આવતા તેમણે વાહનચાલકોને પડતી હાડમારી દૂર કરવા એસ્ટેટ વિભાગને તાકીદ કરી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ આ અંગે વધુમાં જણાવે છે કે, જે જે જગ્યાએ મ્યુનિ.પે એન્ડ પાર્ક કે પાર્કિંગની જગ્યા છે ત્યાં ભાડાં સૂચવતાં બે બોર્ડ મૂકવાનાં રહેશે.
એક પ્રવેશદ્વાર પર અને બીજું બહાર નીકળવાના રસ્તે મૂકવાનું રહેશે. આ માટે એસ્ટેટ વિભાગને ૧૫ દિવસનો સમય અપાયો છે. આગામી ૧૫ દિવસમાં લોકો વાંચી શકે તેવા સુવાચ્ય અક્ષરોમાં બે-બે વોર્ડ મુકાઈ જશે.