Western Times News

Gujarati News

વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ

સતત મોનિટરીંગ કરી અસરગ્રસ્તોને સહાયરૂપ થવા વહિવટી તંત્રને સુચના: પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટની બેઠકમાં રાજ્યભરમાં વરસાદની સ્થિતિ અને તેને પરિણામે થયેલા નુક્શાન સંદર્ભે વિસ્તૃત સમીક્ષા કરાઇ

વહિવટી તંત્રની સતર્કતા અને સજ્જતાને પરિણામે વરસાદના પ્રથમ રાઉન્ડમાં ઓછામાં ઓછા માનવ મૃત્યુ :તમામ વિભાગો તથા સમગ્ર વહિવટી તંત્ર ઉપરાંત રેસ્ક્યુ કામગીરી કરી અનેક નાગરિકોના જીવ બચાવનાર NDRF-SDRF તેમજ સ્થાનિક નાગરિકોને અભિનંદન   પાઠવવામાં આવ્યા

રાજ્યના પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ છે કે,મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને આજે યોજાયેલી કેબિનેટની બેઠકમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ અને વરસાદને પરિણામે થયેલા નુકશાન સંદર્ભે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે કરવા માટે ટીમો બનાવી દેવામાં આવી છે તેના પર સતત મોનિટરીંગ કરી અસરગ્રસ્તોને સહાયરૂપ થવા વહિવટી તંત્રને સુચનાઓ આપવામાં આવી છે.

એટલુ જ નહિ, વહિવટી તંત્રની સતર્કતા અને સજ્જતાને પરિણામે વરસાદના પ્રથમ રાઉન્ડમાં ઓછામાં ઓછા માનવ મૃત્યુ થયા છે. આ બેઠકમાં તમામ વિભાગો તથા સમગ્ર વહિવટી તંત્ર ઉપરાંત રેસ્ક્યુ કામગીરી કરી અનેક નાગરિકોના જીવ બચાવનાર NDRF-SDRF તેમજ સ્થાનિક નાગરિકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

પ્રવક્તા મંત્રી શ્રી વાઘાણીએ ઉમેર્યુ કે, રાજ્યમાં હાલ કુલ સરેરાશ ૪૯૫.૭૯ મિ.મી એટલે કે ૫૮ ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં ૨૩૭ તાલુકામાં ૧૨૫ મીમી કરતાં વધુ એટલે કેપાંચ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.જેના પરિણામે રાજ્યમાં હાલ કુલ ૫૫.૪૧ લાખ હેકટર વિસ્તારમાં એટલે કે ૬૪ ટકા વિસ્તારમાં વાવેતર થયુ છે.

જેમાં મુખ્ય પાક મગફળી ૧૫.૬૩ લાખ હેક્ટર, કપાસ ૨૩.૧૧ લાખ હેક્ટર, કઠોળ અને અન્ય ધાન્ય પાકો ૫.૪૫ લાખ હેકટર વિસ્તારનો સમાવેશ થાય છે.રાજ્યમાં હાલની સ્થિતિએ ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત તેમજ મધ્ય ગુજરાતના છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ મળી કુલ ૮ જિલ્લાઓના ૩૮ તાલુકાઓમાં કૃષિ પાકો અસરગ્રસ્ત થયા છે.

અસરગ્રસ્ત તાલુકાઓના કુલ ૧૨૦ સર્વે ટીમ દ્વારા સર્વેની કામગીરી ચાલુ છે તથા ૨૯,૮૦૦ હેક્ટર વિસ્તારમાં સર્વે કામગીરી પૂર્ણ થઈ છે તથા પાણી ભરેલ વિસ્તારમાં પાણી ઉતરે તેમ તમામ વિસ્તારમાં સર્વેની કામગીરી પ્રગતિમાં છે.સર્વે કામગીરી તમામ વિસ્તારોમાં પૂર્ણ થયા બાદ સરકાર દ્વારા નિયમોનુસાર ખેડૂતોને સહાય જાહેર કરવામાં આવશે.

તેમણે ઉમેર્યુ કે,રાજ્યના અસરગ્રસ્ત વિસ્તારમાં ૬૦ હજારથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડી આશ્રયસ્થાનોમાં રાખવામાં આવ્યા હતા તેમને પોષ્ટિક ભોજન સહિતની આરોગ્યલક્ષી સુવિધાઓ સ્થાનિકતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી હતી.

આ ઉપરાંત વરસાદના વહેતા પાણીના વહેણ સહિત અન્ય જગ્યાએ ફસાયેલા ૧,૫૧૩ જેટલા નાગરિકોને એનડીઆરએફ તથા એસડીઆરએફની ટીમો સાથે સંકલનમાં રહીને વહીવટી તંત્ર દ્વારા સફળ રેસ્ક્યુ ઓપરેશન કરીને તમામના જીવ બચાવી લેવાયા છે. એનડીઆરએફ- એસડીઆરએફના જવાનોએ કાબેલિયત જિંદાદિલી અને શૌર્યતાથી નાગરિકોના જીવ બચાવ્યા છે તે બદલ આ ટીમોને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

મંત્રીશ્રીએ કહ્યું કે,રાજ્યમાં કુલ ૧૪,૬૪૨ બસ રૂટમાંથી જે રૂટ બંધ થયા હતા તે તમામ રૂટ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યા હતા. નાગરિકોને ઓછામા ઓછી અગવડ પડે તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે. રાજ્યનાં ૧૮,૦૦૦ ગામો પૈકી માત્ર ૧ ટકા ગામોમાં વીજળી બંધ હતી. તે તમામ ગામોમાં વીજળી પૂર્વવત કરી જીયુવીએનએલની ટીમોએ ખુબ જ પ્રશંસનિય કામગીરી કરી છે.

મંત્રીશ્રીએ જણાવ્યુ કે,રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં સમગ્ર સરકાર તમામ ગુજરાતીઓની પડખે છે, તમામ મદદ માટે તત્પર છે. કોઇએ પણ કોઇપણ સ્થિતિમાં ગભરાવવાની કે ચિંતા કરવાની જરૂર નથી તેમ ગુજરાત સરકાર વતી મંત્રીશ્રીએ નાગરિકોને વિશ્વાસ અપાવ્યો હતો.

મંત્રીશ્રી વઘાણીએ કહ્યુ કે,નવસારી જિલ્લામાં અબોલ પશુઓ માટે સૂકા ઘાસચારાની માંગ આવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના અબોલ પશુઓને મહત્તમ પાંચ ઢોરની મર્યાદામાં પશુદીઠ ૪ કિલો સૂકુ ઘાસ વિનામૂલ્યે આપવાનો નિર્ણય કર્યો અનેતેનું વિતરણ શરૂ પણ કરી દેવામાં આવ્યુ છે.વરસાદે વિરામ લેતા નવસારીમાં મકાન અને આરોગ્ય સર્વે કામગીરી ૧૩૨ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે

શરૂ કરી દેવામાં આવી છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા નવસારી જિલ્લાને તાત્કાલિક ધોરણે બે એડિશનલ કલેક્ટર તેમજ પાંચ ડેપ્યુટી કલેકટર પણ ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત આરોગ્ય, મહેસૂલ સહિત સંબંધિત વિભાગોના નોડલ ઓફિસરો પણ પુન:વસનની કામગીરીમાં જોડાયા છે.

પ્રવક્તા મંત્રીશ્રીએ કહ્યુ કે,રાજ્યમાં થયેલ વરસાદને પરિણામે તા.૧૯/૦૭/૨૨ની સ્થિતિએ રાજ્યની૨૦૭ જેટલી મહત્વની જળ પરિયોજનાઓમાં ૫૪.૯૪ ટકા જેટલો જળસંગ્રહ થયો છે જેના પરિણામે આગામી સમયમાં રાજ્યમાં પાણીની તંગી વર્તાશે નહી. રાજ્યના ૨૦૬ જળાશયોમાં હાલ ૩,૧૩,૧૯૬ એમ.મી.એફ.ટી જળસંગ્રહ થયો છે જે કુલ સંગ્રહ શક્તિના ૫૬.૧૧ ટકા જેટલો છે. સરદાર સરોવર જળાશયમાં હાલ ૧,૭૭,૦૬૬ એમ.મી.એફ.ટી જળસંગ્રહ છે. જે કુલ સંગ્રહ શક્તિના ૫૨.૯૮ જેટલો જળસંગ્રહ છે.

તેમણે ઉમેર્યુ કે, ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૧૬.૧૧ ટકા જળસંગ્રહ, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૩૮.૮૫ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૬૯.૭૧ ટકા,કચ્છના ૨૦ જળાશયોમાં ૬૮.૨૦ ટકા, સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૫૪.૧૬ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યમાં ૩૦ જળાશયો ૧૦૦ ટકા કે તેથી વધુ ભરાયા છે.

૪૧જળાશયો ૭૦ ટકાથી ૧૦૦ ટકા, ૨૯ જળાશયો (સરદાર સરોવર સહિત)૫૦ ટકાથી ૭૦ ટકા, ૪૫ જળાશયો ૨૫ ટકાથી ૭૦ ટકા જ્યારે ૬૧ જળાશયોમાં ૨૫ ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. પ્રવક્તા મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું કે, રાજ્યમાં યોજાયેલ વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત તા.૧૮મી જુલાઇ-૨૦૨૨ સુધીમાં રાજ્યના તમામ જિલ્લા

અને કોર્પોરેશન મળી કુલ ૪૨ સ્થળોએ ૮૨ વંદે ગુજરાત વિકાસ યાત્રાઓએ પરિભ્રમણ કર્યુ હતું. જેમાં ૨,૧૩૩ જેટલા કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમોમાં ૯,૩૬,૮૬૪ જેટલા નાગરિકો સહભાગી બન્યા હતા. આ યાત્રા દરમિયાન ૪૨,૮૮૭ જેટલા વિવિધ વિકાસ કામોની જાહેરાત, લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા છે તેમજ ૪,૨૫,૫૦૩ જેટલા લાભાર્થીઓને વિવિધ લાભો પૂરા પડાયા છે.

મંત્રીશ્રીએ ઉમેર્યુ કે,વરિષ્ઠ વડિલોની અનોખી વંદના માટે અમલી શ્રવણતીર્થ દર્શન યોજનાનો વધુને વધુ વડિલો લાભ લઇ શકે તે માટે આ યોજનાના ધોરણોમાં ફેરફાર કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.જે અંતર્ગત વંદનિય વડિલોને બસ ભાડામાં મળતા ૫૦% રકમ સહાયમાં વધારો કરી ૭૫% સુધીની સહાય ચુકવાશે.

તે ઉપરાંત યાત્રાધામોના બે રાત્રિ અને ત્રણ દિવસ (૬૦ કલાક) સુધીના પ્રવાસની મર્યાદામાં વધારો કરી ત્રણ રાત્રિ અને ત્રણ દિવસ (૭૨ કલાક) સુધીની જોગવાઈ કરવામાં આવી છે. ૭૦ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ જો એકલા પ્રવાસ કરતી હોય તો તેઓની સાથે એક ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના એટેન્ડન્ટને લઈ જઈ શકશે.

શ્રવણતીર્થ યોજના અંતર્ગત ઓછામાં ઓછા ૩૦ વરિષ્ઠ નાગરિકોના સમૂહના બદલે હવે ૨૭ ની વરિષ્ઠ નાગરિકોના સમૂહ અરજીનો લાભ મળશે. આ યોજનાના સરળીકરણ તથા રોજગારીના સર્જન માટે નિગમની ૧૬ વિભાગીય કચેરીઓમાં બોર્ડના એક-એક પ્રોજેક્ટ આસિસ્ટન્ટની નિમણૂંક કરાશે.સમગ્ર દેશમાં આ પ્રકારની યોજના સૌ પ્રથમ ગુજરાતમાં શરૂ કરાઇ છે ત્યારે આ યોજનાનો વધુને વધુ વરિષ્ઠ નાગરિકોને લાભ લેવા તેમણેઅનુરોધકર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.