Western Times News

Gujarati News

સાબરકાંઠાઃ ચિતા સળગતી હતી અને અચાનક પૂર આવ્યું

વિજયનગર, ગુજરાતમાં હાલ મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સાબરકાંઠાના વિજયનગરમાં એક હૃદયદ્વાવક ઘટના સામે આવી છે. હાથમતી નદીના કિનારે એક ચિતા સળગી રહી હતી. તે દરમિયાન જ અચાનક નદીમાં પૂર આવતા સળગતી ચિતા સહિત મૃતદેહ તણાયો હતો. પાણીના વહેણમાં લાકડાઓ પણ વહી ગયા હતા.

આ ઘટનાનો વીડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, વિજયનગરના પરવઠ ગામ ગામના વૃદ્ધનું સોમવારે મોત નીપજ્યું હતું. મંગળવારે બપોરે ઘરેથી સ્મશાન યાત્રા નીકળી હતી. જે બાદ ગામની સીમમાંથી પસાર થતી હાથમતી બ્રિજ નીચે અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવી હતી. આ દરમિયાન ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં અચાનક પૂર આવ્યું હતુ.

જેના કારણે વૃદ્ધનો સળગતો મૃતદેહ સાથે ચિતાના લાકડા પાણીના વહેણમાં તણાઈ ગયા હતા. તો બીજી બાજુ ત્યાં ઉભેલા પરિવારજનો પણ દોડીને ત્યાંથી સુરક્ષિત જગ્યાએ જતા રહ્યા હતા. આ લોકોએ વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો.

જે બાદ તે ઘણો જ વાયરલ થયો હતો. રાજ્યમાં છેલ્લા થોડા સમયથી અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો. ત્યારે હાલ ધોધમાર વરસાદથી થોડી રાહત મળી હતી. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, મધ્યપ્રદેશમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આવતા ૨૪ કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે ૨૦ અને ૨૧મી તારીખે ગુજરાત અને સૌરાષ્ટ્ર રીઝનમાં ભારે વરસાદની શક્યતા નથી. જ્યારે રાજ્યમાં ૨૨ તારીખે સામાન્યથી ભારે વરસાદ થઇ શકે છે.

હવામાન વિભાગના ડો. મનોરમા મોહન્તીના જણાવ્યા પ્રમાણે, મધ્યપ્રદેશમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આવતા ૨૪ કલાકમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, પાટણ મહેસાણા તથા મધ્ય ગુજરાતના છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, આણંદ, વડોદરામાં ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.