Western Times News

Gujarati News

અમદાવાદમાં બે વર્ષ દરમ્યાન વરસાદી ખાડા પૂરવા 14 કરોડનો ખર્ચ થયો

વર્ષ ર૦ર૦ દરમ્યાન ચોમાસામાં પડેલ ખાડાની સંખ્યા તેમજ ખર્ચ

(દેવેન્દ્ર શાહ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વરસે રૂા.૪૦૦ થી પ૦૦ કરોડના ખર્ચથી નવા રોડ તૈયાર કરવામાં આવે છે પરંતુ વરસાદના એક-બે ઝાપટામાં જ રોડના મેકઅપ ઉતરી જાય છે તથા “રૂપાળા” રોડ “કદરૂપા” બની જાય છે સાથે-સાથે રોડ પર ભયજનક ભુવા અને ખાડા પણ પડે છે.

જેના કારણે શહેરના રોડ “ડીસ્કો રોડ” બની જાય છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નવરાત્રી-દિવાળીના તહેવારો પર પહેલા રોડ પેચવર્કના કામો પૂર્ણ કરવામાં આવે છે પરંતુ તેના માટે પણ અલગથી કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. અમદાવાદ શહેરમાં છેલ્લા બે વર્ષ દરમ્યાન માત્ર “ખાડા” પુરવા માટે રૂા.૧૩ કરોડનો ખર્ચ થયો હતો જે પૈકી ઉ.પશ્ચિમ, પૂર્વ અને પશ્ચિમ ઝોનમાં પ૦ ટકા કરતા વધુ રકમ ખર્ચ થઈ હતી.

અમદાવાદ શહેર માટે “ચોમાસા”ની સીઝન નુકશાનકારક સાબિત થઈ છે, ચોમાસા અગાઉ પ્રિ-મોન્સુન પ્લાન માટે રૂા.આઠથી દસ કરોડનો ખર્ચ થાય છે જયારે વરસાદ બાદ ભુવા-બ્રેકડાઉન રીપેરીંગ, રોગચાળા તેમજ રોડ રીપેરીંગ માટે વધુ રૂા.દસ કરોડ સુધીનો ખર્ચ થાય છે જેમાં સૌથી વધુ ખર્ચ ખાડા પુરવા માટે થાય છે.

ભારે વરસાદના કારણે રોડ ધોવાણ થતા હોય છે તેમજ રોડ પર નાના-મોટા ખાડા પડી જાય છે. મ્યુનિ. ઈજનેરખાતા દ્વારા આ ખાડા પુરવા માટે પેચવર્ક કામ કરવામાં આવે છે. ચોમાસા દરમ્યાન ભેજવાળા વાતાવરણમાં પેચવર્ક કરવા મુશ્કેલ હોય છે તેથી કોલ્ડમીક્ષથી પેચવર્ક કામ થાય છે, જેના કારણે ખર્ચ વધી જાય છે.

એક અંદાજ મુજબ એક ખાડામાં પેચવર્ક માટે સરેરાશ રૂા.ર૭૦૦ નો ખર્ચ થાય છે. અમદાવાદ શહેરમાં ર૦ર૦ના વર્ષમાં ૩૦પ૯ ખાડા પુરવામાં આવ્યા હતા જેના માટે રૂા.૬.૭૧ કરોડનો ખર્ચ થયો હતો જયારે ર૦ર૧માં ર૦૩૬૯ ખાડા માટે રૂા.૭.૧ર કરોડનો ખર્ચ થયો હતો ર૦ર૦માં ખાડા દીઠ રૂા.રર૦૦ અને ર૦ર૧માં ખાડા દીઠ રૂા.૩પ૦૦નો ખર્ચ થયો હતો.

શહેરના ઉત્તર-પશ્ચિમ, દક્ષિણ અને પૂર્વ ઝોનમાં કુલ ખાડા- ખર્ચના પ૦ ટકા કરતા વધુ ખાડા-ખર્ચ થયા હતા ઉત્તર પશ્ચિમ ઝોનમાં છેલ્લા બે વર્ષ દરમ્યાન કુલ ૧૦પર૬, પૂર્વ ઝોનમાં ૯૧૧૭ અને દક્ષિણ ઝોનમાં ૯૦૯ર ખાડા પડયા હતા. જેની સામે ઉ.પશ્ચિમ ઝોનમાં છેલ્લા બે વર્ષમાં ખાડા પુરવા માટે રૂા.ર.૮૦ કરોડ, દક્ષિણ ઝોનમાં રૂા.ર.૩૮ કરોડ અને પૂર્વ ઝોનમાં રૂા.ર.૪૬ કરોડનો ખર્ચ થયો હતો.

અત્રે નોંધનીય છે કે ચાલુ વર્ષે થયેલ ભારે વરસાદને કારણે શહેરમાં ઠેરઠેર ખાડા પડી ગયા છે. મ્યુનિ. કોર્પો. દ્વારા ર૦ જુલાઈ સુધી કોલ્ડમીક્ષ અને વેટમીક્ષની મદદથી ૭૦૬૮ ખાડા પુરવામાં આવ્યા છે. જયારે શહેરમાં ૪૪ સ્થળે બ્રેકડાઉન થયા છે જે પૈકી ર૦ બ્રેકડાઉનના કામ પુરા થઈ ગયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.