રાષ્ટ્રીય એકતાના સંદેશા સાથે દાહોદ નગરમાં યોજાઇ ભવ્ય પોલીસ પરેડ
દાહોદ : સરદાર વલ્લભભાઇ પટેલનો જન્મદિવસ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે આખા દેશમાં ધામધુમથી ઉજવવામાં આવ્યો હતો. આ દિવસે દાહોદ શહેરમાં પણ નગરજનોની રાષ્ટ્રીય એકતા અને અખંડતાની પ્રતિબધ્દ્રતા માટે રાજયકક્ષાના મંત્રી શ્રી બચુભાઇ ખાબડની આગેવાનીમાં ભવ્ય પોલીસ પરેડ યોજાઇ હતી.
દાહોદના પોલીસ પરેડ મેદાનથી પરેડની શાનદાર શરૂઆત કરવામાં આવી હતી. આ પરેડમાં મંત્રી શ્રી બચુભાઇ ખાબડ સાથે જિલ્લાના પોલીસ વડા શ્રી હિતેશ જોયસર, પ્રાંત અધિકારી શ્રી તેજશ પરમાર પણ જોડાયા હતા. રાષ્ટ્રીય એકતાના સંદેશ સાથે નીકળેલી પરેડમાં સશસ્ત્ર પોલીસ જવાનો, ધોડેસવાર પોલીસ જવાનો, બાઇક રાઇડર્સ પોલીસ, ટ્રાફીક જવાનોએ પોલીસ બેન્ડ દ્વારા વગાડવામાં આવતા વાધયંત્રો સાથે તાલબધ્ધરીતે શહેરના વિવિધ રાજમાર્ગો પર પરિભ્રમણ કર્યુ હતું. પોલીસ બેન્ડ દ્વારા દેશભક્તિના જોમભર્યા ગીતો પર શિસ્તબધ્ધ રીતે થઇ રહેલી પરેડને નગરજનોએ ઉત્સાહપૂર્વક નિહાળી હતી.
રાષ્ટ્રીય એકતા દિવસના આ પાવન પ્રસંગે ઉપસ્થિત પદાધિકારીઓ, અધિકારીઓ, પોલીસ જવાનોએ રાષ્ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષા જાળવી રાખવાના શપથ પણ લીધા હતા. પોલીસ પરેડમાં પ્રવાસન વિભાગના ડિરેક્ટર શ્રી સુધીર લાલપુરવાળા, નિવાસી અધિક કલેક્ટર શ્રી એમ.જે.દવે, દેવગઢ બારીયા પ્રાંત અધિકારી શ્રી એ.આઇ.સુથાર પણ જોડાયા હતા.