US-UK, કેનેડાની ફ્લાઈટની ટિકિટના ભાવમાં ૨૦૦% જેટલો વધારો
અમદાવાદ, યુકે, યુએસ અને કેનેડાની યુનિવર્સિટીઓમાં એડમિશન લેનારા ગુજરાતના વિદ્યાર્થીઓને ‘ફેર ટર્બ્યુલન્સ’ પરેશાન કરી રહ્યું છે. ગત વર્ષના જુલાઈની સરખામણીએ ઈન્ટરનેશનલ એરલાઈન્સે ટિકિટના ભાડામાં ૧૪૦%થી ૨૦૦%નો વધારો ઝીંક્યો છે.
ઈકોનોમી ક્લાસની ટિકિટનું ભાડું બિઝનેસ ક્લાસના ટિકિટના ભાડા જેટલું જ ઊંચું છે. અમદાવાદના ટ્રાવેલ કન્સલ્ટન્ટ અબ્રાર છીપાએ જણાવ્યું, “જુલાઈ ૨૦૨૧માં કેનેડાની ઈકોનોમી ક્લાસની વન-વે ટિકિટનો ભાવ ૭૫,૦૦૦ રૂપિયા હતો. જે હવે ૨.૨ લાખ રૂપિયા સુધી પહોંચી ગયો છે.
આ જ પ્રકારે, ગત વર્ષે જુલાઈમાં લંડનની એક ટિકિટનો ભાવ ૨૬,૦૦૦થી ૩૫,૦૦૦ની વચ્ચે હતો જે આ વર્ષે ૫૫,૦૦૦થી ૭૫,૦૦૦ રૂપિયાની વચ્ચે છે.” ગત વર્ષે જુલાઈમાં યુએસની વન-વે ઈકોનોમી ક્લાસની ફ્લાઈટ ટિકિટની કિંમત ૪૫,૦૦૦થી ૬૧,૦૦૦ની વચ્ચે હતી જે ચાલુ વર્ષે ૧.૨૨ લાખથી ૧.૫ લાખ રૂપિયા છે.
અબ્રારનું માનીએ તો, આ સમયગાળામાં ભારતીય વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે આ દેશોમાં જતાં હોય છે. એવામાં ધસારો વધારે હશે તેવું માનીને એરલાઈન્સે ટિકિટ ભાડામાં વધારો કર્યો છે. ભાવનગરની મોક્ષા ભાટીએ કેનેડાની યુનિવર્સિટી ઓફ કેલગરીમાં કેમિકલ મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા માટે એડમિશન લીધું છે.
તેણે હાલમાં જ કેનેડા જવાની વન-વે ટિકિટ માટે ૨.૨ લાખ રૂપિયા ચૂકવ્યા છે. આ જ પ્રકારે અમદાવાદની વિદ્યાર્થિની જાનકી ગેવરિયાએ ઓહાયોની ક્લિવલેન્ડ યુનિવર્સિટીમાં માસ્ટર ઓફ કમ્પ્યૂટર સાયન્સ કરવા માટે એડમિશન લીધું છે. તેણે વન-વે ટિકિટના ૧.૫૨ લાખ રૂપિયા ખર્ચ્યા છે. તેણે મલ્ટીપલ સ્ટોપનો વિકલ્પ લીધો છે. તે ૨૮ જુલાઈએ યુએસ જવાની છે. “મારે ૮ ઓગસ્ટ પહેલા યુએસ પહોંચવાનું છે.
મેં યુએસની ડાયરેક્ટ ફ્લાઈટના એર-ફેર ચેક કર્યા તો એક ટિકિટના ૨.૫૦ લાખ રૂપિયા હતા. એટલે મેં મલ્ટીપલ સ્ટોપનો વિકલ્પ લીધો જેથી ટિકિટની કિંમત થોડી ઘટી જાય. હું લંડન અને ન્યૂયોર્ક થઈને ક્લિવલેન્ડ પહોંચીશ, તેમ જાનકી ગેવરિયાએ જણાવ્યું.
ગત વર્ષની સરખમાણીમાં ચાલુ વર્ષે ટિકિટના ભાડામાં સરેરાશ ૬૦થી૮૦ ટકાનો વધારો થયો છે અને તેના બહુવિધ કારણો છે. ઈંધણની કિંમતમાં વધારા ઉપરાંત માગની સરખામણીમાં ફ્લાઈટ્સ ઓછી છે, તે પણ કારણ છે”, તેમ ટ્રાવેલ એજન્ટ્સ અસોસિએશન ઓફ ઈન્ડિયાના ચેરમેન વિરેન્દ્ર શાહે જણાવ્યું.
એરલાઈન્સે મહામારીના કારણે ફ્લાઈટની સંખ્યામાં ઘટાડો કર્યો હતો અને હજી સુધી તેઓ રેગ્યુલર સંખ્યા પર પાછા નથી વળ્યા. “બાદમાં ઈંધણની કિંમત પણ વધી હતી અને તેની અસર ટિકિટના ભાવ પર પડી હતી. યુએસમાં વિદ્યાર્થીઓ જાય છે તેવા સ્થળો જેવા કે લોસ એન્જેલસ, સાનફ્રાન્સિસ્કો, લંડન, ન્યૂયોર્ક અને ટોરેન્ટોની ટિકિટના ભાવ ઊંચા ગયા છે”, તેમ વિરેન્દ્ર શાહે ઉમેર્યું.SS1MS